મરક મરક:પહેલા સગાં’ના સુખથી વંચિત અમેરિકાવાસી ગુજરાતીઓ
ધ્રુવ બોરીસાગર થોડો સમય અમેરિકામાં રહીને અમદાવાદ પાછો આવ્યો. (ઝાઝો વખત સંઘરે પણ કોણ?) પત્ની સાથે ગયો હતો એની જાણકારી હોવા છતાં બધાનો એક જ પ્રશ્ન હતો ‘તમને ત્યાં ગમતું હતું?’ પણ, આ મુદ્દા સિવાય પણ ગુજરાતીને અમેરિકામાં ન ગમવાનાં, ન ફાવવાનાં એટલાં બધાં કારણો છે કે ખબર નથી પડતી કે ક્યાંથી શરૂ કરું?
એકબીજાનું અંગ્રેજી સમજવામાં બંનેને એકસરખી મુશ્કેલી પડે છે. સ્ટોરમાં મેં કાઉન્ટર પર ઊભેલીને ‘વૉશરૂમ’ વિશે પૂછ્યું તો એણે મને થેલી આપી અને મારા ચહેરા પર ડોકાતી બહારની બાઘાઈ અને અંદરની ઘાંઘાઈ જોતાં એ તો મારી સાથે આવી! એની હાજરીમાં, થેલીમાં અને બાથરૂમ જવાનું – કાંઈ સમજાતું નહોતું. ‘હમણાં વૉશરૂમ આવશે’ એવી આશાએ એની પાછળ હાથમાં થેલી લઈને ચાલતો હતો ત્યાં એકદમ મને અટકાવી, મશરૂમ બતાવીને કહ્યું ‘Take it’ Okનો અંગૂઠો બતાવવાને બદલે ટચલી આંગળી બતાવી ત્યારે સફેદ ચકલી મારી વાત સમજી!
પાડોશમાં કોણ રહે છે એની ત્યાંનાં લોકોને ખબર ન હોય તો આપણે ત્યાંની ઠેરઠેર ભરાતી ઓટલા પરિષદ સંસ્કૃતિ દ્વારા કરવામાં આવતી કૂથલી, પંચાત, મેણાં-ટોણાથી શરીરની તોંતેર ઇન્દ્રિયોને આવતા આનંદનો ખ્યાલ આ લોકોને ક્યાંથી હોય? અરે, પાડોશી સાથે સંબંધો પણ ન હોવાથી ‘પહેલા સગાં’ના સુખથી (કે દુઃખથી) આ લોકો વંચિત હોય છે! પાડોશીને ત્યાં ચાલતી પ્રવૃત્તિમાં આ લોકોને રસ ન હોવાને કારણે એમના જીવનમાં નવરાશ અને હળવાશ જોવા મળી!
અમેરિકામાં કોઈ સામે મળે તો ‘હાઇ’ અને જવાબમાં ‘ફાઇન’ બસ. આપણને તો કેટલી બધી ‘હાય હાય’ (બળતરાની) હોય એમ ઘરે બધાં મજામાં? બાળકો શું કરે છે? હમણાં ઘરમાં કંઈ ડખો ચાલે છે? સવાલોનો મારો ચલાવીને સામેવાળાને ‘આ ક્યાં ભટકાણો?’ની લાગણી જન્માવીએ છીએ. જાણવાજોગ માહિતી પ્રાપ્તિ માટે જાણભેદુ પંદરેક મિનિટ ખપાવે છે, જેમાં સામેવાળો ખપી જાય છે!
ટ્રાફિક પોલીસ રોકે તો ગવર્નર પર બંને હાથ રાખીને કારમાં જ બેસી રહેવાનું. કારની બહાર આવીને આપણી જેમ સૌપ્રથમ ગરીબડા થઈને વિનંતી કરવાની, કોઈને મોબાઇલ લગાડીને ઓળખાણ લગાડવાની. વ્યવહાર સેટ કરવા નીચે ઉતારવાની કોઈ તક મળે જ નહીં! અહીં ક્યાંય પણ બાર્ગેનિંગ કરવાનો આનંદ મળે જ નહીં!
રેલવે સ્ટેશને નકશો જોવા ગયો તો ત્યાં બાંકડે બેઠેલા જુવાને ઊભા થઈ મને જગ્યા આપી. (આપણે ત્યાં જગ્યા આપવાને બદલે, જગ્યા કરવા ખભા દ્વારા ઠોંસા મારવાનું અને જગ્યા મેળવવા કોણીએ ગોળ લગાડવાનું સામાન્ય છે!) અમુક ધાર્મિક સ્થળને આપણે ત્યાં ‘જગ્યા’ કહેવામાં આવે છે. આ ‘જગ્યા’માં પોતાની જગ્યા કરવા હમણાં આપણે ત્યાં ઝઘડા ચાલ્યા હતા! (ફકીરી કા મઝા તો દેખ, ના કુછ પાને કી ચિંતા, ના કુછ ખોને કા ડર!) જગ્યા મેળવવા હાથ પહોળા કર્યા પછી જગ્યા મેળવીને પગ પહોળા કરવાનો આપણે ત્યાં નિયમ છે! જીત્યા પછી પ્રધાનમંડળમાં ‘જગ્યા’ મેળવવી સૌથી મોંઘી હોય છે!
બિલના 15% ટિપ આપવાનો રિવાજ – ટીપે ટીપે સરોવર ભરાય પણ આટલી ટિપ જો આપણે ત્યાં આપવાનો રિવાજ હોય તો ટીપે ટીપે પેટ ખાલી રહે. ઑર્ડર દેતાં પહેલાં મગાવેલી વાનગીનું ટોટલ અને ટિપ કેટલી થશે – એનો વિચાર કરીને ભૂખ મરી જાય! 2,000 રૂપિયાના બિલ પર 300થી 400 રૂપિયા ટીપ? વેડિંગ ડેસ્ટિનેશનમાં સ્થળ યજમાન નક્કી કરીને માત્ર જાણ કરે. આવવા-જવાનું તો આપણે ત્યાં પણ પોતાના ખર્ચે હોય છે, પણ અહીં તો બે દિવસના હોટેલ સ્ટેની વ્યવસ્થા પણ આપણા રૂપિયે કરવાની અને માથે ચાંદલો પણ કરવાનો, બોલો! આપણે ત્યાં આવી પ્રણાલિકા હોય તો ‘નવી નવાઈનો પરણે છે’ એમ કહીને કોઈ જાય નહીં!
ફાટક બંધ હોય ત્યારે સામે બધાં એમની સાઇડમાં જ ઊભાં હોય. ફાટક ખૂલે ત્યારે સામસામે કોઈ ઘર્ષણ (પહેલાં વાહનનું, પછી માણસનું) ન થાય તો મજા ન આવે. આપણે ત્યાં લાઇસન્સની પરીક્ષામાં ‘ક્રૉસિંગ ક્રૉસ ટેસ્ટ’ ઉમેરવાની જરૂર છે.
હૉર્ન પણ નહીં મારવાનાં – આપણે ત્યાં તો હૉર્ન ન મારીએ તો આપણને હાથમાં ખંજવાળ ઊપડે! વાહન ચલાવતાં જો હૉર્ન ન સંભળાય તો ભેંકાર જગ્યાએ ભૂલા પડ્યા હોઈએ એવું લાગે! આપણને તો Horn મારવા કરતાં Horn (શીંગડાં) ભરાવવાની પણ એટલી જ મજા પડે છે!
ટૂંકમાં, અમેરિકામાં આપણને NO ગમે, NO ફાવે!
આઇસ ક્યૂબ: દરેક કચેરીમાં એક ધક્કે કામ પતી જાય તો ઘણું એટલે ઘણું પેટ્રોલ-ડીઝલ બચે! }
Read Original Article →