કૉલાજ:ચીયર્સ ચા : મૂર્છિત મનની સદાકાળ સંજીવની

Magazine5/17/2026, 12:35:00 AM
કૉલાજ:ચીયર્સ ચા : મૂર્છિત મનની સદાકાળ સંજીવની
હરદ્વાર ગોસ્વામી એકાક્ષરી શબ્દ ‘ચા’ સાંભળતા બગાસાંની બજારમાં સોપો પડી જાય છે. આદું અને એલચીની સોડમ નાકથી નાભિ સુધી પહોંચી જાય છે. આખા દૂધની અડધી ચાનો કરંટ કલાકો સુધી રહે છે. આખી ચાના ઓર્ડર હવે સાંભળવા મળતા નથી. સિડની સ્મિથ જાણે મારા દિલની વાત કહે છે... ‘Thank god for tea! what would the world do without tea…! How did it exist? I am glad I was not born before tea.’ ચા વગર મારા અસ્તિત્વને કલ્પી જ ન શકું. અડધી ચાની શોધ મજૂરે કરી પણ અડધામાંથી અડધી ચાની શોધ તો શિક્ષકે જ કરી હશે. અમદાવાદમાં કોથળીમાં લાવેલી દસ રૂપિયાની ચા પાંચ વ્યક્તિને પિરસાય છે. એમાં હોઠ પણ ભીના ન થાય. એના કરતાં ચમચી ચમચી આપી દે તો સારું. કદાવર કપમાં અને અડાળીના આંગણામાં સબડકા વગર ચાનો સંતોષ ન થાય. એક કિસ્સામાં ચા પીતી વખતે હસબંડ અવાજ કરતો હતો એટલે પત્નીએ છૂટાછેડા આપેલા. પ્યારા પતિદેવો સાવધાન... આવી આદતવાળાઓએ હવે હોઠ પર સાઈલેન્સર લગાવી રાખવું. જેમ અમુક લોકો એકાદ કલાકે ફરી ચાની કીટલી પર મળી જતા હોય એમ હું ફરી કીટલી કલ્ચર પર આવું. એકવાર ગ્રાહકે ફરિયાદ કરી કે ‘ચામાં માખી પડી છે.’ તો શેઠે જવાબ આપ્યો, ‘દસ રૂપિયાની ચામાં માખી જ આવે હાથી ન આવે.’ ચીન સાથે ચા પીવાના સંબંધો ભલે ન રહ્યા હોય પણ ચાની શોધ માટે એનો આભાર માનવો રહ્યો. ચીનમાં યુનાન પ્રાંતના લીકેંગ સિટી પ્રીફેક્ચરમાં ફેગકિંગ પ્રદેશને લગભગ 3200 વર્ષ જૂના ખેતી કરેલ ચાના ઝાડનું ઘર ગણવામાં આવે છે. લોકોક્તિ પ્રમાણે સૌથી પ્રાચીન ચા રામાયણમાં યુદ્ધ વખતે લક્ષ્મણ મૂર્છિત થાય ત્યારે હનુમાનજી જે સંજીવની લાવ્યા એ મનાય છે. અનેક પ્રકારની ચા હોય છે. હર્બલ ટી, બ્લેક ટી, વ્હાઈટ ટી, ગ્રીન ટી, ડાર્ક ટી, મસાલા ટી વગેરે ચાથી ચિત્તચૈતન્યમાં વીજળીના ચમકારા થાય છે. ડુંગળી ગરીબોની કસ્તૂરી કહેવાય તો ડુંગળીની ચા અમીરોને જ પોસાય એવી છે. ચા પીધા વગર માણસ બકરી જેવો અને પીધા પછી વાઘ જેવો બની જાય એટલે જ કદાચ વાઘબકરી નામ રાખવામાં આવ્યું હશે. ગુજરાતીને ઘોમઘખતા તડકામાં પણ ચા વગર ન ચાલે. પાણી પછી સૌથી વધુ પિવાતું પીણું ચા છે. જેની પત્ની સારી તેનું જીવન સારું અને જેની સવારની ચા સારી એનો દિવસ સારો. ઘણાને ચા પીવે તો રાત્રે ઊંઘ ન આવે, ઘણાને રાત્રે ચા ન પીવે તો ઊંઘ ન આવે. વરસતા વરસાદમાં ગરમ ગરમ ગોટાં સાથે ચાનો એક પ્યાલો મળી જાય તો સોનામાં સુગંધ ભળે. છત્તીસગઢની પિલ્લા દેવી નામની મહિલા છેલ્લાં 33 વરસથી માત્ર ચા જ પીવે છે. પિલ્લા દેવી ચા પર જીવે છે અને ભારતના વડાપ્રધાન ચા ઉપર જીતે છે. લોકો પિલ્લા દેવીને ‘ચાઈવાળી ચાચી’ તરીકે ઓળખે છે. પિલ્લી દેવી જ્યારે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી ખાવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ તે થોડાં બિસ્કિટ અને બ્રેડ ખાતી હતી. થોડા સમયમાં એ પણ ખાવાનું બંધ કરી દીધું. એ પછી માત્ર ચા પર જ જીવન ગાળે છે. અનેક ડોકટરે પિલ્લા દેવીનું ચેકઅપ કર્યું પણ આ ટેવ પાછળ કયું કારણ છે એ શોધી શક્યા નથી. સવારના પહોરમાં ગમતીલા હાથની ચા મળે તો આખા દિવસ પર વહાલનું વરખ ચડતું હોય એવું લાગે. નારાયણ સ્વામીના ગરવા કંઠે ગવાયેલ ‘ચા વિના મને ચેન પડે નહીં’ ગવાતું ત્યારે લોકોને ચા પીધા વગર ટેસડો પડી જતો. મિઝોરમમાં શિક્ષણનું પ્રમાણ ઓછું. એમાં દીકરીઓના અભ્યાસની તો વાત જ ન કરી શકાય. આ વાતાવરણમાં એક ટંક ન જમીને પણ લલથલા મુઆની ગ્રેજ્યુએટ થઇ. પછી ૩૦૦થી વધુ ખેડૂતોને ચા પીવાના બહાને બોલાવી પોતાના ખેતરમાં થતી ઈમ્યૂનિટી બૂસ્ટર ‘લાલ ચા’નો મોટા પાયે બિઝનેસ શરૂ કરવાની વાત કરી. પછી તો થોડા સમયમાં બધાના સહકારથી એમની કંપની પ્રખ્યાત થઇ ગઈ. આ લાલ ચા ઓર્ગેનિક છે, જેમાં પોષક તત્ત્વો હોય છે. આર્યનનું પ્રમાણ વધુ હોય છે, જે દૂધ નાખ્યા વગર પિવાય છે. જે ‘હાઈ ક્વોલિટી રેડ જંગલ ટી’ના નામે ઓળખાય છે. ચીનમાં લોકો બીમાર પડે એટલે ચા વધુ પીવે છે, એમનું માનવું છે કે ચામાં રોગપ્રતિકારક શક્તિ વધુ છે. બુદ્ધ પાંચ વર્ષ જાગૃત રહેવા ચાના વૃક્ષનાં પાંદડાં ચાવતાં હતાં. કેટલાક બંધાણીઓ ચા ન મળે ત્યારે ચાની ભૂકી મોંમાં મૂકે છે. દારૂની લત છોડી શકાય છે પણ ચાની ચાહ ન મૂકી શકાય. સૌરાષ્ટ્રમાં કોઈ ઘરે આવે અને ચા ન પિવડાવો તો અપમાન જેવું લાગે અને અમદાવાદમાં ચા પિવડાવે તો આશ્ચર્ય! ચા પીવી એટલે સંબંધોનું શેરિંગ. કીટલી સૌથી સસ્તુ-સારું મિલનસ્થળ. રોડથી કરોડ સુધીના લોકોને ચાની ચાહત રહી છે. અડધી ચાની પ્યાલીમાં વેપારીઓ બહેનોને મોંઘામાં મોંઘી સાડી પધરાવી દે છે. જે કામ ક્લાસમેટ ન કરી શકે એ ગ્લાસમેટ કરી શકે છે. અમદાવાદ લકીની ચા પીને ખુશ થઇ એમ. એફ. હુસેને ચાવાળાને લાખોની કિંમતનું ચિત્ર ભેટ આપ્યું હતું. સૌરાષ્ટ્રની ગળીમધ જેવી ચામાં લાગણીની મીઠાશ ભળેલી હોય છે. ગુજરાતમાં દર 100 ફીટના અંતરે ચાના ગલ્લા છે. ફાઈવસ્ટાર હોટલમાં હજાર રૂપિયાની ચામાં બિઝનેસ થાય પણ ચાર રસ્તા પરની કીટલી પર દોસ્તી થાય. એ પિવાયેલી ચાની લિજ્જત અને લહેજત અનોખી અને આજીવન રહે છે. પ્યાલામાં દાર્જિલિંગના દરિયા ઊછળતા હોય છે. ચાય બિના ચેન કહા રે... એક ચાની લારી પર લખેલું કે ‘ઉધાર એક જાદુ છે, તમને આપ્યા પછી તમે ગુમ થઇ જશો.’ તોય કેટલાક કે. લાલ ચાના પૈસા બાકી રખાવી, દેશના અર્થતંત્રની ગરમાગરમ ચર્ચા લારી પર કરતા હોય છે. મમતાનો મુસ્લિમવાદ અને સુવેન્દુનો સનાતનવાદ અહીં સમ પર હોય છે. સમાજવાદ માત્ર ચાની લારી પર જીવતો છે. આપણે ત્યાં 40 ડિગ્રી ગરમીમાં પણ લોકો ચાની ચૂસકીમાં ચકચૂર હોય છે. ભારતમાં અંગ્રેજો ચાનું ચલણ લાવ્યા. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની બંગાળી નવલકથાની નાયિકા લલિતા ચા નથી પીતી કારણ કે રાષ્ટ્રીય આંદોલનથી પ્રભાવિત તેના પ્રેમી શેખરને મહિલાઓ ચા પીએ એ પસંદ નથી. મગજના બાર વાગી ગયા છે. ચાલો, (ચા-લો) કટિંગ પીતો આવું… 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ ભલે હોય પણ અમારે તો Every time Tea time. આ વર્ષની ચા દિવસની થીમ છે ‘વિકાસ, વિસ્તાર અને વ્યાપાર’. જેવી ચા ભારતના વડાપ્રધાનને ફળી એવી સૌને ફળો. આવજો... પ્રાચીન કાળમાં વિષકન્યાને જે રીતે નાનપણથી થોડું થોડું ઝેર આપીને ઉછેરવામાં આવતી હતી તેવી જ રીતે આજના બાળકોને નાનપણથી ટાઢ, તડકો, વરસાદ, ભૂખ વગેરે સહન કરતાં શીખવશો તો મોટા થઈને ભારે દુઃખ સામે હારી નહીં જાય. - સ્વામી સચ્ચિદાનંદ
Read Original Article →