શબ્દ સકળ પૃથ્વીના:પત્થર યુગથી AI સુધીની સફર

Magazine5/17/2026, 12:35:00 AM
શબ્દ સકળ પૃથ્વીના:પત્થર યુગથી AI સુધીની સફર
અજયસિંહ ચૌહાણ યુવલ નોઆ હરારી હાલ દુનિયામાં સૌથી વધુ ચર્ચામાં હોય એવા ઇતિહાસકાર અને ચિંતક છે. એમણે માનવ ઇતિહાસ અને ભવિષ્યને કેન્દ્રમાં રાખી લખેલા પુસ્તકો ‘સેપિયન્સ’, ‘હોમો ડેયસ’, ‘ટ્વેન્ટીવન લેસન ઇન ધી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી’ એમનાં જાણીતાં પુસ્તકો છે. આ પુસ્તકોના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. લોકશાહી, તાનાશાહી અને AI જેવા વિષયો ઉપર વિશ્વના અનેક મોટા મંચો પરથી એ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આજે વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને માહિતી દિવસ પર એમને યાદ કરવાનું ખાસ કારણ છે. એમના પુસ્તક ‘નેક્સસ’માં જાણકારીનું જાળું રચી; માનવજાતે પત્થર યુગથી AI સુધી કેવી રીતે વિકાસ કર્યો એનો ટૂંકો ઇતિહાસ છે. મનુષ્ય આજે ઉત્ક્રાંતિના જે શિરમોર સ્થાને બિરાજેલો છે; એના મૂળમાં જાણકારીનું આદાન-પ્રદાન છે. માણસની ખરી તાકાત જાણકારીનું તંત્ર રચવામાં રહેલી છે. પુસ્તકની ભૂમિકામાં હરારી એક પ્રશ્ન પૂછે છે, છેલ્લાં એક લાખ વર્ષથી આપણે જાણકારીનો સંગ્રહ કરી; વધુને વધુ શક્તિશાળી બની રહ્યાં છીએ. ડીએનએના અણુથી માંડી પ્રકાશવર્ષો દૂરની આકાશગંગાઓ સુધીની જાણકારી આપણી પાસે છે. તો, શું મનુષ્ય ખરેખર બુદ્ધિમાન પ્રજાતિ છે? જે રીતે આપણે પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યાં છીએ, પૃથ્વીનો અનેકવાર નાશ કરી શકે એવાં શસ્ત્રોના ઢગ ખડકી રહ્યાં છીએ. તો પછી આપણે ખરેખર સમજુ છીએ? આવા અનેક પ્રશ્નોના ઉત્તર આ પુસ્તકમાં છે. પુસ્તક હ્યુમન નેટવર્ક, ઇનઓર્ગેનિક નેટવર્ક અને કમ્પ્યૂટર પોલિટિક્સ એવા ત્રણ વિભાગો અને કુલ અગિયાર પ્રકરણોમાં વિભાજિત છે. હરારી બતાવે છે કે જાણકારી કેવી રીતે મનુષ્યની શક્તિ બની. એક સમયે કબૂતરના પગ પર બાંધેલી નાની ચિઠ્ઠી સેંકડો સૈનિકોના જીવ લેતી અથવા તો બચાવતી. માહિતી ભલે નાનકડી જ કેમ ન હોય એ કયા સંદર્ભે વપરાતી એનો મોટો આધાર હતો. હરારી બતાવે છે કે માણસને આદિકાળથી કથાઓમાં રસ રહ્યો છે. કથાઓએ જ માણસોમાં અસીમિત એકતા ઊભી કરી. એમાંથી ધર્મના ખ્યાલો ઊભા થયા. મનુષ્યો બાઇબલ, રામાયણ કે કુરાનની કથાઓમાં શ્રદ્ધા મૂકતા થયા; એથી અસીમ જોડાણની જાળું રચાયું. એક અમેરિકન ખ્રિસ્તી, આફ્રિકન ખ્રિસ્તી કે ભારતીય ખ્રિસ્તી એકબીજાથી જુદા રંગ-રૂપ-ભાષા-સંસ્કારવાળા છે; છતાં એકબીજા પર વિશ્વાસ રાખે છે અને પોતાને એક માને છે, કારણકે તેમને બાઇબલની કથામાં શ્રદ્ધા છે. કથાઓ સ્થળ અને સમયથી પર છે. એમેઝોનના જંગલોને કારણે પેદા થતાં ઑક્સિજન પર આખી માનવજાતનું અસ્તિત્વ ટકેલું છે. એ જંગલો કપાય છે; છતાં માણસને મન એ મોટો પ્રશ્ન નથી જેટલો મસ્જિદ કે દેવળનું તૂટવું છે. માણસોને વાસ્તવિક્તા કરતાં કલ્પનામાં વધુ શ્રદ્ધા છે અથવા એમ કહીં શકીએ કે કથામાંની શ્રદ્ધા એના માટે જીવનમરણનો પ્રશ્ન છે. રાષ્ટ્રો પણ આવી કથાઓના પાયા પર ટકેલા હોય છે. માનવ શરૂઆતમાં જાણકારીને કથાઓમાં ગૂંથી મૌખિક રીતે જાળવતો, પણ જેમ સમૂહ વિશાળ થતો ગયો એમ જાણકારીને સાચવવા દસ્તાવેજોની જરૂરિયાત ઊભી થઈ. દસ્તાવેજ માનવસમાજની કરોડરજ્જુ છે. હરારી રોમન સામ્રાજ્યનું ઉદાહરણ આપતા લખે છે; એટલા મોટા સામ્રાજ્યનાં જમીન રેકોર્ડ્સ, ટેક્સ કલેક્શન અને સૈન્ય અભિયાનો દસ્તાવેજોનાં કારણે જ શક્ય બનતાં. લેખન વગર આ શક્ય નહોતું. દસ્તાવેજોથી નિર્ણયોની પ્રક્રિયા ઊભી થતી અને એને માન્ય રૂપ મળતું. અમલદારશાહી દસ્તાવેજો પર જ ટકેલી છે. આજે લેખનનું સ્થાન વીજાણુ દસ્તાવેજોએ લીધું છે પણ એનું કાર્ય તો એ જ છે. હરારી આગળ વાત કરતાં લખે છે કે કોઈ પણ પ્રણાલી પૂર્ણ નથી. દરેકમાં ભૂલની શક્યતા છે. નેટવર્ક પણ ભૂલો કરે છે. એણે કેથોલિક ચર્ચનું ઉદાહરણ આપ્યું છે. ચર્ચે એક સમયે ગેલિલીયો જેવા વિજ્ઞાનીને અન્યાય કર્યો. ભૂલોમાંથી આપણે શીખીએ છીએ. અહીં એને વાત તો એ કરવી છે કે AI પ્રણાલી છે અને એ પણ ભૂલો કરે છે; પણ મોટાભાગના એ ભૂલોને પકડી શકતા નથી. હરારી લોકશાહી વિશેની તાત્વિક ચર્ચાઓ માટે જાણીતા છે. અહીં પણ એ લોકશાહી અને તાનાશાહી વચ્ચે માહિતીના પ્રસરણનો ફર્ક કરે છે. લોકશાહીમાં માહિતી મુક્ત હોય છે. પ્રજાને સરકારની યોજનાઓ, પ્રક્રિયાઓ અને નિર્ણયો જાણવાનો અધિકાર છે. પ્રજા નેતાને પ્રશ્નો કરી શકે છે. લોકશાહીનો આ પાયો છે. તાનાશાહીમાં અંકુશ સરકાર પાસે છે. એટલે માહિતી સેન્સરશિપ અને પ્રોપ્રગેન્ડા પર આધારિત હોય છે. હિટલર અને સ્ટાલિન એના ઉદાહરણ છે. જે અંતે તો વિનાશ જ નોતરે છે. હરારી લખે છે કે મજબૂત લોકશાહી માટે સાચી માહિતી અનિવાર્ય છે. કમ્પ્યૂટર, સમૂહ માધ્યમો અને AI આવવાથી માહિતીની સત્તાનું વિક્રેન્દ્રીકરણ થયું છે. એક સમયે જે સત્તા કેટલાંક વર્તમાનપત્રો કે પ્રકાશન સંસ્થાઓ પાસે હતી; એને સ્થાને દરેક માણસ ક્ષણે ક્ષણે માહિતીનું આદાન-પ્રદાન કરતો થયો છે. એની સામે જોખમ પણ વધ્યું છે. AIના દૂર ઉપયોગથી તાનાશાહી વધવાનું જોખમ છે. કારણકે હવે એક સાથે કરોડો લોકો પર નજર રાખવા અને એમની માહિતીનું પૃથક્કરણ કરવા માટે માણસોની જરૂર નથી. AI ચોવીસ કલાક એ કામ કરી શકે છે. અલ્ગોરિધમ એવાં છે કે ખોટી માહિતી પ્રસારિત કરી પ્રજાનો અભિપ્રાય બદલી શકાય છે. ચીન જેવા દેશમાં તો એનાથી જ દરેક નાગરિક પર નજર રાખવામાં આવે છે. અંતે હરારી સિલિકોન કર્ટનની વાત કરે છે. શીતયુદ્ધ વખતે જેમ આઇરન કર્ટન હતો; એમ હવે દુનિયા બે ભાગોમાં વહેંચાઈ રહી છે. AIને લઈને અનેક પ્રકારની ભયાવહ ભવિષ્યવાણી એણે કરી છે. આ પુસ્તકમાં મનુષ્યે ઊભા કરેલાં વિશાળ માહિતી તંત્રોની વાત છે પણ હરારીને ખેવના છે માણસની સ્વતંત્રતાની, એના અધિકારની. એના તર્ક અને દલીલોના પ્રવાહમાં ખેંચાયા વગર નથી રહીં શકાતું. હરારીનાં અન્ય પુસ્તકોની જેમ આ પણ રસપ્રદ છે.
Read Original Article →