માય સ્પેસ:જે જાણે છે એ બોલતો નથી, જે બોલે છે એ જાણતો નથી

Magazine5/24/2026, 12:35:00 AM
માય સ્પેસ:જે જાણે છે એ બોલતો નથી, જે બોલે છે એ જાણતો નથી
જાપાનીઝ ફિલોસોફી વાબી સાબીની જેમ ચીનમાં પણ એક અદભુત દર્શનશાસ્ત્ર અથવા ફિલોસોફીનું અસ્તિત્વ છે. આજથી 2500 વર્ષ જૂની આ ફિલોસોફી આજે પણ એટલી જ સાચી અને પ્રસ્તુત લાગે છે. માનવામાં આવે છે કે ભારતના બુદ્ધ, યુનાનના સોક્રેટિસ અને ચીનના લાઓત્સે સમકાલીન હતા. નવાઈની વાત એ છે કે ચીનની ફિલોસોફીના સૌથી મૂલ્યવાન વ્યક્તિ વિશે વિશ્વ અને ચીનને ઓછામાં ઓછી માહિતી ઉપલબ્ધ છે. એમણે પોતે જ ક્યાંક કહ્યું હતું, ‘સંત પોતાના વિચારને આગળ કરે છે અને વ્યક્તિત્વને સંતાડે છે.’ માનવામાં આવે છે કે લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે 571માં થયો હોવો જોઈએ. એ કન્ફ્યુશિયસના સમકાલીન હતા. એક સુસંસ્કૃત અને સંભ્રાંત પરિવારમાં એમનો ઉછેર થયો. ઝોઉ વંશના સમ્રાટના ગ્રંથાલયમાં એ કામ કરતા હતા. પછી અચાનક એક દિવસ એ ગાયબ થઈ ગયા. 90 વર્ષ સુધી જીવ્યા એમ માનવામાં આવે છે, પરંતુ એમના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એમણે જે જ્ઞાનની વાતો કરી એને ‘તાઓ’ તરીકે ઓળખવામાં આવે છે. તાઓવાદ માને છે કે માણસનું મોટા ભાગનું દુઃખ માણસની ઈચ્છાઓમાંથી, બધું પોતાના કાબૂમાં રાખવાની ઝંખનામાંથી અને સતત પોતાને સાબિત કરવાની દોડમાંથી જન્મે છે. તાઓવાદ શાંતિ, સાદાઈ, મૌન અને આંતરિક રિક્તતાને મહત્ત્વ આપે છે. તાઓવાદમાં એક બહુ મહત્વનો સિદ્ધાંત છે યીન અને યાંગ... બે તદ્દન વિરોધી બાબતો... તદ્દન વિરોધી જેન્ડર, અથવા તદ્દન વિરોધી વિચાર, પરંતુ એ બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. તાઓવાદ કહે છે કે વિરોધી શક્તિઓ એકબીજાની દુશ્મન નથી, બલ્કે એકબીજાની સાથે મળીને પૂર્ણતાના વિચારને અર્થસભર બનાવે છે. જો રાત ન હોય તો દિવસનું મહત્ત્વ ન હોઈ શકે. જો પુરુષ ન હોય તો સ્ત્રીનો કોઈ અર્થ નથી. જીવન-મૃત્યુ, સુખ-દુઃખ, અંધકાર અને પ્રકાશ, કોમળતા અને કઠોરતા બંને એકબીજા વગર અધૂરા છે. માટે જ એકમેકની સાથે મળીને પૂર્ણતા પ્રાપ્ત કરે છે. તાઓનો એક વિચાર ‘વુ વેઈ’ છે. એનો અર્થ છે કોઈ પણ પ્રકારના આયાસ વગરનું કર્મ. વહેતું પાણી પત્થરને પોતાની સાથે વહેવડાવતું નથી, બલ્કે ધીમે ધીમે પોતાનો રસ્તો શોધી લે છે. સમય અને પરિસ્થિતિ અનુસાર જો વ્યક્તિ પોતાની જાતને અનુકૂળ કરી લે તો કદાચ જીવન સરળ બની જાય. તાઓવાદ કહે છે કે જે પ્રકૃતિ બહાર છે એ જ ભીતર છે. માણસ જ્યારે પ્રકૃતિ સાથે (અંદરની અને બહારની) યુદ્ધ કરે છે ત્યારે દુઃખી થાય છે. કારણ કે, માણસ પ્રકૃતિનો હિસ્સો છે. પ્રકૃતિ હંમેશા માણસ ઉપર સ્વામિત્વ ધરાવે છે. માણસ જતો રહેશે તો પણ પ્રકૃતિ તો રહેશે જ. એ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે તાઓવાદની સમજણની શરૂઆત થાય છે. તાઓ કોઈ દેવ નથી, કોઈ ધર્મ નથી, કોઈ નિયમ કે પંથ નથી. એ માત્ર લાઓત્સેએ આપેલો એક વિચાર છે. લાઓ એટલે બુઢ્ઢો અથવા વૃદ્ધ અને ત્સે એટલે ગુરુ-આદરણિય પ્રાચીન ગુરુ. કેટલાંક ફિલોસોફર્સ માને છે કે લાઓત્સે એક વ્યક્તિ નહોતી. અનેક લોકોની ફિલોસોફી મળીને એક સંમિલિત વિચાર તરીકે લાઓત્સેનું અસ્તિત્વ ઘડાયું છે. એક પ્રાચીન કથા કહે છે કે લાઓત્સે રાજાના લાઈબ્રેરિયન તરીકેના કામથી કંટાળી ગયા. રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો હતો. સત્તા માટેના ઝઘડા વધી રહ્યા હતા. ત્યારે એક રાત્રે ચૂપચાપ ભાગી છૂટવા માટે બળદ અથવા ભેંસ પર બેસીને જઈ રહ્યા હતા ત્યારે રાજ્યની પશ્ચિમ સરહદે પહોંચ્યા. રાજાને જાણ થઈ ગઈ. એમણે એમને રોક્યા. કહ્યું કે, તમે આ દુનિયા છોડીને જાવ એ પહેલાં તમારે તમારું જ્ઞાન દુનિયાને આપવું જોઈએ... પહેલાં તો લાઓત્સેએ સ્પષ્ટ ના પાડી, પરંતુ રાજાની વિનંતીઓને કારણે એમણે પાંચ હજાર શબ્દોનું એક પુસ્તક લખ્યું. દુનિયાના સૌથી ઊંડા છતાં ટૂંકા ફિલોસોફિકલ ગ્રંથોમાં એની ગણના થાય છે. પુસ્તકનું નામ છે ‘તાઓ તે ચિંગ’ (પ્રકૃતિ અને આત્મિક શક્તિનો ગ્રંથ) પુસ્તક પૂરું કરીને એ ત્યાંથી ચાલી ગયા... એ ક્યાં ગયા એની કોઈને જાણ થઈ નહીં, એમ ચીની કથાઓ કહે છે. આમ તો આ પ્રતીકાત્મક વાત પણ છે, કારણ કે પ્રાકૃતિક અને અધ્યાત્મિક શક્તિઓ સત્તાના ઝઘડામાં કે સમાજના પતન વખતે લુપ્ત થઈ જાય છે. નમ્રતા, મૌન અને સ્વાભાવિકતા એ તાઓનો સંદેશ છે. આપણે દંભ અને અસ્વાભાવિક જગતમાં પ્રવેશ કરતા જઈએ છીએ ત્યારે તાઓને સમજવા અને યાદ કરવા જોઈએ. ઘડો એની માટીને કારણે નહીં, પરંતુ અંદરની ખાલી જગ્યાને કારણે કામની વસ્તુ બને છે. ઘડો જ માટી છે અને માટી જ ઘડો છે. તેમ છતાં માટીમાંથી બનેલો ઘડો ઉપયોગી છે, જ્યારે નરી માટીનો કોઈ ઉપયોગ નથી. તાઓ એકદમ રહસ્યમય અને મિસ્ટિકલ વિચાર છે, પરંતુ જો સમજાય તો આજના સ્ટ્રેસ અને ભાગદોડભર્યા જીવનમાં તાઓવાદ માણસને શાંત અને માનસિક રીતે સ્વસ્થ બનાવવાનું કામ કરી શકે છે. }
Read Original Article →