વિકાસની વાટે:વાતો કરનારા વાતો કરે, કામ કરનારા નેતૃત્વ કરે

Magazine5/31/2026, 12:35:00 AM
વિકાસની વાટે:વાતો કરનારા વાતો કરે, કામ કરનારા નેતૃત્વ કરે
હસમુખ પટેલ એક સંસ્થાનું પટાંગણ, વર્ગો, રહેવાના ઓરડાઓ બધું સાફસૂથરું હતું. રૂમમાં ટીવી તથા એરકન્ડિશનરનાં રિમોટ જેવી વસ્તુઓ મૂકવાની નિશ્ચિત જગ્યા હતી. ગમે તે કર્મચારી રૂમ સફાઈ કરે તો પણ સફાઈ તથા વ્યવસ્થા એકસરખાં જોવા મળે. સફાઈનાં નિયત ધોરણો તથા તેનું પાલન જોઈ આશ્ચર્ય થતું હતું. તેનું કારણ એ કે સફાઈકર્મીઓ સાથે સવારે નિયમિત રીતે વાત થતી હતી. ઘણી સંસ્થાઓ કર્મચારીઓની તાલીમ ઉપર ભાર મૂકતી હોય છે, પણ બધે આવાં પરિણામ કેમ જોવા મળતાં નથી? સફાઈકર્મી જેવા સૌથી નાના કર્મચારી સાથે નિયમિત વાત થાય તેવું ભાગ્ય જ બનતું હોય છે. તાલીમ થતી હોય પણ તેમની સાથેનો વ્યવહાર બરાબર હોય તેવું જરૂરી નથી. જ્યારે કર્મચારી સાથે આદરપૂર્વક રીતે વર્તાવ કરવામાં આવે, તેમનું કામ સંસ્થા માટે કેટલું મહત્ત્વનું છે, તેઓ સંસ્થા માટે કેટલા મહત્ત્વના છે તેનો તેમને અહેસાસ કરાવવામાં આવે ત્યારે તેઓ કામમાં પોતાનો જીવ રેડી દે છે. વાસ્તવમાં કામ કામ ન રહેતાં ભક્તિનો દરજ્જો પ્રાપ્ત કરે છે. તેઓ પોતાના કાર્ય માટે સમર્પિત થઈ જાય છે. આ સંસ્થામાં સફાઈકર્મીઓના ચહેરા પરની ખુશી, કામમાં તેમનો તરવરાટ, સંસ્થાના મુલાકાતીઓ પ્રત્યેનો તેમનો વર્તાવ આ વાતનો પુરાવો આપતા હતા. મોટા ભાગની સંસ્થાઓ આમાં જ થાપ ખાય છે. સંસ્થામાં વાતો મોટી થાય પણ અમલ ઓછો. મોટી વાતો કરવાથી સૌથી મોટું નુકસાન એ થાય છે કે વાતો કરનારને ખબર જ નથી પડતી કે બધું બરાબર નથી. ટેક્નોલોજીના જમાનામાં ભાતભાતના નવા વિચારોની કમી નથી. ઘણીવાર તો નવા આઈડિયા જાદુઈ છડી જેવા રૂપાળા લાગે કે જાણે કશું કરવાની જરૂર જ ન પડે. નવા વિચારો લઈ આવનારા બોલકા હોય તેમની વાતો જ એટલી મોટી હોય જેથી લાગે કે અહીં તો સ્વર્ગ જ ઊતરી આવ્યું છે. વાતો કરનારા અને કામ કરનારા લોકો અને સંસ્થાઓમાં આ જ ફરક હોય છે. વાતો કરનારાને કોઈ કામ ઊંડાણથી કરવાની આદત હોતી નથી. ક્યારેક એવું પણ થાય કે કામ કરનારને વાતચીતમાં ફાવટ ન હોય એટલે તેના કામની નોંધ ન લેવાય. તેનો વિચાર ગમે તેટલો ઉત્તમ હોય તો પણ સંસ્થામાં તેનો સ્વીકાર ન થાય. કામ કરનારે વાત કરવાની આવડત પણ કેળવવી પડે. એ જ રીતે બોલતા લોકોએ ઠરીને કામ કરવાની ટેવ પાડવી પડે નહીં તો વહેલાં મોડાં પરિણામ સામે આવે. કોઈ પણ સંસ્થા માટે માનવધનથી મોટું કોઈ સાધન નથી. ઘણી સંસ્થાઓ તેના પર ખાસ ધ્યાન આપતી નથી. ખાસ કરીને સરકારમાં માનવધન તરફ ઓછું ધ્યાન આપવામાં આવે છે. જ્યારે જ્યારે તેના તરફ ધ્યાન અપાયું છે ત્યારે જાદુઈ પરિણામ મળ્યાં છે. સંસ્થાનો દરેક માણસ પોતાના કામમાં ગૌરવ અનુભવે. સારું કામ કરનારની કદર થાય અને માત્ર વાતો કરનારને કામે લગાડવામાં આવે. દરેક માણસમાં પડેલી પ્રતિભાનો તેને પરિચય થાય અને તે સંસ્થાના હિતમાં કામે લાગે ત્યારે સારાં પરિણામ આવ્યાં વિના રહેતાં નથી. સારી સંસ્થાઓમાં આંતરિક સંવાદ મજબૂત હોય છે. સંસ્થામાં એકબીજાના આદરનો માહોલ હોય છે. સંસ્થાનો વડો સૌથી નાના કર્મચારી સાથે વાત કરે છે. નાનો કર્મચારી પણ સંસ્થાના વડા સાથે વાત કરી શકે છે. તેણે આપેલા નવા વિચાર પર પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવે છે. વિચાર નાના માણસે આપ્યો છે કે મોટાએ તેના પર સરખો જ વિચાર કરવામાં આવે છે. આવી સંસ્થાના દરેક કર્મચારી તે સંસ્થા માટે, પોતાના કામ માટે, પોતાની જાત માટે ગૌરવ ન થાય તો જ નવાઈ! વ્યક્તિ પોતાના કાર્ય અને પોતાની જાત માટે ગૌરવ અનુભવે ત્યારે તેનું જીવન જ બદલાઈ જાય છે. આવો માણસ ગમે ત્યાં હોય ઊડીને આંખે વળગ્યા વિના રહેતો નથી. આવું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી સંસ્થાના વડાની છે. તેમાં સફળ થનારી વ્યક્તિ વિઝનરી હોય છે. માત્ર સંસ્થાનો વડો જ આવું કરી શકે તેવું નથી. દરેક માણસ પાસે પોતાનો દાયરો હોય છે. તે સંસ્થાનો નાનો વિભાગ હોય, પોતાનો નાનકડો સમાજ હોય કે પરિવાર આ પ્રકારનું નેતૃત્વ દાખવવાનો દરેક જગ્યાએ અવકાશ હોય છે. }
Read Original Article →