એન્કાઉન્ટર:68-ની ઉંમરેય ઘરની લાઇટ-પંખાની સ્વિચો બંધ કરવા રોજ ઊભા થવાનું?
68-ની ઉંમરેય ઘરની લાઇટ-પંખાની સ્વિચો બંધ કરવા રોજ ઊભા થવાનું? (કનુ જોશી, કુકરવાડા)
- બે-ચાર વર્ષ રાહ જુઓ....ઘેર ઘેર જઇને આખી સોસાયટીની લાઇટો બંધ કરવા ઊભા થવું પડશે! વાસણ ધોવા ક્યો સાબુ વાપરવો જોઇએ?(ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
- મારા હજી આટલા દયાજનક દિવસો આવ્યા નથી. હું તો કપડાં ધોવાના સાબુથી ચલાવી લઉં છું.
સિંહને ચાઇનીઝ કે પંજાબી ખાવાનું મન થાય ત્યારે શું કરતો હશે?
(ડૉ. સંકેત શેઠ, કરમસદ)
- જંગલમાં ચીના કે પંજાબીઓના આવવાની રાહ જુએ.
શેરબજારના આખલા અને જંગલના સિંહ વચ્ચે શું ફેર?
(અમૃત સોલંકી, બોટાદ)
- સિંહો કદી શેરબજારમાં પડતા નથી!
ખરાબ સમયમાં કોણ સાથે રહે છે?(કિરણ મોવડીયા, માણસા)
- ડૉક્ટર, નર્સો અને વૉર્ડબૉયઝ.
રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે. આ વાતનું ગૌરવ લેવું કે શરમ અનુભવવી?(હિતેશ દમણીયા, સુરત)
- અફ કૉર્સ, ગૌરવ અનુભવવું. દેશના સૌથી નાનાં વૃદ્ધાશ્રમો તો ઘરે-ઘરે છે!
સવાલ પૂછવામાં ડિસકાઉન્ટ મળે ?(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- હા. બહુ બહુ તો સવાલ મારા ઘેર આવીને પૂછી જાઓ!
જાહેર કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન મોડા કેમ આવે છે?
(હર્ષ હાથી, રાજકોટ)
- તે શું વહેલો આવીને સ્ટેજ પર ખુરશી-ટૅબલો ગોઠવે?
લગ્ન પ્રસંગોએ કાન ફાડી નાખે એવા તોતિંગ અવાજે ‘ડીજે’ વગાડતા હોય છે, એમાં સત્તાવાળાઓ ચૂપ કેમ હોય છે?
(શશિકાંત મશરૂ, જામનગર)
- એ લોકો આવીને વગાડી જાય, એવી આશા વધુ પડતી નથી?
‘ચલ દરિયા મેં ડૂબ જાયેં…’ આવી ઑફરનો મતલબ?
(સુનીલ વર્મા, અમદાવાદ)
- આમાં ઑફર મૂકનારે જ પડવાનું હોતું નથી!
આપણાં 33-કરોડ દેવતાઓમાંથી તમે કેટલાનાં દર્શન કર્યા છે?(સ્મિત આચાર્ય, અમદાવાદ)
- બે જ! મા અને બાપ.
સમય તુ ધીરે ધીરે ચલ…’, પણ સમય કંઇ આપણો નોકર છે?
(જીતેન્દ્ર કેલા, મોરબી)
- તમે તો ખોટું લગાડી બેઠા...! પ્રાર્થના કે સમય તમારું ખોટું ન લગાડે!
‘વન નૅશન, વન ઈલૅક્શન’… તમારો અભિપ્રાય?
(પ્રવીણ મેહતા, કેશોદ)
- મારો અભિપ્રાય ઘરમાંય કોઇ માગતું નથી.....
સમાધિ એટલે શું?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા)
- એક વાર લો, પછી જવાબ આપવાની ખબર પડે!
15 શું સાસરિયાંઓ માટે કાંઇ ઘસાતું ન બોલાય?
(રક્ષિત શાહ, અમદાવાદ)
- અરે બોલોને...! હવે ક્યાં બીજી વાર પરણાવવા આવવાના છે!
આટલી ઊંચી નારિયેળીમાં પાણી કેવી રીતે ભરાતું હશે?
(ફિરોઝ હાફેઝી, સુરત)
- સારું થયું તમે પાંદડાંઓનું ન પૂછ્યું!
પત્નીઓ આજકાલ શાણી કેમ બનતી જાય છે?
(ઘનશ્યામ ભરૂચા, વિરાર, મુંબઇ)
- ગોરધનો ડફોળ હોય તો જ આવું બને!
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ટાઇમનો વેસ્ટ છે?(મયૂર પરમાર, સુરત)
- તે આ સવાલ આપવા તમે મારા ઘેર આવ્યા હતા?
‘ઍન્કાઉન્ટર’ના જવાબો હાસ્યની જગ્યાએ ‘મોટિવેશનલ’ કેમ લાગે છે? (હેતલ શાહ, આણંદ)
- જેને જેની જરૂર હોય છે, તેને તે અહીં અપાય છે!
‘આગળ વધો’ અને ‘આગળ જાઓ’ વચ્ચે શું ફરક?
(નચિકેત યાજ્ઞિક, આંબાવાડી)
- આ મંદિરના વૉચમૅનનું કામ છે, તમારું નહીં!
‘માહિતીના અધિકાર’વાળાઓ દુરુપયોગ કરતા હોય એવું લાગે છે!
(ડૉ. મિનેષ ગાંધી, બાયડ-અરવલ્લી)
- ત્યાંથી શું જવાબ મળ્યો?
મારે સરકારી નોકરી જોઇએ છે. તમે કાંઇ કરી આપોને!
(રિયા ધોકાઇ, સૂરજકરાડી)
- મેં એ ભૂલ કરી હોત તો આજે ‘ઍન્કાઉન્ટર’ લખતો હોત?
હું પૈસા વાપરી વાપરીને થાકી ગયો છું… હવે શું કરવું?
(રાજીવ ત્રિવેદી, વડોદરા)
- કોઇ સારી ફૂટપાથ જોઇને બેસી જાઓ... અત્યારથી બુકિંગ કરાવી લેવું સારું!
નામ કમાય પાણીપૂરી. ચણા, બટાકા કે રગડાનુ કોઇ મહત્ત્વ નહીં?
(જાનવી પરમાર, રાપુર)
- બેન. એકેય ઍન્ગલથી તમને હું રગડા-પૅટિસવાળો લાગું છું?
વર્તનમાં પરિવર્તન ક્યારે આવે?(દક્ષા મહેતા, અમદાવાદ)
- જ્યારે ‘દક્ષા’ની ‘કક્ષા’ બદલાય ત્યારે!
બધાને અમેરિકા જવાના ધખારા કેમ ઊપડે છે?(વિનોદ જૈન, ગોધરા)
- એકલું ‘ગોધરું’ બહુ નાનું પડે!
શેરમાર્કેટ અને શાકમાર્કેટ વચ્ચે કેટલો તફાવત?
(સાગર ખોરસીયા, પાલિતાણા)
- શેરમાર્કેટમાં ટીંડોરાં માગવા ન જવાય, પણ શાકમાર્કેટમાં જવાય!
શિક્ષણ કથળવા પાછળ વાલી કેટલા જવાબદાર?
(કિરણબેન રાવલ, ભાવનગર)
- આ વિષયમાં કોઇ એકની જવાબદારી ન હોય!
‘સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે’... આવું મડદાલ ગાયન અને રાગ પહાડી?(વિપુલ ચપલા, વડોદરા)
- તમારા પૂરતું કાં તો ગીત ને કાં તો રાગ...બદલી નાખો!
રોંગ સાઇડનાં વાહનો માટે અલગ ટ્રેક બનાવાય તો?
(ડૉ.ગિરીષ દ્વિવેદી, વડોદરા)
- અલગ ટ્રેક રાહદારીઓ માટે બનાવવો જોઇએ.
દેશસેવા કરતાં કરતાં લોકો કરોડપતિ કેવી રીતે થઇ જતા હશે?
(ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- ખોટી ઈર્ષા કરો છો.....એને બદલે દેશસેવા કરોને!
માણસો ઘાસ ખાય તો પેટમાં જતું નથી, તો પશુઓને કેવી રીતે જાય છે? (વાસુદેવ કાબરાવાલા, દાહોદ)
- માણસો ઘાસ ખાવા માટેય છરી-કાંટાનો ઉપયોગ કરે એવા હોય છે!
આઇપીઍલે ક્રિકેટરો કરતા જુગારીઓ બહુ આપ્યા.
(દીપક આશરા, નડિયાદ)
- આના કરતાં ક્રિકેટ જોતા હો તો?
Read Original Article →