વિચારોના વૃંદાવનમાં:હિમાલય જાણે જગતનું સૌથી મોટું શિવાલય!
પર્વતો સાથે માણસનાં અનેક કલ્પનો જોડાયાં છે. પર્વતને ક્ષિતિધર એટલે કે પૃથ્વીને ધારણ કરનારો ગણવામાં આવ્યો છે. પૃથ્વી પરના જીવનનું ધારણ પોષણ પર્વત પરથી વહેતી જીવનધારાને કારણે થતું હોય છે. પર્વત સાથે જોડાયેલું એક અત્યંત લોકપ્રિય કલ્પન આ રહ્યું :
समुद्र वसने देवीपर्वतस्तन मण्डले |
विष्णुपत्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्वमे ।।
સમુદ્રનાં વસ્ત્રોવાળી, પર્વતોનાં સ્તનવાળી હે વિષ્ણુપત્ની (પૃથ્વીમાતા)! હું તને નમસ્કાર કરું છું. હું તને પગ વડે સ્પર્શું છું તે માટે મને ક્ષમા કર.
ચીની તત્ત્વજ્ઞાનમાં પર્વતની છાંયડાવાળી અને તડકાવાળી બાજુઓ માટે ‘યિન’ અને ‘યાંગ’ શબ્દો પ્રયોજીને બંનેના સંતુલન પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આ સંતુલન ખોરવાય ત્યારે શરીરમાં શક્તિનો એટલે કે ‘ચિ’નો પ્રવાહ ખોરવાય. ખોરવાયેલા પ્રવાહને થાળે પાડવાની પ્રયુક્તિ ‘એક્યુપંક્ચર’ તરીકે જાણીતી છે. પર્વતને પૌરુષનું પ્રતીક ગણવામાં આવ્યો અને ખીણને માતાના પોલા ગર્ભ સાથે સરખાવવામાં આવી. લાઓ ત્ઝુ તો નીચાણ તરફ વહેનારા નમ્ર જળની ખૂબ પ્રશંસા કરે છે અને કહે છે કે નદી (નિમ્નગા) નીચાણ તરફ વહે છે તેથી તો બીજાં અનેક ઝરણાં એમાં ભળી શકે છે.
‘હિમાલય’ શબ્દ કાને પડે એટલે આપણા મનમાં કેવાં બધાં સંવેદનો સળવળી ઊઠે છે ! એવા ભાવ જાગે જાણે હિમાલય એ જગતનું સૌથી મોટું શિવાલય છે. પ્રત્યેક પર્વત કે ડુંગર શિવનું લિંગસ્વરૂપી પ્રતીક છે; સાક્ષાત્ શક્તિનું ઉપસ્થાન છે. શિવને ‘શક્તિનાથ’ કહે છે. પર્વતને આલિંગીને પડખે આવેલી ખીણ એ પાર્વતીનું પ્રતીક છે. ‘ખીણ’ શબ્દ ‘ક્ષીણ’ ૫૨થી આવ્યો જણાય છે. ખીણ સદાય ક્ષીણ થતી રહે છે. સતત ધસમસતા જળપ્રવાહને કારણે ઘસાઈ ઘસાઈને એ ઊંડી થતી રહે છે. પાંદડાંનો આહાર પણ છોડી દઈને તપ કરનાર પાર્વતીને ‘અપર્ણા’ કહી છે. પર્વત પર જે વરસાદ પડે એ જ તો શિવલિંગ પર થતો અભિષેક. પર્વત પરનાં ગાઢાં જંગલો એ જ તો ગંગાને ઝીલનારી શિવજીની જટા.
પર્વત એ માત્ર પદાર્થ (મેટર)નો વિપુલ જથ્થો જ નથી; પરંતુ ઊંચાઈને કારણે સાક્ષાત્ શક્તિ (ઊર્જા)નો વિરાટ પુંજ પણ છે. એક રીતે જોઈએ તો હિમાલય એ ભારતીય ઉપખંડની કલ્પનામાં ન આવે એવડી મોટી અને કદીય નિરાશ ન કરનારી દિવ્ય, ભવ્ય અને જીવનદાયિની ઓવરહેડ ટૅન્ક છે! પર્વતની ઊંચાઈ સુષુપ્ત ગુરુત્વબળને સાચવી રાખે છે. નીચે ધસમસતા જળપ્રપાતમાંથી જળવિદ્યુત ઉત્પન્ન થઈ શકે છે. ઉપરવાસથી નીચે વહેતી નદી સેંકડો જોજનો વટાવીને મેદાનોને લીલાં બનાવે તે પણ પ્રતાપ પર્વતની ઊંચાઈનો.
હિમાલય વગરના ભારતીય ઉપખંડની કલ્પના કરવાનું મુશ્કેલ છે. હિમાલય હોવા છતાં આપણી ગરીબી ટકી રહી એમાં આપણો જ વાંક જણાય છે. ભાખરાનાંગલ યોજનાને પંડિત નેહરુએ નૂતન ભારતના મંદિર તરીકે નવાજેલી કારણ કે જમીનના બહુ મોટા વિસ્તારને સિંચાઈ અને મોટા ઉદ્યોગોને વીજળી મળી રહે એ માટેની એ યોજના હતી. પંજાબ અને હરિયાણાની સમૃદ્ધિનું નિમિત્ત એ યોજના બની એય સાચું; પણ આપણા એન્જિનિયરો એક વાત ભૂલી ગયા.
હિમાલય પરની વનશ્રી એકધારી ખતમ થતી રહી તેથી જમીનનું ધોવાણ મોટા પાયા પર થયું. પર્વત પરથી વહેતું પાણી વૃક્ષોના અભાવે બ્રેક વગરની મોટરગાડીની માફક વેગપૂર્વક નીચે ધસી જાય અને માટી, કાંકરા એટલા મોટા પ્રમાણમાં ઘસડાઈ આવે કે નહેરો પુરાઈ જાય. એવી ગણતરી માંડવામાં આવી હતી કે જો આ પ્રમાણે જ ધોવાણ ચાલુ રહ્યું તો ભાકરા બંધનું સરોવર ટાપુમાં ફેરવાઈ જશે. આ રીતે ધસી આવેલા કાંપથી થતા પુરાણને અંગ્રેજીમાં ‘silting’ કહે છે.
હિમાલયને બચાવવાની જરૂર ઊભી થઈ છે. પર્વતીય જંગલોમાંથી આડેધડ વૃક્ષો કાપીને કાગળોનાં કારખાનાં (કે કાળખાનાં?) ચલાવનારાઓ તથા લાકડાંના વેપારીઓ હિમાલયને બોડો બનાવી રહ્યા છે. વૃક્ષોને કપાતાં અટકાવવા માટે વૃક્ષને વળગી રહીને પ્રતિકાર કરવા માટે ‘ચિપકો’ આંદોલન થયું હતું. હિમાલયને બચાવવા માટે વર્લ્ડ બૅન્ક અને FAO જેવી સંસ્થા કટિબદ્ધ બની છે એ સંતોષની વાત છે. હિમાલયની ખોરવાયેલી સંતુલનવ્યવસ્થા (Ecosystem)ને ફરીથી સરાણે ચઢાવવા માટે લાંબા ગાળાના સ્વાર્થને ધ્યાનમાં રાખી હિમાલય પરનાં પાણીના જથ્થાનું બજેટ બનાવવું પડશે અને વૃક્ષોને જાળવી લઈ વનદેવતાનું આરાધન કરવું પડશે.
સદીઓના સંસ્કારને કારણે હિમાલયમાં કોઈ અનોખા વાયુમંડળનો અનુભવ થયા કરે છે. અહીંના ભાવાવ૨ણમાં અસંખ્ય સાધુમહાત્માઓની તપશ્ચર્યાનાં આંદોલનો (વાઈબ્રેશન્સ) સચવાયાં છે. આલ્પ્સ કે કિલિમાંજારો માટે આવું નહીં કહી શકાય. પાઘડીનો વળ છેડે
હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાંથી ઊતરી આવતા એક વિશાળ હિમ- પ્રવાહમાં સમુદ્રની સપાટીથી 13, 000 ફીટ ઊંચે ભારતની પવિત્રતા લોકમાતા ગંગાનું મૂળ છે. વિરાટ હિમરાશિની વચ્ચે એક નાનકડા સ્રોતરૂપે પ્રકટ થતી ગંગાનું એક પ્રાય-સ્થાન ‘ગંગોત્રી’ પ્રત્યેક ભાવિક હિંદુના હૃદયમાં અનોખી ભક્તિ પ્રેરે છે. ગઢવાલની પર્વતમાળામાં છેક ઉત્તરે હિમાલયની ભારતીય બાજુએ અને સતલજ, સિંધુ તથા બ્રહ્મપુત્રના મૂળથી લગભગ સોએક માઈલ દૂર આ સ્થાનની યાત્રાની એક ઊંડી અભિલાષા દરેક ભારતવાસીના હૃદયમાં સદીઓથી રહેતી આવી છે. અહીં ગંગા ‘ભાગીરથી’ના નામથી ઓળખાય છે. ભારતનો લોકાત્મા હિમાલય અને ગંગા પાછળ કેવો આર્દ્ર છે તે સુન્દરમની નીચેની પંક્તિઓમાં જોવા મળે છે.
વહો સમર્પણ ગંગા,
જલજલ છલછલ સ્થલસ્થલ ભરતી
વહો પ્રમત્તતરંગા… વહો. અહો, પરમ પ્રભુ ચરણ થકી ઓ
પ્રગટી પ્રેમલધારા
શિવ સરખે નિજ ધરી, તેં
સ્પર્શ્યા ભૂમિ-કિનારા;
માનવને કુલ વસી રહી તું
પાવક પુણ્ય તરંગા… વહો.
જય ગંગે મા... જય ગંગે... અહો, મધુર રસ આ અર્પણના
વિશાળ આ ડગ ભરવાં.
અખિલ પરમનાં વિરાટ જલના
સકલ સાગરો તરવા
અકલ પ્રભુના પ્રસાદ પીવા
નિર્મળ ગહનતરંગા… વહો. જય ગંગે મા… જય ગંગે... અહો, જલો આ અમ જીવનની
દીન જીર્ણ સૌ ઘટના,
૫૨મ પિતા, તવ વરસો કરુણા
એ જ સદા અમ રટણા;
ધન્ય ધન્ય પ્રભુ સ્પર્શી ધરાને
મૈયા દિવ્યતરંગા… વહો.
જય ગંગે મા… જય ગંગે...
Blog: http://gunvantshah.wordpress.com
Read Original Article →