માનસ દર્શન:પ્રેમ પ્રગટ કરવાનાં કેટલાંક કેન્દ્રબિંદુ

Magazine6/7/2026, 12:35:00 AM
માનસ દર્શન:પ્રેમ પ્રગટ કરવાનાં કેટલાંક કેન્દ્રબિંદુ
એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ‘પ્રેમથી તો પરમાત્મા પ્રગટ થાય છે પરંતુ પ્રેમ કેવી રીતે પ્રગટ થાય?’ સારો પ્રશ્ન છે. પ્રેમ પ્રગટ થાય છે શ્રવણાર્થ. કોઈના વિશે આપ સાંભળો અને સાંભળતાં સાંભળતાં પ્રેમ પ્રગટ થાય છે. ‘શ્રવણ સુજસ સુનિ આયહું.’ વિભીષણનો પ્રેમ દબાયેલો હતો પરંતુ પ્રગટ થયો છે જ્યારે હનુમાનજીના મુખે રામ વિશે સાંભળ્યું ત્યારે. ભગવદ્દચર્ચા શ્રવણ કરવી આવશ્યક છે. પ્રેમ પ્રગટ કરવાનું બીજું બિંદુ છે સ્મરણાર્થ. એનું વારંવાર સ્મરણ કરવાથી પ્રેમ પ્રગટ થાય છે. ‘શ્રીમદ્દ ભાગવતજી’ કહે છે, ‘ઈતિ સંસ્મૃત્ય સંસ્મૃત્ય.’ યશોદામાં, નંદમાં પ્રેમ તો ભરપૂર પડ્યો છે. કૃષ્ણની સ્મૃતિ વારંવાર પ્રેમને પ્રગટ કરે છે. ‘માનસ’માં લખ્યું છે, ‘સુમિર સુમિર ભવ ઉતરહી પારા.’ કૃષ્ણની યાદે આખા વ્રજને કેદ કર્યું; કૃષ્ણની યાદે બધાંને બંદી બનાવી દીધાં હતાં. વ્રજવાસીઓ મથુરા શા માટે ન ગયા? લોકો વારંવાર પૂછે છે. વ્રજવાસીઓ સ્મૃતિની જેલમાં ન હોત તો મથુરા ચાલ્યા જાત. પરંતુ એ કેદમાં હતાં, જાય તો જાય કેવી રીતે? યાદોની કિલ્લેબંધી હતી. બધાં કારાગારો કરતાં યાદોનું કારાગાર એ મોક્ષનું દ્વાર છે. શ્રી હનુમાનજી કહે છે, સ્મરણ ન થવું, યાદ ન આવવી, સ્મૃતિ ખોવાઈ જવી એ વિશ્વમાં સૌથી મોટી વિપત્તિ છે. કહ હનુમંત બિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોઈ. દર્શનાર્થ મળી જાય, કોઈ સામે આવી જાય અને પ્રેમ પ્રગટ થઈ જાય. બુદ્ધના જીવનમાં પ્રેમની કથા ઓછી મળે છે. કરુણાની કથાઓ જરૂર છે. પરંતુ બુદ્ધ જ્યારે દેશના માટે ગંધકુટિમાંથી બહાર નીકળે છે; પહેલાં આનંદ નીકળતા હતા કે તથાગત પધારી રહ્યા છે; કલ્પનાથી જ બધાંનું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. બધાં બૌદ્ધ ભિખ્ખુઓ ઊભા થઈ જાય છે. બુદ્ધની સભામાં દસ હજાર ભિખ્ખુઓ બેસતાં હતાં એવું ઓશોનું નિવેદન છે. અને જેવો બુદ્ધનો પ્રવેશ થતો હતો કે બધાં ઊભાં થઈ જતાં હતાં અને એમાં કોઈ એવું ન હતું કે જેમની આંખમાંથી અશ્રુનો પ્રવાહ ન વહેતો હોય. ક્યારેક આંસુ જ પ્રવચન બની જતું હતું; ક્યારેક મૌન જ પ્રવચન બની જતું હતું. તેજ બે પ્રકારના હોય છે. એક મૌન તેજ; બીજું મુખર તેજ. સુમિત્રાના બે પુત્ર પ્રગટ થયા. મારી પાસે એક એવી પણ જિજ્ઞાસા આવી હતી કે જ્યારે ત્રણ રાણીઓને પ્રસાદ વહેંચવામાં આવ્યો ત્યારે કૌશલ્યાને અરધો પ્રસાદ મળ્યો; કૈકેયીને વન ફોર્થ પ્રસાદ મળ્યો; સુમિત્રાને પણ વન ફોર્થ જ પ્રસાદ મળ્યો; પરંતુ એના બે ભાગ કેમ કરવામાં આવ્યા? કૌશલ્યાને ડાયરેક્ટ દશરથજીએ પોતાના હાથે પ્રસાદ આપ્યો. સૌથી પહેલાં પ્રસાદ યજ્ઞપુરુષ પાસે હતો. પ્રસાદનો એક અર્થ થાય છે કૃપા. કૃપા વધવી જ જોઈએ. પ્રસાદ કેટલા હાથમાં હસ્તાંતરિત થયો? દશરથજીના પ્રેમને તુલસીએ કહ્યો સત્ય પ્રેમ. પ્રેમ બે પ્રકારના હોય છે, કપટ પ્રેમ અને સત્ય પ્રેમ. જે પ્રેમમાં સમસ્ત કામના પૂર્ણ થઈ જાય છે એ સત્ય પ્રેમ. દશરથજીના હાથમાં પ્રસાદ ગયો પછી એ પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે. દશરથજીને એક ખાસ સૂચના આપવામાં આવી, ‘જથા જોગ જેહિ ભાગ બનાઈ’ રાજા, વિવેકનો ઉપયોગ કરશો. કૃપા આવી જાય તો પછી વિવેક જરૂરી છે. દશરથજીની સમતા તૂટી નથી. અને ભગવાન રામ રાવણ પર વિજય મેળવ્યા બાદ અયોધ્યા પાછા ફર્યા તો ‘અમિત રૂપ પ્રગટે તેહિ કાલા.’ અમિત રૂપ લીધાં. ભગવાનની સમતા તૂટી? ‘મિલે જથા જોગ.’ કોણ મળી રહ્યું છે? કૃપાલુ. કૃપા ભેદભાવ નથી કરી શકતી. ભગવાન બુદ્ધે આનંદને જીવનપર્યંત સાથે રાખ્યો. હવે દશરથજીને યથાયોગ્ય પ્રસાદ વહેંચવાનું કહેવામાં આવ્યું એટલે દશરથજી પોતાના વિવેકનો ઉપયોગ કરે છે અને ગુરુ વચનથી જરા સંકેત કરે છે. ગુરુની ભાષા જ સાંકેતિક હોય છે. તો પ્રેમ પ્રગટ કરવાનાં આટલાં કેન્દ્રબિંદુ હોઈ શકે છે. પ્રેમનું રાજ્ય હોવું જોઈએ. એટલા માટે તો હું કથાને પ્રેમયજ્ઞ કહું છું. } (સંકલનઃ નીતિન વડગામા)/nitin.vadgama@yahoo.com
Read Original Article →