એન્કાઉન્ટર:ગાય કચરામાંથી જમવાનું શોધે ને વાઘ-સિંહનાં સંરક્ષણ માટે અબજો રૂપિયા?
ગાય કચરામાંથી જમવાનું શોધે ને વાઘ-સિંહનાં સંરક્ષણ માટે અબજો રૂપિયા?(હસમુખ વેદલીયા, ડીસા)
- વાઘ-સિંહ ઘરનાં બારણાં સુધી નથી આવતા ને આવે તોય વધેલી રોટલી-દાળભાત ન ખાય! ‘કન્યા પધરાવો, સાવધાન…’ આમાં કોનાથી સાવધ રહેવાની ચેતવણી છે?(એ. કે. સોલંકી, બોટાદ)
- બસ. પધરાવતી વખતે કન્યા લપસી ન પડે, એટલી સાવધાની રાખવાની છે.
નેતાઓ કે ન્યાયાધીશોને ‘આપ’ કહીને સંબોધાય છે, તો ઈશ્વરને તુંકારે કેમ બોલાવાય છે?(સૈયદ મહંમદઅલી, દહેગામ)
- ઇશ્વર મા-બાપ ઉપરાંત દોસ્તસ્વરૂપે પણ છે.
બોલિવૂડને ફિલ્મોનાં નવાં નામોય મળતાં નથી? ભૂલભૂલૈયા 1-5 ભાગ, ગદર 1-2...!(સુમન પ્રજાપતિ, બાબેન-બારડોલી)
- જવાબ 3… હા, નથી મળતાં!
મુહૂર્ત લગ્ન પહેલાં જોવાય છે, તો છૂટાછેડા પહેલાં કેમ નહીં?
(કાનજી વાઘેલા, લીંબડી)
- એનો એક અર્થ એવોય થયો કે, લગ્ન પહેલાં મુહૂર્ત જોવડાવતા આવડ્યું નહોતું. છૂટાછેડામાં એ ફિકર તો નહીં!
નશો ચા નો સારો કે શરાબનો?(યુસુફ ઘાયલ, ભાવનગર)
- ચા ચઢ્યા પછી હજી સુધી કોઇને થાંભલે ચઢી ગયેલો જોયો નથી!
નેતાઓ શપથ લીધા પછી એનું પાલન કેમ કરતા નથી?
(ગુલામ મુહમ્મદ સોનીવાલા, અમદાવાદ)
- શપથ ફોટા પડાવવા માટે હોય છે.
દુનિયા ગોળને બદલે ચોરસ હોત તો?(બટુક હીરાણી, ધોરાજી)
-આ બતાવે છે કે, તમે ધો. 8 પાસ છો કારણ કે, દુનિયા ધો. 7 સુધી જ ગોળ હતી!
સવાલો પૂછવા બહુ અઘરા છે, પણ જવાબો આપવા ઘણા સહેલા છે...!(રશિદા તરવાડી, ચલાલા)
- ક્યો સવાલ અઘરો લાગ્યો?
લગ્ન પહેલાં કન્યા શું જુએ છે? પૈસા કે છોકરો?
(ઍસ. ઍચ. છાપીવાલા, પાલનપુર)
- ઓહ… હું કન્યા હોત તો જવાબ આપી શકત!
દાઢી-મૂછ સાથે પૉનીટૅલ કેવી લાગે છે?(બિંદુ દોશી, વડોદરા)
- પુરુષ પાસે બીજી કેટલી ફૅશનો પડી છે? સ્કર્ટ કે સાડી તો સારા ન લાગેને?
લગ્નવિધિ વખતે વરરાજાને જમણી અને કન્યાને ડાબી બાજુએ જ કેમ બેસાડાય છે?(ડૉ. મહેન્દ્ર મૈસુરિયા, અમદાવાદ)
- બેસાડવા જ પડે. અત્યારથી ઊભા કે સુવડાવાય નહીં!
જીવનનો શ્રેષ્ઠ દિવસ ક્યારે આવે છે?(મહાસુખ દરજી, અમદાવાદ)
- પહેલું બાળક આવે ત્યારે.
વાંદરાઓનેય એમનાં બા ખિજાતાં હશે કે, ‘શું આવા માણસવેડા કરો છો?’ (ડૉ.સંકેત શેઠ, કરમસદ)
- ના. એ લોકો તો જન્મજાત વાંદરા જ હોય છે!
ફિલ્મોમાં સુંદર હિરોઇનોને જ કેમ લેતા હોય છે?
(કિરણ મોવડીયા, માણસા)
- ઑડિયન્સને ત્રણ કલક બેસાડી રાખવાનું હોય છે!
પહેલાંના જમાનામાં ટેસ્ટ મૅચો પાંચ દિવસોમાં માંડ પૂરી થતી હતી, હવે ચાર દિવસ તો માંડ ખેંચાય છે?(હિતેશ દમણીયા, સુરત)
- એ ખેંચાતી નથી. ચોથા દિવસે રિઝલ્ટ આવી જાય માટે!
લવ મૅરેજ સારા કે ઍરેજ્ડ મૅરેજ?(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- હું ઍરૅન્ડ્ઝને વધુ મહત્ત્વ આપું છું કે, મા-બાપે થાય એટલી તપાસ તો કરી લીધી હોય!
હાથી-ઘોડાનો ફેર એટલે?(હર્ષ હાથી, ગોંડલ)
- તમે જોયું? અહીં પણ સ્ત્રીને અન્યાય થયો છે! હાથી તો સમજ્યા, પણ ‘ઘોડી’ કેમ નહીં?
કેટલાક લોકો કાયમ રોદણાં જ રોતા હોય છે...! શું કરવું?
(શશિકાંત મશરૂ, જામનગર)
- તમારે શું કામ કાંઇ કરવું જોઇએ? બધાના નસીબમાં તમારા જેવું સંપૂર્ણ સુખ નથી હોતું!
તમારા લખવા મુજબ, ઈંગ્લિશ ટૉકીઝમાં કદી ઈંગ્લિશ ફિલ્મ જ નથી આવી, તે સાચું છે?(સુનીલ વર્મા, અમદાવાદ)
- એમ તો ‘નટરાજ’માંય ભગવાન શંકરની કોઇ ફિલ્મ નથી આવી!
કુંભમેળામાં ઊમટતી કરોડોની જનમેદની શું સૂચવે છે?
(જીતેન્દ્ર કેલા, મોરબી)
- એ જ કે, હિંદુ ધર્મ સાચે જ વિરાટ છે.
લગ્ન વખતે સાસુમા વરરાજાને પોંખતા કેમ હોય છે?
(કનુ જોશી, વડોદરા)
- એમાંય ચારેય આંગળાના ટચાકા ફૂટવા જોઇએ! ‘હખણા નહીં રહો તો આવો અવાજ તમાંરા હાડકાંનો આવશે’, એવી ગર્ભિત ચીમકી હોય છે.
હાસ્યલેખકનું ઘડપણ કેવું હોય છે? આનંદિત કે દુ:ખી?(ઘનશ્યામ ભરૂચા, વિરાર)
- આવે પછી ખબર પડે!
સત્યના માર્ગ પર ભીડ કેમ ઓછી હોય છે?(પ્રવીણ મેહતા, કેશોદ)
- મને તો ટોળામાં ચાલવાની જ આદત છે!
ઉછીના આપેલા પાછા માગવા, કોઇ ગુનો છે?
(દિનકરરાય પાણેરી, ઊના)
- મેં કદી માગ્યા તમારી પાસે?
શું એ સાચું છે કે, ‘સહન કરે, એ શક્તિ પામે?’
(રક્ષિત શાહ, અમદાવાદ)
- પરમાત્મા તમને સહન કરવાની શક્તિ આપે!
આપણામાં ‘હાઉસ-વાઇફ’ શબ્દ છે તો ગોરધન માટે?
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)
- વાઇફને વાઇફ જ કહેવાય છે...‘હાઉસ-વાઇફ’ નહીં!
વારેવારે ભૂખ લાગે, એ માટે શું કરવું જોઇએ?
(યોગેશ શાંતિ પટેલ, વડોદરા)
- એકાદવાર પોતાના ઘેરેય જમવું જોઇએ!
લોકો માઉન્ટ આબુ શું સૂર્યાસ્ત જોવા જ જાય છે?
(કિંજલ પરમાર, પાલનપુર)
- હા. ભૌગોલિક દૃષ્ટિએ ત્યાં સૂર્યોદય જોવો શક્ય નથી!
જજસાહેબના ઘેરથી રોકડા રૂ. 15 કરોડ પકડાયા...!
(અબ્બાસ કૌકાવાલા, સુરત)
- અર્થાત્...ન્યાય પૂરો તોળાયો નથી!
લોકોને સાચી વાત સાંભળવામાં ખોટું કેમ લાગી જાય છે? સાચું લાગવું જોઇએને? (કેતન પારેખ, સુરત)
- તમે સાચા છો.
મેં હાસ્યકવિ બનવાનું નક્કી કર્યું છે...(દીપક પરમાર, જામનગર)
- સરસ. હાલમાં તો પૂરા ગુજરાતમાં એકેય હાસ્યકવિ નથી.
Read Original Article →