અક્ષરનો અજવાસ:યુદ્ધનાં ખપ્પરમાં હોમાતું શૈશવ

Magazine4/12/2026, 12:50:00 AM
અક્ષરનો અજવાસ:યુદ્ધનાં ખપ્પરમાં હોમાતું શૈશવ
જયેન્દ્રસિંહ જાદવ આજકાલ જ્યારે સવાર પડે છે અને અખબારનાં પાનાં ખૂલે છે, ત્યારે જાણે તેમાંથી બારૂદની ગંધ આવે છે! પૂર્વ હોય કે પશ્ચિમ, વિશ્વના નકશા પર ક્યાંક ને ક્યાંક લોહીના ડાઘા સતત ઘાટા બની રહ્યા છે. ધ્વસ્ત થતી ઈમારતો, કાટમાળ નીચે દબાયેલું માસૂમ બાળપણ, આકાશમાંથી વરસતી આગ અને નિરાશ્રિત થઈને રઝળતા લાખો લોકો વચ્ચે માનવતા તરફડી રહી હોય તેવું લાગે છે. માનવજાતનો ઇતિહાસ આમ તો સભ્યતાના વિકાસનો દસ્તાવેજ ગણાય છે, પરંતુ એ જ ઇતિહાસના પાનાઓ જ્યારે યુદ્ધના લોહીથી ખરડાય છે, ત્યારે ભીષણ દૃશ્યો દેખાય છે. આ સંહારમાં અકારણ જો કોઈનું લોહી વહ્યું હોય, તો તે નિર્દોષ બાળકોનું છે. સત્તાની સાઠમારીમાં અને ભૌગોલિક સરહદોના અહંકારમાં સેનાપતિઓ કદાચ જીતી જતા હશે, પણ એ મેદાનમાં સૌથી મોટી હાર હંમેશાં શૈશવની થાય છે. વાસ્તવમાં આ હાર માનવતાની હાર છે. રશિયન દોસ્તોવ્સ્કીએ તેમની સુપ્રસિદ્ધ કૃતિ ‘ધ બ્રધર્સ કરામાઝોવ’માં અત્યંત માર્મિક પ્રશ્ન પૂછ્યો છે. તેમાં મુખ્ય પાત્ર ઇવાન કહે છે, ‘જો આખા વિશ્વની સુખાકારી, શાંતિ અને માનવનસીબનો કોઈ ભવ્ય મહેલ ચણવાનો હોય, પરંતુ તેના પાયામાં જો માત્ર એક જ નિર્દોષ બાળકના આંસુ રેડવાં પડતાં હોય કે તેને યાતના આપવી અનિવાર્ય હોય, તો હું તેવા સ્વર્ગના વિચારનો જ સદંતર ઇન્કાર કરીશ.’ આજે વિશ્વના રાજકીય મંચ પર દોસ્તોવ્સ્કીની આ કરુણા ક્યાંક ખોવાઈ ગઈ હોય એમ લાગે છે. આજના આ કપરા કાળમાં ઇતિહાસનું એક સોનેરી પાનું અચૂક યાદ આવે. જ્યારે સમગ્ર યુરોપ બીજા વિશ્વ યુદ્ધની આગમાં સળગી રહ્યું હતું, ત્યારે માનવતાની એક અદભુત મિશાલ ગુજરાતની ધરતી પર જોવા મળેલી. વર્ષ 1939માં જ્યારે જર્મની અને સોવિયેત સંઘે પોલેન્ડ પર આક્રમણ કર્યું, ત્યારે હજારો બાળકો અનાથ બની ગયાં હતાં. વર્ષ 1942ની આસપાસ એક યુદ્ધ જહાજમાં હિલોળા ખાતા, મધદરિયે અનેક યાતનાઓ વેઠીને આ નિરાધાર પોલિશ બાળકોનો કાફલો જ્યારે ભારત ભણી આવ્યો, ત્યારે ગુજરાતના નવાનગર (હાલના જામનગર) ના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ આ બાળકોને આશરો આપ્યો હતો. મહારાજા જામસાહેબે જામનગર નજીક આવેલા બાલાચડી ખાતે પોતાના મહેલ પરિસરમાં આશરે 640થી વધુ પોલિશ બાળકો માટે એક વિશેષ શરણાર્થી છાવણી ઊભી કરી હતી. તેમણે એ અનાથ બાળકોને અત્યંત ભાવુક બનીને કહ્યું હતું, ‘તમે હવે અનાથ નથી, આજથી હું તમારો પિતા છું.’’ અહીં માત્ર તેમને માત્ર આશરો જ નહોતો અપાયો, પરંતુ તેમનું બાળપણ જીવંત રહે તે માટે પોલિશ ભાષાનાં શિક્ષકો, પુસ્તકાલય અને રમતગમતની વ્યવસ્થા કરી હતી. 1942થી 1946 સુધી ચાલેલા આ કેમ્પે વિશ્વ યુદ્ધની વિભીષિકા વચ્ચે એક વાત્સલ્યદ્વીપનું કામ કર્યું હતું. યુદ્ધના અંધકારમાં જામનગરના મહારાજાએ પ્રગટાવેલો આ માનવતાનો દીપ આજે પણ પોલેન્ડમાં ‘ગુડ મહારાજા સ્ક્વેર’ તરીકે આદરભેર યાદ કરાય છે. અફસોસની વાત એ છે કે આધુનિક માનવીએ ઇતિહાસમાંથી શસ્ત્રબોધ લીધો અને શાસ્ત્રબોધ લેવાનું ભૂલી ગયો. આધુનિક યુદ્ધોમાં બાળકો હવે માત્ર આકસ્મિક ભોગ (કોલેટરલ ડેમેજ) નથી રહ્યા, પરંતુ તેમને સીધા જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અને યુનિસેફ દ્વારા પ્રાપ્ત થયેલા વર્તમાન સત્તાવાર આંકડાઓ માનવતા સભ્યતાનાં ગાલ પર એક તમાચો છે. ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ઓક્ટોબર, 2023થી માર્ચ, 2026 સુધી ચાલેલા સંઘર્ષમાં બંને પક્ષે કુલ 64, 000થી વધુ બાળકો માર્યાં ગયાં છે અથવા અપંગ બન્યાં છે, જેમાં 1, 000થી વધુ નવજાત શિશુઓ સામેલ છે. માર્ચ, 2026ના ડેટા અનુસાર, બોમ્બમારાથી 21, 289 બાળકોનાં સીધા મૃત્યુ નોંધાયાં છે. આ ઉપરાંત 4, 50, 000થી વધુ બાળકો ગંભીર માનસિક આઘાત અને અનિદ્રાથી પીડિત છે. બીજી તરફ, રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી, 2022થી આજ દિન સુધીના સમયગાળામાં 766 બાળકો મૃત્યુ પામ્યાં છે અને 2540થી વધુ ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ યુદ્ધોને કારણે આશરે 25 લાખથી વધુ બાળકો દેશની અંદર કે બહાર વિસ્થાપિત થવા મજબૂર બન્યાં છે. શિયાળાની કાતિલ ઠંડીમાં પાવર હાઉસના નાશ પામવાથી લાખો બાળકો બંકરોમાં જીવી રહ્યાં છે. મહાન ફિલસૂફ ખલીલ જિબ્રાને પણ માર્મિક ટકોર કરતા કહ્યું છે, ‘તમારાં બાળકો એ તમારાં બાળકો નથી, તેઓ તો સ્વયં જીવનની પોતાની જ અભિપ્સાનાં સંતાનો છે.’ જ્યારે યુદ્ધમાં એક બાળક મરે છે, ત્યારે માત્ર કોઈ દેશનો નાગરિક નથી મરતો, પરંતુ સ્વયં ‘જીવનની અભિપ્સા’નો શ્વાસ રુંધાઈ જાય છે. સત્તાના નશામાં ચકચૂર જગતજમાદાર નેતાઓએ તેમના હાથમાંથી રમકડાં ઝૂંટવીને તેમને બારૂદના ઢગલા પર બેસાડી દીધા છે. કાળના ચોપડે જેનો હિસાબ ક્યારેય ન આપી શકાય તેવો જો કોઈ જઘન્ય અપરાધ હોય, તો તે બાળપણની હત્યા છે. યુદ્ધ તો જીતી જવાશે પરંતુ યુદ્ધની વિભીષિકામાં હારેલી પેઢીઓ કેવી રીતે જીતશે? તેનો વિચાર કરવાની જરૂર છે. બાળકો આપણી આવતીકાલ છે, જે વિશ્વ તેના બાળકો માટે સુરક્ષિત નથી, તેવા વિશ્વના અસ્તિત્વનો પૃથ્વીના નકશા પર કોઈ જ અર્થ રહેતો નથી. અંતે, લોગ તૂટ જાતે હૈ એક ઘર બનાને મેં; તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં. - બશીર બદ્ર
Read Original Article →