વિચારોના વૃંદાવનમાં:આજના માનવીની સૌથી ક્રૂર મશ્કરી કઈ?, જવાબ છે: કુંભકર્ણને ક્લૉરોફૉર્મ સુંઘાડવું તે!
કવિ ન્હાનાલાલે ગ્રીસની સૌંદર્યવલ્લભ સંસ્કૃતિ, રોમની રાજસવલ્લભ સંસ્કૃતિ, યુરોપ-અમેરિકાની અર્થવલ્લભ સંસ્કૃતિ અને ભારતની ધર્મવલ્લભ સંસ્કૃતિની વાત કરેલી. પ્રજાના સંસ્કાર સ્થાયીભાવ પ્રાપ્ત કરે ત્યારે કેટલાંક વિશિષ્ટ લક્ષણોવાળી સંસ્કૃતિ ઉદય પામતી હોય છે.
ભારતીય સંસ્કૃતિની ખૂબી એ છે કે તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર, ચિકિત્સાવિજ્ઞાન, કૃષિવિજ્ઞાન, યુદ્ધવિદ્યા, સમાજવિદ્યા, અર્થવિદ્યા, ગણિતશાસ્ત્ર અને કામશાસ્ત્ર જેવી વિવિધ જ્ઞાનશાખાઓ અને ઉપશાખાઓનો મેરુદંડ ધર્મ હતો. આ ભૂમિમાં જ્ઞાનાચાર્યો પણ મૂળે ધર્માચાર્યો હતા. આ ભૂમિમાં વેદો રચાયા તે સાથે આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્યશાસ્ત્ર જેવા ઉપવેદો પણ સર્જાયા.
આપણે ત્યાં જીવનવિકાસના પાયામાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સ્થાન સ્વીકારાયું હતું. ‘વિવેકચૂડામણિ’ના આરંભે જ આપણા સૌથી મહાન જ્ઞાનાચાર્ય શ્રીમદ્ શંકરાચાર્યે કહેલું કે આ વિશ્વ અનેક જંતુઓથી ભરેલું છે પણ એ સર્વમાં મનુષ્યજન્મ દુર્લભ છે. જંતુઓ માત્ર જન્મે છે અને મરે છે, જ્યારે મનુષ્ય વિવેકબુદ્ધિથી પોતાના અસ્તિત્વને ઉદ્દિષ્ટ સ્થાન તરફ દોરી શકે છે.
સદીઓથી ગડમથલ કરતો માણસ નવીનવી શોધ કરતો આવ્યો છે. રાજકીય ક્ષેત્રે એણે લોકશાહીની શોધ કરી, આર્થિક ક્ષેત્રે એણે પૈસા(ચલણ)ની શોધ કરી, સામાજિક ક્ષેત્રે એણે લગ્નની શોધ કરી, શિક્ષણને ક્ષેત્રે એણે નિશાળની શોધ કરી, પ્રત્યાયન (કમ્યુનિકેશન)ને ક્ષેત્રે એણે ભાષાની શોધ કરી, જીવનનિર્વાહને ક્ષેત્રે એણે ખેતી અને પશુપાલનની શોધ કરી તથા સંરક્ષણને ક્ષેત્રે એણે લશ્કરની શોધ કરી. લશ્કરી શોધની ખૂબી તો જુઓ! એક એવો વર્ગ ઊભો થયો જેનું કામ જ લડવાનું. આ વર્ગના લોકોએ લડવાના (એટલે કે મા૨વા-મરવાના) કામને આજીવિકાનું સાધન બનાવ્યું. આ કંઈ જેવીતેવી વાત ન ગણાય. લશ્કર એટલા માટે રચાયું કે સમાજના બાકીના લોકોને લડવું ન પડે.
પ્રશ્ન થાય કે: લશ્કરમાં નથી જોડાયા એવા બાકીના લોકોના જીવનમાંથી લડાઈ ગઈ ખરી? અનેક ગધેડાઓ રોક્યા પછીય કુંભારનો બોજ ઘટ્યો ખરો? અનેક નિશાળો ખોલ્યા પછીય હજી અજ્ઞાન મચક નથી આપતું એનું કારણ શું? પૈસાની શોધ તો માણસ-માણસ વચ્ચે લેવડદેવડમાં સરળતા થાય તે માટે થયેલી. આ શોધ દુનિયાનાં લાખો ગામોમાં ઝૂંપડે ઝૂંપડે પહોંચી તોય લેવડદેવડમાં સરળતા વધી હોય એવી પ્રતીતિ થઈ રહી છે ખરી?
માનવીની ગરિમા વધે, એનું શોષણ અટકે અને એની વ્યક્તિતાને નવાનવા અંકુર ફૂટે તે માટે લોકશાહીની શોધ થઈ. કહેવાતા લોકશાહી દેશોમાંય આવું ખરેખર થયું છે ખરું? લશ્કરને માથે લડવાની જવાબદારી નાખી દીધા પછીય આપણે આથડતાં જ રહીએ એ કેવું? ક્લેમન્ટ ઍટલીએ ક્યાંક ટકોર કરેલી : માણસ કૂતરો ખરીદે પછીય પોતે જ ભસ્યા કરે તો મૂર્ખ ગણાય (A man would be a fool to buy a dog and bark himself).
વિશ્વશાંતિના સંદર્ભમાં હવે ઠેરઠેર એક પ્રશ્ન પુછાઈ રહ્યો છે: આ પૃથ્વીના રક્ષણની જવાબદારી કોની? જવાબ મળે છે : આ પૃથ્વી એ જીવનનું આશ્રયસ્થાન (sanctuary) છે અને એની ૫૨ રહેનારાં સૌએ એનું રક્ષણ કરવું રહ્યું. માણસે પશુપક્ષીઓ માટે અભયારણ્યોની જાળવણી કરી છે. આપણી નાનકડી પૃથ્વી સમગ્ર માનવજાત માટેનું અભયારણ્ય ભલે બનતી. આ કામ આપણા સૌનું ગણાય; એ લશ્કરને ના સોંપાય.
એક પુસ્તક છે : ‘Tomorrow’s World.’ લેખક લેહમન દુનિયાનો ચકરાવો તે૨ વખત મારી ચૂકયા છે. અણુશસ્ત્રો સામેની શાંતિચળવળમાં તેઓ સક્રિય રીતે જોડાયેલા છે. પોતે કવિ છે અને તસવીરકાર છે. આ પુસ્તકની હસ્તપ્રત એમણે પચાસેક પ્રકાશકોને મોકલી જોઈ. કોઈએ એ છાપવાની તૈયારી ન બતાવી. ઊંચી પ્રતિઠા અને બહોળા પરિચયો પણ કામ ન લાગ્યાં. દરેક ઠેકાણેથી એક જ જવાબ મળ્યોઃ ‘નો કૉમર્શિયલ પોટેન્શિયલ.’
છેવટે લેહમન અને એની પત્નીએ ઑરેગૉન (અમેરિકા)માં એક પ્રેસ તથા નાનકડી પ્રકાશનસંસ્થા શરૂ કરી. એ સંસ્થાનું પહેલું પ્રકાશન તે આ પુસ્તક. એમાં પચાસથી વધારે કવિતાઓ છે; કેટલીક હૃદયને સ્પર્શી જાય તેવી અને કેટલીક મનને ખલેલ પમાડે તેવી. અગિયાર વર્ષની બાળકીએ લખેલી પંક્તિઓ અહીં ઉતારી છે :
હું ઇચ્છું કે તેઓ
યુદ્ધને બદલે પ્રેમ જાહેર કરે!
***
મૃત્યુ કોઈ ઝઘડો નિવારી નહીં શકે;
એ તો
સમસ્યાઓને દફનાવી દે એટલું જ !
આજના માનવીની સૌથી ક્રૂર મશ્કરી કઈ ? જવાબ જડે છે : ‘કુંભકર્ણને ક્લૉરોફૉર્મ સુંઘાડવું તે.’ કહેવાતી ધર્મવલ્લભ સંસ્કૃતિનું ઘેન આ દેશમાં ઘણા લોકોને ચઢતું હોય છે. આવું ઘેન ભાગ્યે જ એમને જીવનશુદ્ધિ તરફ પ્રેરનારું બની શકે.
મણિલાલ નભુભાઈ દ્વિવેદી ‘અભેદ’ને ગીતાનું સારતત્ત્વ ગણાવે છે. તો પછી આપણી કહેવાતી ધર્મવલ્લભ સંસ્કૃતિમાં ભેદભાવની બોલબાલા જોવા મળે એનું કારણ શું? અહીં જ્ઞાતિઓ-પેટાજ્ઞાતિઓ, સંપ્રદાયો- પેટાસંપ્રદાયો, પક્ષો-પેટાપક્ષોના રાફડા સચવાઈ રહ્યા છે. આ દેશમાં માણસને જેટલાં લેબલો વળગી પડે તેટલાં ભાગ્યે કોઈ બીજી જગ્યાએ વળગતાં હશે! અનેક લટકણિયાંઓના ભારથી લચી પડેલી માનવતા અહીં સતત કણસતી રહે છે.
ધર્મોદયને નામે, અહીં દંભોદય થતો રહે છે. તેથી જ તો અહીં અભેદની શાસ્ત્રચર્ચાની લગોલગ અસ્પૃશ્યતા ટકી રહી. સ્વામિનારાયણ સંપ્રદાયે પછાત વર્ગોમાં વ્યસનમુક્તિનું કામ કર્યું અને લોકોને ઊંચનીચના ભેદભાવ દૂર કરવાનું શીખવ્યું પણ કાળક્રમે એમાંય બે ફાડ પડી; બોચાસણ અને વડતાલની. વડતાલપંથી પટેલે પોતાની જ જ્ઞાતિમાં પોતાના દીકરાના વિવાહ કર્યા ત્યારે એ પંથના સાધુએ પૂછી લીધું : ‘ભાઈ, વેવાઈ બોચાસણિયો તો નથીને?’
જનોઈ ક્ષીણ થઈ ગયેલા બ્રાહ્મણત્વનો છેલ્લો દાર્શનિક પુરાવો બનીને શરીર પર લટકતી રહી. આપણે ત્યાં કર્મે નહીં, માત્ર જન્મને કા૨ણે જ બ્રાહ્મણ ગણાતા માણસને ‘બ્રહ્મબંધુ’ કહે છે. આપણો ધર્મ છેલ્લી કેટલીક સદીઓમાં આવા બ્રહ્મબંધુઓને પનારે પડ્યો અને આપણી કહેવાતી ધર્મવલ્લભ સંસ્કૃતિ દંભવલ્લભ સંસ્કૃતિ બની રહી. દાળ કે કઢીને વઘાર દ્વારા છમકારવામાં આવે એ રીતે યુગેયુગે માનવધર્મને છમકારવાનું કામ યુગપુરુષો દ્વારા થતું રહે છે.
બ્રાહ્મણ સંસ્કૃતિમાં પેઠેલા સડાને સાફ કરવાનું ક્રાંતિકારી કાર્ય બુદ્ધ અને મહાવીરે ઉપાડ્યું. કાળક્રમે બુદ્ધ અને મહાવીરે સીંચેલી શ્રમણ સંસ્કૃતિમાંય સડો પેઠો અને શંકરાચાર્યે સનાતન ધર્મની ઉદ્ઘોષણા કરી. મહર્ષિ દયાનંદે સનાતન ધર્મમાં જામી ગયેલાં જાળાં સાફ કરવાનું કામ ઉપાડ્યું.
આ સદીમાં મૂળે ધર્મવલ્લભ એવી ભારતીય સંસ્કૃતિને છમકારવાનું મહાન કાર્ય ગાંધીજીએ કર્યું. દિવાળી આવે અને ગૃહિણી મોટે ઉપાડે ઘ૨સફાઈ શરૂ કરે એ રીતે ગાંધીજી મંડી પડયા, પણ સદીઓથી મેલના થરના થર જામેલા તે એમ કાંઈ ગાંઠે? પાઘડીનો વળ છેડે
એકવાર જપાનમાં દુનિયાના પાંચસો જેટલા ટોચના વિચારકો એકઠા થયા.
તેમાં કેટલાક નોબેલ પારિતોષિક વિજેતાઓ પણ હતા.
સૌ એક વાત પર સંમત થયા
કે જો દુનિયાને સર્વનાશથી બચાવવી હોય તો
ગાંધીજીને રસ્તે જ બચાવી શકાય.
ગાંધીય બાપડા બધો કચરો સાફ ન કરી શક્યા, એ ખરું;
પણ એમાં એમનો શો વાંક!
જામી પડેલા કચરા સામે જીવ્યા ત્યાં લગી
ગાંધીજીએ ટક્કર લીધી- સો ટચની ટક્કર.
પણ આપણેય કમાલ છીએને!
ગાંધી ગયા ને થોડાં જ વર્ષોમાં તો નવાનવા કચરાના ઢગલા ખડકી દીધા.}
Blog: http://gunvantshah.wordpress.com
Read Original Article →