અક્ષરનો અજવાસ:હાઈકુ કાયકુ?
જયેન્દ્રસિંહ જાદવ જાપાનમાંથી એક વિશિષ્ટ સાહિત્ય પ્રકાર પ્રાપ્ત થયો તે હાઈકુ. જાપાનનો અતિપ્રસિદ્ધ, જાપાનના ઘર જેવો જ નાનકડો કાવ્યપ્રકાર એટલે હાઇકુ. હાઈકુનું બંધારણ 5, 7, 5 નું છે, જે કુલ મળીને સત્તર અક્ષર થાય. સત્તર અક્ષરના આ સંસારમાં કવિએ જે કંઈ કહેવાનું તે પ્રતીકાત્મક રીતે કહેવાનું. એક પીંછીના ત્રણ લાઘવી લસરકાથી આ વિરાટ વિશ્વને જીવંત કરવાનું કાર્ય એટલે હાઈકુ.
હાઇકુના મૂળમાં તો જાપાનની ઝેન વિચારધારા જ છે. ઝેન વિચારમાં લાઘવનું અત્યંત મહત્ત્વ છે. ઝેન ફિલસૂફીમાં એવું કહેવાય છે કે પ્રજા જ્યારે-જ્યારે તીવ્રતા અનુભવે છે ત્યારે ત્યારે ત્યારે મૌન થઇ જાય છે. તીવ્ર પીડાનું શિખર મૌનની ટોચ પર અનુભવાય છે. આવે સમયે સત્તર અક્ષર પણ વધી પડે છે. જાપાની હાઈકુમાં ઝેન ફિલોસોફી સુંદર રીતે પડઘાય છે.
હાઈકુનું મૂળ ‘હોક્કું’ શબ્દ છે. જેનો અર્થ પ્રારંભિક કળી થાય છે. અંગ્રેજીમાં તેને ‘સ્ટોપ શોર્ટ’ કહે છે. જાપાનીઝ મોટાભાગે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે છે. 2017નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ જીતનાર જાપાનીઝ લેખક કાઝુઓ ઈશીગુરોની કવિતામાં જાપાની હાઈકુ સંસ્કૃતિની સુવાસ અનુભવાય છે. જાપાનમાં તેરમી સદીથી ‘હોક્કું’ કાવ્યો મળી આવે છે.
સત્તરમી સદીમાં જન્મેલા બાશો (નીચેની તસવીર)એ હાઈકુને સર્જકતાના શિખરે પહોચાડ્યું. બાશો કહે છે: ‘હાઈકુ એ કોઈ પણ પદાર્થને યથાર્થ દર્શાવી સત્ય પરના પડદાને હટાવી સત્યને ખોલી આપે છે.’ હાઈકુકારની સત્ય કહેવાની આ રીત એ કઠોર કે કડવી નથી પણ પ્રાકૃતિક નજાકતથી ભરેલી છે. લાઘવયુક્ત છે. આ લાઘવમાં ઉપમા, ઉપમેય ને ઉપમાન બધું જ વ્યર્થ લાગે.
બાશોએ તો હાઇકુ શીખવવા માટે શાળા સ્થાપેલી. આ શાળામાંથી તેને દસ શિષ્યો પ્રાપ્ત થયેલા. આ શિષ્યોએ હાઈકુની પરંપરાને ચાલુ રાખી અને તે જાપાનના દસ દાર્શનિકો તરીકે ઓળખાયા. બાશો પછી અઢારમી સદીમાં હાઈકુ કવયિત્રી ચિયો- નીનાં હાઈકુ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. ‘મોર્નિંગ ગ્લોરી’નામના તેના હાઇકુએ તો અંગ્રેજી કવિઓને પણ હાઈકુ લખવા માટે પ્રેરણા આપી. આ જ સમયે યોસા બુસોને હાઈકુને વધુ સૂક્ષ્મતા આપી. તે માનતો હતો કે હાઈકુ એ સત્તર અક્ષર કે અમુક શબ્દોની ગોઠવણમાત્ર નથી, હાઈકુના બે શબ્દો વચ્ચે જે સમાય છે તે ખરેખરું હાઈકુ છે.
બુસોનની એક અતિપ્રસિદ્ધ હાઈકુ રચનામાં કેવી સૂક્ષ્મતા છે તે જુઓ! મંદિરના કાંસ્યઘંટ પર/ સ્થિર/ નિદ્રાધીન પતંગિયું. આ હાઇકુમાં કેટલા બધા રંગો છે, કેટકેટલા ધ્વનિઓ છે! આ હાઈકુ વાંચીને લાગે કે વિસ્મય, ઉદગાર અને વાસ્તવનું બિલ્વપત્ર એટલે હાઈકુ. હાઈકુકવિ કાઝુઓ સા કહે છે, ‘Haiku is a poetry of Ah-ness.’કવિતામાં આહ અને વાહ બંને હોઈ શકે છે. હાઇકુમાં ‘આહ’ હોય છે. વાહને અહીં બહુ અવકાશ નથી. અલંકારયુક્ત ભાષા કે ઉપમાઓથી આંજી દેવા કરતાં સરળતાથી યથાર્થને માંજવાનું કામ કરે છે હાઈકુ.
ઘણાને એમ લાગતું કે હાઈકુ લખવા એ ડાબા હાથનો ખેલ છે. પરંતુ ઇસ્સાએ સાબિત કર્યું કે હાઈકુ તો પરાઈ પીડને જાણી સત્તર અક્ષરમાં, સત્તર સેકન્ડમાં કવિએ ડાબા હાથે મારેલી લપડાક છે. ઇસ્સા એ નર્મદની જેમ વિદ્રોહી કવિ હતો. ઇસ્સાએ પોતાના હાઈકુમાં સમાજના પ્રશ્નો અને પીડાને પ્રકટાવી એક નવી કેડી કંડારી અને તેને લીધે જ જાપાનના સર્વાધિક લોકપ્રિય હાઈકુકવિ તરીકે તે આજે પણ વંચાય છે.
કોબાયસી ઇસ્સા લખે છે, ‘માણસોનું તો સમજ્યા/પણ આ દિવસોમાં/ ચાડિયાઓય નથી હોતા ટટ્ટાર.’ કવિને વસંતનો વૈતાલિક કહેવામાં આવે છે. શિકિ એ હાઇકુની વસંતનો વૈતાલિક છે. શિકિએ અર્વાચીન હાઇકુમાં આદ્ય છે. તેણે હાઈકુની જૂની પરંપરાનું ખંડન કરી નવીનતાના મંડાણ કર્યા. માત્ર પાંત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર શિકિએ હાઈકુને વિશ્વકવિતાના શિખર પર પ્રતિષ્ઠિત કરી આપ્યું.
ગુજરાતીમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ગણાય છે. હાઈકુને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં કવિ સ્નેહરશ્મિનો ફાળો મહત્ત્વનો છે. ગુજરાતીમાં હાઈકુની એ રીતે શરૂઆત 1965માં થઈ કહેવાય. રાજેન્દ્ર શાહ, ઉશનસ, પ્રિયકાન્ત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ, ધનસુખલાલ પારેખ જેવા અનેક કવિઓએ જાપાનીઝ ફૂલોમાં ગુજરાતી સુગંધ ભરી છે અને ગુજરાતી ભાવકોએ તેને માણી છે, વખાણી છે.
એક સમયે ગુજરાતી ભાષામાં હાઈકુનું કીડિયારું ઊભરાયું હતું ત્યારે ચુનીલાલ મડિયાએ મજાકમાં કહેલું કે હાઈકુ કાયકુ. ગુજરાતી ભાષામાં આજે કવિતાનું સર્જન ફૂલ્યું-ફાલ્યું છે, પણ હાઈકુ જોઈએ એટલા અને જોઈએ તેવા રચાતા નથી. શું આજના ગુજરાતી કવિઓને પણ લાગે છે: ‘હાઈકુ કાયકુ?’
અંતે...
હિમશિખરે
ગયો હંસલો વેરી
પીંછા રંગીન
સ્નેહરશ્મિ
Read Original Article →