મજાતંત્ર:અઘરો સવાલ, કેરીમાં રસ છે કે ચૂંટણીમાં?
ચેતન પગી
જબરો ઋતુકાળ ચાલી રહ્યો છે. તદ્દન સરકારી કામગીરી જેવો. કાગળ પર ઉનાળો બોલે છે પણ બારીની બહાર કંઈક બીજું જ ચાલે છે. ટીવી સિરિયલમાં ઍડ આવતી રહે એમ ઉનાળાની વચ્ચે માવઠાં વરસી જાય છે. બપોરે ગરમી લાગે છે, રાતે ઓઢવું પડે એવી ઠંડી વાય છે. અમેરિકાની જેમ અમરેલીમાં પણ સ્નૉફોલ (કરા) થઈ રહ્યો છે અને કુદરત જાણે દુકાન માંડીને બેઠી છે, ‘બોલો વરસાદ બતાવું કે ગરમી? કે પછી ઠંડી, ગરમી અને વરસાદનો કૉમ્બો કરી આપું?’
આટલું ઓછું હોય એમ કેરીની સિઝન સાથે ચૂંટણીની સિઝન પેરેલલ ચાલી રહી છે. પાનના ગલ્લે કે, સોસાયટીના નાકે યુદ્ધથી લઈને બુદ્ધ સુધીનાની મોજ લેનાર નવરા લોકોને જલસો છે. એમને કેરી અને રાજકારણ બંનેમાં રસ છે. કેરીની સિઝનમાં મતદારો અને કેરીના શોખીન બંને કેસરિયા કરવાના મૂડમાં છે. ઋજુ હૃદયના માણસોએ આવી ઋતુમાં ખાસ સાચવવા જેવું છે. માત્ર બેવડી ઋતુથી નહીં. રાજકારણનાં બેવડાં ધોરણથી પણ.
પણ તમે માર્ક કરજો. કેરીની સિઝન અને ચૂંટણીની મોસમમાં ઘણી સામ્યતા છે. આંબા પરથી કેરી ઊતરે એ પહેલાં બજારમાં કેરીનો રસ પહોંચી જાય છે. એ જ રીતે ચૂંટણીની ટિકિટ મળે એ પહેલા ઉમેદવારો માર્કેટમાં પહોંચી જાય છે. કેરી માટે ‘અચાર’સંહિતા અને ચૂંટણીમાં આચારસંહિતા લાગુ પડે છે. બજારમાં સાચી પ્રક્રિયા પછી પાકી થયેલી કેરીના બદલે કેમિકલથી પકવેલી જોખમી કેરીથી સાચવવા જેવું છે.
એ જ રીતે ચૂંટણીમાં પણ જાહેરજીવનમાં વરસો સુધી લોકો, પાર્ટીનાં કામ કર્યા પછી પાકા થયેલા કાર્યકર્તાના બદલે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારે હોય કે હરીફ પાર્ટીમાંથી તાણી લાવેલા (કેમિકલથી પકવેલી કેરી જેવા) લોકોને ટિકિટ મળી જતી હોય છે. કેમિકલથી પકવેલી કેરી અને નેતા બંને મતદારોની હેલ્થ માટે હાનિકારક છે. પણ એકવાત સ્વીકારવી પડે. કેરી પાક્યાં પછી ઉપરથી નીચે પડે છે. નેતા પાકી જાય પછી નીચેથી ઉપર આવે છે. નીચે પડેલી કેરી ક્યારેય ઉપર આવતી નથી અને સત્તાનો સ્વાદ ચાખનાર નેતા ક્યારેય ખુરશીથી નીચે આવતા નથી.
આપણા દેશમાં ચૂંટણીની એકમાત્ર વિશેષતા એ છે કે એ હજુ યોજાય છે. એ અલગ વાત છેકે દેશની વસ્તી કૂદકેને ભૂસકે વધી રહી હોવા છતાં વિપક્ષની પાર્ટીઓને ઘણીવાર ચૂંટણી લડવા માટે ઉમેદવારો જડતા નથી. જો ભૂલેચૂકે ઉમેદવાર મળી જાય તો પણ એને સામેની પાર્ટી ખેંચી ના જાય એનું ધ્યાન રાખવું પડે છે. કિંમતી ચીજવસ્તુઓ માટેના લૉકરની જેમ બેન્કોએ રાજકીય પક્ષના ઉમેદવારોને સાચવવા માટેના લૉકરની સુવિધા આપવા જેવી છે. જો કે વારતહેવારે ‘કરી નાખનાર’ની સંખ્યા વધી રહી છે એ બેન્કો પોતે સુરક્ષિત લૉકરની શોધખોળ કરી રહી છે એ જુદી વાત છે.
સફેદ વાઘ, પહાડી ગોરિલા, ઘોરાડ, ગંગા ડોલ્ફિન અને વિપક્ષ. આ તમામ વચ્ચે સામ્યતા એક જ છે કે બધી જ નષ્ટપ્રાય થઈ રહેલી પ્રજાતિઓ છે. હવે તો સત્તાપક્ષ જાહેરમાં રાજ્યમાં વિપક્ષ શોધ્યો નહીં જડે એવું કહે છે. સારું છે આવી હાકલ ક્રિકેટમાં થતી નથી નહીંતર ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાના બદલે આપણી ટીમના બે ભાગ પાડીને ઇન્ડિયા વર્સિસ ઇન્ડિયા રમવાનો વારો આવશે.
એક વાત સ્વીકારવી પડે. ક્રિકેટર અને ચૂંટણી લડતા ઉમેદવાર બંનેએ ફોર્મમાં રહેવું જરૂરી છે. જોકે, શહેરોમાં તો લોકો અલગ દુનિયામાં જીવે છે. એમને વિપક્ષ તો ઠીક પોતાના વિસ્તારના કોર્પોરેટર કે ધારાસભ્યનું નામ પણ ખબર હોતી નથી. એક શહેરીજને તો ઘરે વોટ માગવા આવેલા ઉમેદવારને એવું કહીને રવાના કરી દીધો કે ‘અમે તો ઑનલાઇન ઓર્ડર કરીએ છીએ’. પણ ચૂંટણીઓ યોજાવાની બંધ થઈ જશે એ કલ્પના જ ડરામણી છે.
ના, લોકશાહી-મૉકશાહી ઠીક છે. મનોરંજનનો એક મોટો વિકલ્પ બંધ થઈ જશે. કારણ કે વોટ આપતા પહેલાં ફલાણો કે ઢીકણો ઉમેદવાર આપણું કામ કરશે એવું વિચારવાનું તો આપણે ઘણાં વર્ષોથી બંધ કરી દીધું છે. એટલે ચૂંટણી આપણા માટે એવી ફેવરિટ સિરિઝ છે જેની નવી સિઝન દર પાંચ વર્ષે રિલિઝ થાય છે. જો કે આ સિરિઝ માણવા માટે મતદારયાદીમાં નામ હોવું જરૂરી છે. ચૂંટણી લડવા માટે વિક્ટિમ કાર્ડ અને વોટ આપવા માટે ઇલેક્શન કાર્ડ ફરજિયાત છે.નાગરિક હોવું મરજિયાત છે. ટેકેદાર હોવું ફરજિયાત છે.
Read Original Article →