વિચારોના વૃંદાવનમાં:સમસ્ત સૃષ્ટિને પયઃપાન કરાવતી પ્રત્યેક લોકમાતા મહાન ગણાય
પ્રેમીબહેન શાહના પુત્ર ગુણવંત શાહ
પ્રત્યેક નદીને પોતાનું સ્ટેટસ હોય છે. એ સ્ટેટસ એને માણસ તરફથી મળેલું હોય છે. માણસના માપદંડો પણ માણસ જેવડા જ ને! જે નદી ખૂબ લાંબી અને પહોળી હોય એનું સ્ટેટસ વધારે, કારણ કે એની ઉપયોગિતા વધારે. ભારતની લોકમાતાઓમાં સૌથી વધારે મરતબો ગંગાનો રહ્યો છે. આપણે ત્યાં નદીને ઉપયોગી જ નહીં, પવિત્ર ગણવામાં આવે છે. એક કરતાં વધારે રાજ્યોમાં થઈને વહેતી નદીઓ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સીમા-વિવાદોથી પર હોય છે. માણસ નદીઓને નિમિત્તે પણ ઝઘડી લે છે. આફ્રિકામાં ઝાંબિયા અને ઝિમ્બાબ્વે દેશોની સરહદ પર વહેતી ઝામ્બેજી નદી લિવિંગ્સ્ટન આગળ ધોધ રૂપે વહે છે. આ વિક્ટોરિયા ધોધનેય બે રાષ્ટ્રોએ વહેંચી લીધો છે અને નદી પર બંધાયેલા પુલ પર બે રંગીન રેખાઓ દોરીને રાષ્ટ્રોની સીમાઓ બતાવી છે.
નદી પર બાંધેલો સેતુ બે કાંઠાને જોડે કે જુદા પાડે. ગુજરાતના નકશા પર સ્થાન પામી છે એવી નદીઓ ઘણી પરંતુ નકશા પર ન જડે એવી નદીઓની સંખ્યા તેથીય વધારે. નર્મદા તો ‘દર્શને પાપનાશિની’ ગણાય છે. સૂર્યપુત્રી તાપીને કિનારે તો હજી મારું શૈશવ બધી મુગ્ધતાને સાચવીને બેઠું છે. વડોદરામાં વહેતી વિશ્વામિત્રી ઉદ્યોગોના ઉત્સર્ગને વહી જતી ગટર બની રહી તેથી મન નિર્વેદથી ભરાઈ જાય.
ગુજરાતની બીજી કેટલીક નદીઓ સાથે દૂરની ઓળખાણ ખરી પણ ઘરોબો નહીં. બનાસ, સરસ્વતી, લૂણી, કનકવતી, ભોગાવો, ભાદર, મહી, અંબિકા, શેત્રુંજી, ઢાંઢર હાથમતી, રૂકમાવતી, રૂપેણ, ઉમરદાસી, મેશ્વો, માજમ, કાળુભાર, સીંગવડી, આજી, રંગમતિ, નાગમતિ, માલણ, હિરણ મચ્છુન્દ્રી, જીણ, ઘેલો, ખારોદ, નગ, સુવી, રાવલ, ઓઝત, ઉબેણ, સુકભાદર, સિપુ, સિંહણ, વતુ અને મચ્છુ જેવી નદીઓનાં નામો સાંભળેલાં અને વળી ક્યારેક એમાંથી કેટલીકને અલપઝલપ મળવાનુંય થયેલું.
ગુજરાતમાં બીજી એવી કેટલીય નદીઓ છે જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. કેટલીક નદીઓ એવી કે માત્ર નામ સાંભળીએ તો મરકી ઊઠીએ. જામનગરથી દ્વારકા જતાં જામ-ખંભાળિયા પાસેથી ‘ઘી’ નદી વહે છે અને ખંભાળિયાથી થોડેક દૂર આવેલી ટેકરી પરથી ‘તેલી’ નદી વહે છે. પ્રાચીન મૈત્રકકાલીન નગરી વલભીપુર (વળા) આગળથી પસાર થતી વખતે ક. મા. મુનશીનું સ્મરણ થાય. ત્યાંથી અમદાવાદ જતાં બરવાળા પહોંચો ત્યાં સુધીમાં બે નદીઓ આવે; ઉતાવળી અને ખળખળિયા. નદી ખળખળ વહે એવું તો ઘણી વાર બોલાય અને લખાય પરંતુ કોઈ નદીને આવું સુંદર ધ્વન્યાત્મક (ફોર્મેટિક) નામ મળ્યાનું જાણ્યું નથી.
સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે ઑર નદી મળે છે. એ સંગમને ઑર-સંગમ કહે છે. અહીં સ્વ. કિશનસિંહ ચાવડાનું અને એમની વહાલી બહેન અમૃતા (અમુ)નું સ્મરણ થાય. કિશનસિંહે ‘અમાસના તારા’માં અમુનું કેવું સ્મરણીય ચિત્ર દોર્યું છે! અંકલેશ્વર અને સુરત વચ્ચે કિમ નદી વહે છે (આ નામને કોરિયા સાથે કોઈ સંબંધ નહીં હોય!
મઢીથી થોડેક દૂર વહેતી એક નદીને ગાભણી કહે છે. વડોદરાથી થોડેક દૂર ‘સુખી’ નદી વહે છે. કોસંબાથી ઉમરપાડા જતાં મોટા મિયાં માંગરોળ આગળ ‘ભૂખી’ નદી વહે છે. કાવેરી દક્ષિણ ભારતમાં વહે એ ખરું; પણ બીજી કાવેરી બિલિમોરા પાસે પણ વહે છે. નવસારી પાસે પૂર્ણા અને બારડોલી આગળ ‘મિઢોળા’ વહે છે. બારડોલીની લડતની રજેરજ માહિતી મિઢોળાએ સાચવી રાખી છે. દક્ષિણાપથના પુરાણ-પુરાતન વાલોડ પાસે ‘વાલ્મીકિ’ (ઝાંખરી) વહે છે અને થોડેક દૂર બહેજ પાસે પૂર્ણા અને વાલ્મીકિનો સંગમ થાય છે.
‘વનાંચલ’માં જયંત પાઠકે જે નદીને ખૂબ સંભારી અને નામ પાડ્યા વગર જેના ૫૨ અનેક કાવ્યો લખ્યાં એ નદીનું નામ છે, ‘કરા.’ વડોદરા અને દાહોદ વચ્ચે કરડ, ગોમા, હડબ નદીઓ આવેલી છે. પંચમહાલનાં બાળકોનેય પરિચિત ન હોય એવાં નદીવાંધાં તો વળી જુદાં. થોડાંક નામ આ રહ્યાં : ‘ડોશી’, ‘વાંકી’, ‘બેસણો’ અને ‘સોગુણ’.
દક્ષિણ ગુજરાતમાં ‘પાર’ નદીએ દેસાઈઓનાય બે ભાગ પાડ્યા. નદીની બંને બાજુએ વસતા દેસાઈઓ સામે પાર વસનારાઓને ‘પેલાડિયા’ કહે છે. કેન્ટ (ઇંગ્લૅન્ડ)ની મેડવે નદી કેન્ટને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગોમાં વહેંચે છે. નદીની પૂર્વ બાજુએ રહેનારો ‘man of Kent’ કહેવાય જ્યારે પશ્ચિમ બાજુએ રહેનાર ‘Kentish man’ કહેવાય. દક્ષિણ ગુજરાતમાં ગંગાજી પણ છે. વાપીથી થોડેક છેટે દમણગંગા વહે છે. દમણગંગાથી તાપી સુધીનો વિસ્તાર ‘૫૨શુરામની ભૂમિ’ કહેવાય છે. દમણગંગા દમણ ગામને બે ભાગમાં વહેંચે; ‘નાની દમણ’ અને ‘મોટી દમણ’. ઉમરગામ તાલુકામાં થઈને વરોળી વહે છે જેને કિનારે (પારસીઓએ પ્રથમ વાર પગ મૂકેલો તે) સંજાણ બંદર આવેલું છે.
ઉનાઈ પાસે ‘અંબિકા’, ‘ચીખલી’ આગળ ‘ખરેરા’, ધરમપુર પાસે ‘આસુરા’ વહે છે. વાસદ પાસે મહીસાગરની શાખા ‘મેની’ વહે છે. ખેડા આગળ વાત્રક, શિહોર પાસે ગૌતમી, ધંધુકા તાલુકાના ભીમનાથ આગળ નીલકા વહે છે. અહીં ભીમનાથ મહાદેવનું મંદિર છે અને આસપાસનો વિસ્તાર ‘હિડંબાવન’ તરીકે જાણીતો હતો એમ કહેવાય છે. આ તાલુકાના ફેદરા ગામ પાસે ‘કાર’ નદી વહે છે જેનો આકાર ૐ જેવો છે. પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા તે લોથલ અહીંથી ઝાઝું દૂર નથી.
ગુજરાતના પાટનગરને અડપલું કરીને સરકતી ‘સાબરમતી’ અમદાવાદ આગળ તો ‘રેતીની ૨ખેવાળ’ બની રહે છે. ભોગાવો બે રીતે ઓળખાય; વઢવાણનો ‘ભોગાવો’ અને લીંબડીનો ‘ભોગાવો’.
વલસાડ આગળ વળી ‘વાંકી’ નદી વહે છે. સહ્યાદ્રીના ઓતરાદા ઢોળાવ પરથી નીકળતી આ નદી જંગલો વટાવતી વાંકીચૂંકી વહે છે. નદીની આ પ્રકારની અવળચંડાઈને કારણે ગિરિજનોએ એનું નામ વાંકી પાયું. ધરમપુરની સ્વર્ગવાહિની વલસાડની વાંકીને મળે છે. પહાડમાંથી નાના ધોધ રૂપે નીકળી ખડકો પરથી ઊછળતી-કૂદતી, જંગલો વટાવતી અલ્લડ નારી જેવી આ વાંકી નદી તીથલ નજીક અરબી સમુદ્રને પામવા હોંશેહોંશે દોડે તો છે પરંતુ કોણ જાણે શુંય વાંકું પડ્યું તે છેક દરિયા નજીક જ છણકો કરીને આડી ફંટાઈ જાય છે અને ઘૂઘવતા સમુદ્રને અંગૂઠો બતાવી નજીકમાં વહેતી ‘ઔરંગા’ નદીને મળે છે.
રામનારાયણ વિ. પાઠક એક વાર તીથલ રહેલા ત્યારે વાંકો સેંથો પાડનારાં હીરાબહેનને મશ્કરીમાં કહેતા: ‘તું આ વાંકી નદી જેવી છે!’ ત્યારથી હીરાબહેને વાંકો સેંથો પાડવાનું છોડી દીધેલું પણ વાંકી તો વાંકી જ છે!
હજી નામો ખૂટતાં નથી. પંચમહાલમાં સંતરોડ સ્ટેશને થઈને ‘પાનમ’ વહે છે. ગોધરા જેને કાંઠે વસ્યું તે ‘મેસરી’, નડિયાદ જેને કાંઠે વસ્યું તે ‘શેઢી’. ગીરના જંગલમાં થઈને વહેતી ‘હિ૨ણ’ અને ‘શીંગવાડો’ પણ કેમ ભુલાય! જામજોધપુર પાસે ધ્રાફાના પાદરેથી વહેતી ‘ફલકુ’ અને ઉપલેટા પાસે ‘ભાદર’માં સમાઈ જતી મોજ પણ યાદ રાખવી રહી.
સરધારની ધારમાં ઉદભવી રાજકોટની તરસ છિપાવતી આજી, પડધરીનું પડખું શોભાવતી ‘ઉંડ’, જામનગરની ‘નાગમતી’ અને હળવદથી થોડે દૂર વહેતી ‘બ્રાહ્મણી’ પણ ધ્યાનમાં રાખવી પડે. મેઘાણીએ સોરઠની બે કાંઠે વહેતી નદીઓને લોકસંસ્કૃતિની વાર્તા સાથે વણી લીધી. હજી તો કેટલીય નદીઓ રહી ગઈ હશે, પણ થાય શું! માનવજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિજીવનને પયઃપાન કરાવતી પ્રત્યેક લોકમાતા મહાન ગણાય. માતા ઠીંગણી કે જાડી-પાતળી હોય તેથી બાળકને શો ફેર પડે ? માતા જીવનદાયિની છે તેથી મહાન છે. પાઘડીનો વળ છેડે
આપણે ત્યાં ક્યારેક નદીનેય
નરજાતિમાં સંબોધવાનો રિવાજ ખરો?
નાઈલને ‘ફાધર નાઈલ’ કહેવાનો રિવાજ છે
અને વળી મિસિસિપીને પણ ‘ફાધર ઑફ રિવર્સ’ કહે છે.
Blog: http://gunvantshah.wordpress.com
Read Original Article →