એન્કાઉન્ટર:બટાકાને શાકનો રાજા કહેવાય, તો રાણી કોણ?

Magazine5/10/2026, 12:50:00 AM
 બટાકાને શાકનો રાજા કહેવાય, તો રાણી કોણ?(ભાવના ચૌહાણ, કલોલ) - ડુંગળી  મારા દોસ્તે ચાઇનીઝ કન્યા સાથે લગ્ન કર્યાં છે, એ ટકશે? (ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ) - આ સવાલ તમારા દોસ્તને થવો જોઇએ… તમને નહીં!  સપનાં પૂરાં કરવા શું કરવું જોઇએ?(મહાસુખ દરજી, અમદાવાદ) - ઊંધ લંબાવવી જોઇએ..  પેટમાં તેલ જ કેમ રેડાય છે? ધી કેમ નહીં? (અમૃત સોલંકી, બોટાદ) - તમે નમ્ર છો, નહીં તો ઘાસલેટનું પૂછત!  આ જમાનામાં અંધશ્રદ્ધા કોને કહેવાય? (હિતેશ દમણીયા, સુરત) - હું તમને સૅન્સિબલ જવાબ આપીશ, એવું માની બેસો એ.  સૌથી મોટું દુ:ખ ક્યું કહેવાય?(કિરણ મોવડીયા, માણસા) - પડે ત્યારે ખબર પડે!  બધાં બાળકોને આપવા જેટલી ગિફ્ટ સાન્તા ક્લોઝ ક્યાંથી લાવતા હશે? (શિવમ યાજ્ઞિક રાજકોટ) - મને એટલી ખબર છે કે, ગુજરી-બજારમાંથી નથી લાવતા!  સવાલ પૂછવાનો ચાર્જ કેમ નથી રાખ્યો?(હર્ષ હાથી, રાજકોટ) - કોઇ આપે નહીં, એટલે!  વરરાજાને પીઠી ચોળતી વખતે હળદરને બદલે મીઠું કેમ રાખતા નથી? (સુનીલ વર્મા, અમદાવાદ) - ઘા ઉપર મીઠું ન ભભરાવાય એટલે!  હાથના કર્યા હૈયે ક્યારે વાગે?(સ્મિત આચાર્ય, અમદાવાદ) - લગ્ન પહેલાં પેલીનું બધું માન-માન કર્યું હોય ત્યારે!  ૨મતવીરોને વહેલા રિટાયર થવાનું ખુશનસીબ હોય છે કે નહીં? (જીતેન્દ્ર કેલા, મોરબી) - ‘રિટાયર્ડ હર્ટ’ કરતાં આ વધારે સારું!  ચોરને ચાર આંખો હોય છે, તો પોલીસને?(રક્ષિત શાહ, અમદાવાદ) - પેલાની ચારમાં પોલીસની બે આવી ગઇ!  કુદરતી અને બનાવટી હાસ્ય વચ્ચે શું ફર્ક? (ઘનશ્યામ ભરૂચા, વિરાર-મુંબઇ) - હાસ્ય તો બનાવટીય સારું લાગે!  સ્માર્ટ ફોન ઊંઘનો દુશ્મન છે?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - ફોન અને ઊંઘ....બીજાનાં મગાય નહીં!  શું ટાલવાળા પુરુષો સદાય સુખી હોય છે? (પ્રવીણ મહેતા, કેશોદ) - મારે પડે પછી કહું.  હમણાંથી તમારા લેખોમાં પ. પૂ. ધ. ધુ. દેખાતું નથી! (જસવંત લિમ્બાચીયા, મોરબી) - મારાથી મારા વખાણ કેવી રીતે થાય?  આ વખતે પણ IPLમાં RCB જીતશે? (ચેતના ઝીંઝાળા, ગોડાદરા-સુરત) - મને વિરાટ કોહલી પૂરતો રસ છે.  પુરુષ સશક્તિકરણ ક્યારે?(પીયૂષસિંહ ચૌહાણ, ભાવનગર) - સ્ત્રીઓનું પતે ત્યારે!  સારી પત્ની અને ખરાબ પત્ની વચ્ચે કેટલો ફેર? (દિનકરરાય પાણેરી, ઊના) - આપણા નસીબમાં બેમાંથી એક જ હોય છે!  સુરત હવે ડ્રગ્સ સિટી બની ગયું છે!(અબ્બાસ કોકાવાલા, સુરત) - સારું થયું, તમને ખબર પડી ગઇ!  વૅકેશન પછી ઘેર આવતા હૉસ્ટેલના છોકરાઓ જાડા કેમ થઇ જાય છે? (રિયા ધોકાઇ, મીઠાપુર) - એમને પાતળા રાખવા માટે કાયમ ઘેર તો ન રખાયને?  પોસ્ટકાર્ડમાં પ્રેમપત્ર લખાય ખરો?(અમરીશ મહેતા, અમદાવાદ) - તમારે બધાને ખુશ કરવા છે, એમને?  મેં જનરલ નૉલેજમાં સવાલ પૂછ્યો હતો કે, ડિમ્પલ કાપડીયાને કોના પર પ્રેમ હતો, તો જવાબમાં ‘અશોક દવે’ આવ્યું!(ફિરોઝ હાફેઝી, સુરત) - ઓહ. જનરલ નૉલેજવાળા આટલા સુંદર જવાબો આપે છે?  કહે છે કે, દીવાલને પણ કાન હોય છે… પણ આંખ કે મોઢું કેમ નથી કહેતા? (કાનો ખાંભલા, ઊના) - ખોટી વાત છે. કાણાવાળી દીવાલો તમે જોઇ લાગતી નથી!  મારે સુખી થવું છે. શું કરું?(હરેશ લાલવાણી, અમદાવાદ) - દુઃખીઓને જોવા/મળવાનું બંધ કરો.  મોંઘવારી તો આટલી બધી છે, તો ક્યાંય જોવા કેમ મળતી નથી? (હેમાંગ પંડિત, અમદાવાદ) - પરમાત્મા તમારી ઈચ્છા પૂરી કરે.  ચણાના વાવેતરથી ચણાનો પાક થાય, તો ચણાની દાળ વાવે તો? (અશ્વિન મોરે, વડોદરા) - ઓહ… તમારા દિવસો બહુ ખરાબ આવ્યા!  ઝઘડા વખતે ગાળાગાળી કેમ કરાય છે?(ભાલચંદ્ર દવે, અમદાવાદ) - ઝઘડા થાય ત્યારે માણસની મૂળ પ્રકૃતિ પરખાઇ આવે છે.  હાસ્યલેખકની પરીક્ષા ક્યારે થાય?(સાગર ખોરસીયા, પાલિતાણા) - કોઇ આવો સવાલ પૂછે ત્યારે!  તમારું સૌથી મનગમતું પુસ્તક ક્યું? (શ્રુતિ શાહ, અમદાવાદ) - ‘ફ્રીડમ ઍટ મિડનાઇટ.’
Read Original Article →