સમયાંતર:હોર્મુઝની અસર 20 હજાર કિલોમીટર દૂર પનામા કેનાલમાં કેવી રીતે થઈ?

Magazine5/3/2026, 12:50:00 AM
સમયાંતર:હોર્મુઝની અસર 20 હજાર કિલોમીટર દૂર પનામા કેનાલમાં કેવી રીતે થઈ?
લલિત ખંભાયતા હોર્મુઝની ખાડી એશિયામાં છે. પનામા નહેર દક્ષિણ અને ઉત્તર અમેરિકા ખંડના મધ્ય ભાગે આવેલા પનામા દેશમાં છે. બંનેના ખંડ સાવ અલગ છે અને ભૌગોલિક અંતર તો 20 હજાર કિલોમીટર કરતાંય વધારે છે. હોર્મુઝની ખાડી-સામુદ્રધુનિમાંથી સાઉદી, ઈરાન, ઈરાક, કતર, યુ. એ. ઈ. વગેરે દેશોનાં જહાજોને બહાર નીકળવાનો માર્ગ છે. પનામા નહેર જગતના બે મોટા મહાસાગરો પ્રશાંત અને એટલાન્ટિકને જોડે છે અને એ માટે દક્ષિણ અને ઉત્તર અમેરિકાને તોડે પણ છે. પનામામાંથી રોજનાં સરેરાશ 35 જહાજો પસાર થાય છે. કુલ પસાર થતી સામગ્રીમાંથી 10 ટકાથી ઓછી સામગ્રી ગેસ-પેટ્રોલિયમ પ્રકારની હોય છે. બીજી તરફ હોર્મુઝમાંથી રોજનાં 90-120 જહાજો પસાર થાય છે અને એમાંથી 50 ટકાથી વધારે પેટ્રોલિયમ-ગેસનાં હોય છે. હોર્મુઝમાંથી રોજના 2 કરોડ બેરલથી વધારે પેટ્રોલિયમ પસાર થાય છે, પનામાંમાંથી 23 લાખ બેરલ માત્ર. હોર્મુઝની ખાડીમાંથી ગમે તેટલાં કદાવર જહાજો પસાર થઈ શકે છે. જ્યારે પનામા નહેર માંડ 500 ફીટ પહોળી છે. ત્યાં 160 ફીટથી વધારે પહોળાં જહાજ પસાર થઈ શકતાં નથી. ઈન ફેક્ટ, પનામા નહેરમાંથી પસાર થઈ શકે એ માટે જહાજોની સાઈઝનું ખાસ વિભાગીકરણ કરવામાં આવ્યું છે. ‘પનામેક્સ’ અને ‘નીયોપનામેક્સ’ એ જહાજોના પ્રકાર છે, જે પનામા નહેરમાંથી પસાર થઈ શકે. હોર્મુઝમાં જગતનાં સૌથી મોટાં જહાજો પસાર થઈ શકે છે, જેની પહોળાઈ બસ્સોથી સવા બસ્સો ફીટ સુધીની હોય છે. પનામાંથી પસાર થતાં જહાજની મહત્તમ વજનક્ષમતા 1.20 લાખ ટન છે, જ્યારે હોર્મુઝમાંથી 3. 20 લાખ ટન વજન ધરાવતા સુપર ટેન્કર્સ સહિતનાં જહાજો પસાર થઈ શકે છે. આ બધી વિગતો પરથી સાબિત એટલું જ કરવાનું કે હોર્મુઝની સામુદ્રધુનિ અને પનામા નહેરને એકબીજા સાથે લેવા-દેવા નથી. છતાં પણ હકીકત એ છે કે હોર્મુઝની ખાડીમાં ચાલતા ડખાને કારણે પનામાનો ટ્રાફિક વધી ગયો છે અને ભાવ પણ ઊંચકાયો છે. કેમ? એ પણ સમજીએ… પનામાની ડિમાન્ડ કેમ વધી? પનામા નહેરમાં ટ્રાફિક વધવાનું કારણ એટલું જ કે જે પેટ્રોલિયમ-ગેસ ઈરાન-ઈરાક-કુવૈત-કતાર-સાઉદી વગેરે દેશોમાંથી આવતું હતું એ હવે અમેરિકાથી આવતું થયું છે. અમેરિકા પોતે જગતનો મોટો પેટ્રોલિયમ-ગેસ વેપારી દેશ છે. યુદ્ધ શરૂ થયા પછી એકથી વધુ વાર ટ્રમ્પે કહ્યું કે ઈરાનને પડતું મૂકીને પેટ્રોલિયમ-ગેસ લેવા અમારી દુકાને આવો. ખરીદદાર દેશોની ઈચ્છા હોય કે ન હોય પણ હોર્મુઝની ખાડી (ઈરાનનો અખાત)માં અનેક દેશોનો સામાન લઈને આવતા જહાજો અટકી પડે પછી ક્યાંકથી તો આ સામગ્રી મેળવવીને? એટલે દુનિયાના ઘણા દેશોએ અમેરિકા પાસેથી ખરીદી શરૂ કરી દીધી. અમેરિકાથી એશિયા, યુરોપ, આફ્રિકા… ગમે ત્યાં જહાજ પહોંચાડવું હોય પસાર પનામા નહેરમાંથી થવું પડે. એટલું જ નહીં, અમેરિકાના (સાન ફ્રાન્સિસ્કો કે લોસ એન્જેલસ જેવા નગરો ધરાવતા) પશ્ચિમ કાંઠાથી (ન્યૂયોર્ક, ન્યૂજર્સી વગેરે જેવાં બંદરો ધરાવતાં) પૂર્વ કાંઠે જહાજોએ જવું હોય તો સૌથી સરળ રસ્તો પનામાંથી પસાર થાય છે. અમેરિકાના પશ્ચિમ કાંઠેથી રવાના થતું જહાજ જ્યારે પૂર્વ કાંઠે જવા નીકળે ત્યારે જો આખા દક્ષિણ અમેરિકા ખંડને આંટો ફરવા જાય તો 24-25 હજાર કિલોમીટરની એક ટ્રિપ થાય. દિવસો સુધી ચાલે. 1914માં પનામા નહેર શરૂ થઈ એ પહેલાં જહાજો આવા પચ્ચીસ હજાર કિલોમીટર લાંબા રસ્તેથી જ જતા હતા. હવે જહાજ અમરિકાના પૂર્વમાંથી નીકળી પશ્ચિમમાં કે પશ્ચિમમાંથી નીકળી પૂર્વમાં જાય અને પનામામાંથી પસાર થાય તો સફર અંદાજે 9 હજાર કિલોમીટરની થાય. પંદરેક હજાર કિલોમીટરની બચત થાય એ સીધી વાત છે. એટલે રોજના સરેરાશ 35 હજારો એંસી કિલોમીટર લાંબી પનામા નહેરમાંથી પસાર થાય છે. ભારતને કેટલો ફરક પડે? દુનિયાની વાત બાજુ પર રાખીને ભારતનું ઉદાહરણ જોઈએ. ધારો કે સાન ફ્રાન્સિસ્કોથી એક 1.20 લાખ ટન વજનનું જહાજ મુંબઈ આવવા નીકળે છે. જો એ પનામાવાળા રસ્તેથી આવે તો સફર 22-23 હજાર કિલોમીટરની થાય. દિવસો 35-40 થાય છે અને ખર્ચ કુલ 17 લાખ ડૉલર જેટલો થાય. એ જ જહાજ દક્ષિણ અમેરિકા ખંડ ફરીને આવે તો દિવસો 55 થાય, ખર્ચ 25 લાખ ડૉલરથી વધી 40 લાખ ડૉલર સુધી પહોંચે અને કિલોમીટર 31-32 હજાર થાય. પનામા નહેરમાંથી પસાર થવાં માટે જહાજોએ એડવાન્સમાં બુકિંગ કરાવી રાખવું પડે છે. જહાજના કદ મુજબ સરેરાશ 1 લાખ, 35 હજાર ડૉલરની ફી જહાજે પનામા નહેર ઓથોરિટીને ટોલ તરીકે ચૂકવવી પડે. વારો આવે એમ જહાજો પસાર થતાં જાય. રાહ જોવી જ પડે. પણ આપણે ત્યાં મંદિરોમાં વી. આઈ. પી. દર્શન માટે વધારે પૈસા ચૂકવવા પડે એવી વ્યવસ્થા પનામામાં પણ છે. હોર્મુઝની ખાડી કુદરતી જળમાર્ગ છે. જે વિસ્તાર સૌથી સાંકડો છે એ પણ 30 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. પનામા નહેર તો કૃત્રિમ રીતે બંધાયેલી છે. રોજના સરેરાશ 35 જહાજોને પસાર થવા માટે પનામા કેનાલ ઓથોરિટી છૂટ આપે છે. પણ પાનમા નહેરની ક્ષમતા મહત્તમ 40 જહાજની છે. જે વધુ પૈસા આપે એના માટે રસ્તો ખુલ્લો ક્યારેક એવુ બને કે અગાઉથી થયેલું બુકિંગ રદ થાય તો જહાજની જગ્યા ખાલી પડે. પનામા નહેરમાંથી જહાજને પસાર થતા સરેરાશ 8-10 કલાક થાય. જહાજ સમયસર સામે છેડે નીકળી જાય તો શક્ય છે કે દિવસમાં વધુ જહાજ પસાર કરવાની તક રહે. એ વધારાના સ્લોટ માટે પનામા કેનાલ ઓથોરિટી હરાજી કરે છે. જે જહાજે પસાર થવું હોય એ ડૉલરનો થપ્પો લઈને સામે આવે. ગયા અઠવાડિયે 128 જહાજો પનામા નહેરની બહાર વેઇટિંગમાં હતા. એમાંથી 106 જહાજ એવા હતા જેનું અગાઉથી બુકિંગ થયેલું હતું. બાકીના 22 જહાજો સ્વાભાવિક રીતે હરાજીમાં ભાગ લઈ આપી શકાય એટલા પૈસા આપી નીકળવા પ્રયાસ કરે. પનામા નહેરની ભીડ, આવક અને ડિમાન્ડ આ રીતે હોર્મુઝને કારણે વધી ગઈ છે. પનામાનો સૌથી વધારે વપરાશ કરનારો દેશ ચીન છે. થોડા દિવસ પહેલાં જ ચીની જહાજે પોતાનો વારો ઝડપથી આવે એટલા માટે 1.35 લાખના બદલે 4 લાખ ડૉલરની રકમ ચૂકવી. ભૂતકાળમાં 10 લાખ ડૉલર ફી ચૂકવ્યાના કિસ્સા પણ બન્યા છે. આવાં જહાજોની સંખ્યા વધી રહી છે. એટલે પનામા કેનાલની દૈનિક આવક અને ટ્રાફિક બંને વધ્યાં છે. ભીડ વધી એટલે જહાજનો એવરેજ વેઇટિંગ પિરિયડ 1.4 દિવસ હતો એ પણ વધીને 5.5 દિવસ થયો છે. એમાં ઝડપથી નીકળવું હોય તો હરાજીનો લાભ લેવો પડે. જે જહાજોને રાહ જોવી પોસાય એમ નથી એ મોંઘી ફી ચૂકવીને પનામાંથી પસાર થવા ઉતાવળા થયા છે. પનામા: નાના દેશની મોટી નહેર પનામા નહેરમાં વચ્ચે મોટો ભાગ ‘ગટુન’ નામના કુદરતી સરોવરનો છે. દુકાળ જેવી સ્થિતિમાં સરોવરનું પાણી ઓછું થાય ત્યારે ટ્રાફિક ધીમો પડી જાય. એ વખતે આવક સ્વાભાવિક ઓછી થાય. 2023-23માં દુકાળ હતો જ. આવક ઘટી. હવે વધી છે અને કેનાલની ડિમાન્ડ પણ વધી છે. એટલે સામાન્ય રીતે વર્ષે 3 અબજ ડૉલરનો નફો કરતી પનામા કેનાલ ઓથોરિટી 2025-26માં ચાર અબજ ડૉલરથી વધારે કમાશે. છેક સોળમી સદીથી અમેરિકા ખંડની વચ્ચેથી રસ્તો કરવો જરૂરી હતો. એ જમાનામાં ટેક્નોલોજી હતી નહીં. 19મી સદીમાં ક્ષમતાઓ વિકસી એટલે પનામા નહેરના પ્રયાસો શરૂ થયા. પનામા પર્વતીય દેશ છે એટલે સફળતા મળતા વાર લાગી. 1882થી પ્રયાસો શરૂ થયા અને 1914માં સફળતા મળી. કેનાલ પનામા દેશમાં છે પણ બનાવી અમેરિકાએ છે. એટલે 1999ની 31મી ડિસેમ્બર સુધી અમેરિકાએ કેનાલનું સંચાલન પોતાની પાસે રાખ્યું. પછી પનામા દેશને સોંપી દીધું. ‘પનામા કેનાલ ઓથોરિટી’ નામે કંપની સ્થાપી સરકારે આ કામ તેને સોંપી દીધું. પનામા જેવા નાનાકડા દેશના જીડીપીમાં કેનાલની આવકનો ફાળો ચાર ટકા જેવો છે. સુએઝ નહેરમાંથી જહાજો પસાર થાય અને પનામા નહેરમાંથી પસાર થાય એમાં ફરક છે. પનામા નહેરનાં જહાજો સ્થાનિક પાઈલટની મદદ વગર નીકળી શકતા નથી. કોઈ જહાજ પનામા કેનાલના કોઈ પણ છેડેથી પ્રવેશ કરે, તેનુ સંચાલન ઓથોરિટી દ્વારા નક્કી થયેલા પાઈલટને સોંપી દેવું ફરજિયાત છે. જહાજનો કાબૂ તેના મૂળ કેપ્ટન પાસે જ રહે પરંતુ કેનાલમાંથી પસાર કરવાની જવાબદારી કેનાલ ઓથોરિટીએ ફાળવેલા પાઈલટની જ. જહાજના કદ મુજબ એકથી લઈને ચાર સુધીના પાઈલટ ફાળવવામાં આવે છે. કેનાલ પસાર કરવાની જવાબદારી જેને સોંપાય એ કપ્તાનને સિનિયર પાઈલટ બનતા દસથી પંદર વર્ષ લાગે. પનામા કેનાલ સમુદ્ર સપાટીથી થોડી ઊંચે છે. એટલે જહાજ કેનાલમાં પ્રવેશે પછી પાછળ કદાવર 750 ટન વજનના દરવાજા બંધ થાય. કેનાલ જાણે કુંડ બની જાય, પાણી ભરાય અને જહાજ ઊંચકાય! એ પછી આગળનાં ઊંચાં પાણીમાં જાય. એ રીતે ‘ગટુન’ સરોવર સુધી પહોંચે. સરોવરમાંથી પસાર થયા પછી સામે છેડે વળી ક્રમશ: જહાજ નીચે આવે. એ કામગીરી માટે સ્થાનિક પાઈલટો અનિવાર્ય છે. એ બધી પ્રક્રિયામાંથી પસાર થયા પછી સામગ્રી પનામા આરપાર નીકળે અને આપણા ઘર સુધી પહોંચે.
Read Original Article →