વિકાસની વાટે:સંતાનોના મિત્ર કઇ રીતે બની શકાય?

Magazine4/19/2026, 1:00:00 AM
વિકાસની વાટે:સંતાનોના મિત્ર કઇ રીતે બની શકાય?
હસમુખ પટેલ એક દીકરીનું વજન વધારે હોવાથી તેની માતાને તેની ચિંતા થતી. તે દીકરીને સમજાવતી. રોકટોક કરતી. પરંતુ તેનાથી ફાયદો કંઈ ના થતો. દીકરીનું વજન ઘટતું નહોતું. બલકે, આને કારણે બંને વચ્ચેના સંબંધો બગડતા જતા હતા. અંતર વધતું જતું હતું. દીકરી પોતે આ મુદ્દે ચિંતિત હતી. પ્રયત્નો કરતી. પરિણામ ન આવતા નિરાશ થતી. પરિણામ ન આવે એટલે માતાની ચિંતા વધે. માતાની ટક ટક વધે. દીકરીને પ્રયત્ન કરવાની ઈચ્છા જ ન થાય. વજન ઘટાડવા અંગે આ દીકરીએ એની બહેનપણીની મદદ માગે. એની બહેનપણીએ કેટલાંક સૂચનો કર્યાં. તેમાંથી કેટલાંકનો તેણે અમલ કર્યો. અહીં માતાની જેમ તેને હિસાબ આપવાનો ન હતો. નિષ્ફળ જાય તો તેની બહેનપણી તેને ટોકવાની ના હતી. પરિણામે તેણે પોતાની ઈચ્છા અને આઝાદીથી પ્રયત્ન શરૂ કર્યા. સફળતા-નિષ્ફળતા ચાલતી રહી પરંતુ આ મુદ્દે કશીક હલચલ શરૂ થઈ જે અત્યાર સુધી સાવ સ્થગિત હતી. ગરમીની મોસમમાં તે દરરોજ સાંજે એક બરફ ગોળો ખાતી હતી. હવે તેણે તે બંધ કરવાનો નિશ્ચય કર્યો. એક-બે દિવસ ન ખાધો. એક દિવસ ઓફિસમાં એવી ઘટનાઓ થઈ કે કંટાળો દૂર કરવા ગોળો ખાવાની ઈચ્છા થઈ. તેણે પોતાની બહેનપણીને વાત કરી. બહેનપણીએ સૂચન કર્યું કે એક દિવસ ખાવાનો અને એક દિવસ નહીં ખાવાનો. પછી બે દિવસ નહીં ખાવાનો અને એક દિવસ ખાવાનો એમ ધીરે ધીરે ખાવાનું સાવ બંધ કરી શકાય. આ સૂચન તેને બહુ સરસ લાગ્યું. તેણે બહેનપણીનો આભાર માન્યો કારણ કે આટલો સરસ વિચાર તેને આવ્યો ન હતો. આ છે પિયર લર્નિંગની મજા. પોતાના જેવડા જ લોકોના પ્રશ્નો સરખા જેવા હોય. વૃતિઓ અને વલણો સરખાં હોય. કશુંક નક્કી કરી તેના પર ટકી રહેવાની ક્ષમતા પણ લગભગ સરખી હોય. નિષ્ફળ જવાય ત્યારે નિરાશા અને તેની સાથે કામ પડવાની શક્તિ પણ સરખા જેવી હોય. એટલે જ યુવાનો માતા-પિતા કરતાં એકબીજા પાસેથી વધુ શીખી શકે. જો તેમના સાથીઓ સાવ નકામા ન હોય તો. માતા-પિતા શિખામણ આપે તેની એક મર્યાદા એ પણ હોય છે કે આજે સમય બદલાઈ ગયો હોય છે. તેમના સમયના વિચારો અને પદ્ધતિઓ જૂનાં થઈ ગયાં હોય છે. આજના યુવાનોના પ્રશ્નો પડકારો અને ઉકેલો જુદા હોય છે. છતાં પણ મા-બાપ તેનો આગ્રહ રાખે એટલે સંતાનો અને મા-બાપ વચ્ચે અંતર વધે છે. માતા-પિતા પોતાનાં ધોરણો સંતાનોને લાગુ પાડે છે. કોઈ વસ્તુ નક્કી કરી તેને પાળવાની ક્ષમતા તેમનામાં હોય તેટલી યુવાનોમાં ન હોય. તેમણે પણ ઘણી નિષ્ફળતાઓ પછી એ ક્ષમતા હાંસલ કરી હોય અને સંતાનો એક ઝાટકે તે કરી લે તેવી તેમની અપેક્ષા હોય. યુવાનોની ઈચ્છા, આકાંક્ષા અને ઊર્જા જ અલગ હોય. ઘણા પ્રયત્ને આપણે જે શીખ્યા હોઈએ તેઓએ તો હમણાં તે શીખવાનું શરૂ કર્યું હોય અને આપણી અપેક્ષા એવી હોય કે તેઓ આપણી જેમ જ બધું ફટાફટ કરી લે. આપણા જેટલા ઉત્પાદક હોય. આપણા જેટલા જ વ્યવસ્થિત હોય. આપણી જેમ જ સમયનો સદુપયોગ જાણતા હોય. આપણે નિષ્ફળ જઈએ ત્યારે આપણે કોઈને જવાબ આપવાનો હોતો નથી. આપણી ઉપર કોઈ ચાબુક લઈને ઊભું હોતું નથી. આપણે ભૂલ કરીએ ત્યારે આપણે તેનો ખુલાસો આપી દઈએ. આપણી જાતને પૂછીએ કે આપણા સંતાનો ખુલાસો આપે ત્યારે આપણો કેવો અભિગમ હોય છે? આપણે જે બાબતે ચિંતિત હોઈએ તે મુદ્દો આપણા સંતાનોને પણ સતાવતો હોય છે. તેઓ તેમની રીતે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ધાર્યું પરિણામ આવતું નથી. પ્રયત્ન છતાં પરિણામ ના આવવાને કારણે તે નિરાશ હોય છે. તેને વધુ પ્રયત્ન કરવાનું મન થતું નથી. આપણે તેના પ્રયત્ન જોતા નથી માત્ર પરિણામ જોઈએ છીએ. પરિણામ ન મળે એટલે આપણે તેને ઠપકો આપીએ છીએ, એ રીતે કે જાણે તેણે પ્રયત્ન જ ન કર્યો હોય. તે નિરાશામાંથી બહાર નીકળી પ્રયત્ન કરવા માટે મથતા હોય ત્યારે આપણા આવા વલણને કારણે તે પ્રયત્ન છોડી દે છે. એટલું જ નહીં આપણા તેની સાથેના સંબંધો બગડે છે. સંતાનો પણ આમાં ઘણું કરી શકે એમ છે. તેમની જિંદગી માટે તેમણે જવાબદાર બનવું પડશે. સારા મિત્રો બનાવવા પડશે. સારી ટેવો પાડવી પડશે. પોતાના જીવનમાં શું ચાલી રહ્યું છે તેનાથી મા-બાપને વાકેફ કરવાં પડશે. પોતાની સફળતાઓ અને નિષ્ફળતાઓ માતા-પિતાને કહેશે તો તેમનો તેમના પર ભરોસો વધશે. પોતાનાં સંતાનો કેટલા સક્ષમ છે તેની ખબર માતા-પિતાને પડે તો તેઓની ચિંતા ઘટશે. ચંચુપાત ઘટશે. એવું ન પણ થાય. તમે તેમને માહિતગાર કરો તેમ તેઓ વધુ સલાહ આપતા થાય તેવું પણ બને. પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કરવાનો થાય. જેટલો સંવાદ વધુ એટલી સમજ વધુ, ચિંતા ઓછી અને સંબંધો મજબૂત થાય. માતા-પિતાએ સંતાનોના મિત્રો બની રહેવું જોઈએ. મિત્ર બનવું એટલે શું? તેમને તેમની દુનિયામાં જઈને સાંભળવાં. તેમને સલાહ આપવાને બદલે સાંભળવાં. અપેક્ષાઓ અને આગ્રહ છોડવાં. રાહ જોવાની તૈયારી રાખવી. સફળતાને બિરદાવવી. વણમાગ્યું માર્ગદર્શન ન આપવું. તેમના ખભે હાથ મૂકવો. સંતાનો તો નાનાં છે. શીખી રહ્યા છે. સાચી જવાબદારી તો મા-બાપની છે.
Read Original Article →