શબ્દ સકળ પૃથ્વીના:આજના ગુજરાતના પ્રતાપી પૂર્વજો
અજયસિંહ ચૌહાણ
1લી મે, ગુજરાત સ્થાપના દિવસ. એ હમણાં શુક્રવારે જ ગયો. ગુજરાત બોલીએ છીએ ત્યારે એક ભૌગોલિક પ્રદેશ સૌના મનમાં ઊભો થાય જ, સાથે એક પ્રજાનું ચિત્ર પણ ઊભું થાય. ગુજરાત શબ્દની ઉત્પત્તિ વિશે જે કોઈ જાણે છે, એમાં મોટા ભાગના મનમાં ‘ગૂર્જર’ શબ્દ છે. ગૂર્જર જાતિ પરથી ગુજરાત શબ્દ બન્યો એવી રૂઢ માન્યતા છે. આ માન્યતા ભૂલભરેલી છે, એવું ઘણા ઇતિહાસકારો માને છે. એમાં મુખ્ય છે, ગુજરાતના વૈભવશાળી ઇતિહાસને પોતાની નવલકથાઓમાં આલેખી ગુજરાતની અસ્મિતાને ઘર ઘર સુધી લઈ જનાર કનૈયાલાલ મુનશી. એમની નવલકથાઓ ભલે રંગદર્શી હોય, પણ જ્યારે એ ‘ચક્રવર્તી ગૂર્જરો’માં ઇતિહાસ વિશે લખે છે ત્યારે તથ્યો અને સંદર્ભો નોંધવાનું ચૂકતા નથી.
ઇતિહાસબોધ પ્રજા ઘડતરનો પાયો છે, એ મુનશી બરોબર જાણતા હતા. એટલે જ ઇ. સ. 1942માં એક તરફ ગાંધીજીનો ‘ભારત છોડો’ નારો ગૂંજતો હતો ત્યારે મુનશી ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં મૂળરાજ સોલંકીની સહસ્ત્રાબ્દી ઊજવવાનું નક્કી કરે છે. એમણે સ્થાપેલી ભારતીય વિદ્યાભવન સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલી હોવાથી ભવન દ્વારા ગુજરાતના ઇતિહાસ વિશેના ગ્રંથો પ્રગટ કરવાનું ઠરાવવામાં આવ્યું. એ અંતર્ગત The Glory That Was Gurjaradesha (1943) અને The Imperial Gurjaras (1944) નામના ગ્રંથો પ્રગટ કરવામાં આવ્યા. એમાં પહેલું પુસ્તક સંપાદન હતું અને બીજું મુનશીજીએ પોતે લખ્યું હતું. બીજાનો અનુવાદ તે ‘ચક્રવર્તી ગૂર્જરો’. એનો અનુવાદ કરેલો ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લે અને એની પહેલી આવૃત્તિ 1966માં આવેલી. આજે કલ્પના કરી શકીએ કે કોઈ સાહિત્યિક સંસ્થા ગુજરાતના પ્રતાપી શાસકોને આ રીતે યાદ કરે?
કનૈયાલાલ મુનશી ‘ચક્રવર્તી ગૂર્જરો’ની પ્રસ્તાવનામાં સંયત સૂરમાં લખે છે, ‘આ પુસ્તકમાં મેં આ પછીના યુગને (ઈ. સ. 1199–1526) પણ સહેજ સ્પર્શ કર્યો છે, જોકે વસ્તુતાએ તો એ ભારતીય પ્રતિકારનો યુગ છે. સામાન્યપણે આ સમયનો ઇતિહાસ આપનારા ગ્રંથો દિલ્હીના દરબારી કવિઓ ને ઇતિહાસકારોએ વર્ણવેલાં દિલ્લીની સલ્તનતનાં પરાક્રમોથી ભરપૂર હોય છે અને તેથી તેને વાસ્તવિક હકીકતોના પ્રમાણમાં અપાવી જોઈએ તેના કરતાં ઘણી વધારે જગા અપાય છે ને તેની હદબહારની સ્તુતિ કરાય છે.’ આઝાદી પછી એવો સમય આવ્યો કે ઇતિહાસનાં પુસ્તકોમાં અને અભ્યાસક્રમોમાં સલ્તનત અને મુઘલકાળનું મહિમામંડન થયું. પણ, એની પહેલાંના મહિમાવંત મધ્યકાલીન ઇતિહાસને સામંતીયુગ ગણી એની બાદબાકી કરી દેવામાં આવી.
‘ચક્રવર્તી ગૂર્જરો’માં કનૈયાલાલ મુનશીએ પહેલાં તો ‘ગૂર્જર’ શબ્દની ઐતિહાસિક દૃષ્ટિએ ચર્ચા કરી છે. એમની સ્થાપના એ છે કે ‘ગૂર્જર’ શબ્દ જાતિવાચક નહીં પણ પ્રદેશવાચક છે. મોટા ભાગના બ્રિટિશયુગીન ઇતિહાસકારો એવું માનતા કે ‘ગૂર્જરો’ પરદેશી હુમલાખોર હતા અને એમણે ભારતમાં આવીને ગૂર્જરરાષ્ટ્રની સ્થાપના કરી. એના મૂળમાં આબુ પર્વતની દંતકથા છે.
વસિષ્ઠ ઋષિએ આબુમાં યજ્ઞ કર્યો અને કુંડઅગ્નિમાંથી પ્રતિહાર, પરમાર, ચૌલુક્ય (સોલંકી) અને ચાહમાન (ચૌહાણ) એમ ચાર ક્ષત્રિય ઉત્પન થયા. આ કથાનું એક અર્થઘટન એવું કરાયું કે આ જાતિઓ મૂળે આક્રમણકારીઓ હતા અને એમને ક્ષત્રિય તરીકે ભારતીય વર્ણાશ્રમ વ્યવસ્થામાં સંમિલિત કરવા યજ્ઞ કરવામાં આવ્યો. કર્નલ ટોડ જેવા ઇતિહાસલેખક, ફાર્બસ જેવા અધિકારીઓએ એમના ઇતિહાસોમાં આ આલેખ્યું. પણ, ચિંતામણિ વૈદ્ય, ગૌરીશંકર ઓઝા, કૃષ્ણસ્વામી આયંગર અને મુનશી આ અર્થઘટનને સ્વીકારતા નથી.
એનાં કારણ આપતાં એ લખે છે કે છઠ્ઠી સદીમાં ‘ગૂર્જર’ શબ્દ પ્રથમવાર ઇતિહાસમાં દેખાય છે. એ સમયે ઉત્તરમાં કનૌજ, પૂર્વમાં માળવા, પશ્ચિમમાં ગુજરાનવાલા અને દક્ષિણમાં સરસ્વતી નદીના કિનારા (આજનું પાટણ) સુધીનો પ્રદેશ ‘ગૂર્જર પ્રદેશ’ નામે ઓળખાતો. એમાં પ્રતિહારોનું રાજય હતું. તેઓ પોતાને લક્ષ્મણના વંશજો ગણાવતા. સરસ્વતી નદીનો નીચેનો પ્રદેશ આશાવલ, મધ્ય ગુજરાત ખેટક (ખેડા), ભરૂચથી દક્ષિણમાં દમણગંગા પ્રદેશ લાટ કહેવાતો. સૌરાષ્ટ્ર અને કચ્છ અલગ એકમ હતા. ગૂર્જર પ્રદેશમાં રહેનાર લોકોની ભાષા રહેણીકરણી, વગેરે સમાન હતી. એ પ્રદેશના લોકો ગૂર્જર નામે ઓળખાતા. એટલે ગૂર્જર કોઈ એક જાતિ નહોતી, એમ મુનશી પ્રતિપાદિત કરે છે.
દક્ષિણના રાષ્ટ્રકૂટોએ ઉપરાછાપરી આક્રમણો કર્યાં એમાં ઉત્તરના પ્રતિહાર વંશના ચક્રવર્તી ગૂર્જરોનું સામ્રાજ્ય અસ્ત થયું અને બીજાં નાનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. આ ઊથલપાથલમાં ચાલુક્યવંશના સ્થાપક મૂળરાજે ગૂર્જરદેશનો દક્ષિણ છેડો હાથ કરી અણહિલવાડ પાટણમાં પોતાની રાજધાની સ્થાપી. એ સમયે એનું રાજ્ય ‘ગૂર્જરદેશ’ નહીં પણ ‘સારસ્વતમંડલ’ને નામે ઓળખાતું. ધીમે ધીમે ચૌલુકયો (સોલંકી) પોતાનો વિસ્તાર વધારતા ગયા અને ઈ. સ. 940 પછી ચાલુક્યોનું રાજ્ય જે પ્રદેશ પર સ્થપાયું એ કાલાંતરે ‘ગૂર્જરભૂમિ’ નામે પ્રસિદ્ધ થયું અને અણહિલવાડના રાજાઓ ‘ગુર્જરેશ્વર’ કહેવાતા.
સાતમી સદીથી તેરમી સદીના અંત સુધી એમણે ભારતના એક વિશાળ ભૂ-ભાગ પર આણ વર્તાવી અને વિદેશી હુમલાખોરો સામે રાજપૂતો સતત પ્રતિકાર કરતા રહ્યા. એમણે આરબોને અને અન્ય મધ્ય એશિયાની આક્રમક જાતિઓને વારંવાર પરાજય આપ્યા અને પોતાના પ્રદેશોની રક્ષા કરી. આવી એક મોટી લડાઈ નવસારી પાસે ઇ. સ. 738માં થયેલી જેમાં બાદામીના ચાલુક્યો અને રાષ્ટ્રકૂટોએ સંયુક્ત રીતે અરબોને સખત હાર આપી. દુર્ભાગ્યે આ આપણા અભ્યાસક્રમોમાં આવતું જ નથી. અસ્તુ. મુનશી પ્રતિપાદિત કરે છે કે મધ્યભારતના પરમાર, અજમેર-દિલ્હીના ચૌહાણ, ગુજરાતના સોલંકી અને એ પહેલાંના પ્રતિહાર—આ બધા જ શાસકો ગૂર્જરો હતા અને વિશાળ પ્રદેશ પર શાસન કરવાના કારણે ચક્રવર્તી હતા, અને એથી પુસ્તકનું ‘ચક્રવર્તી ગૂર્જરો’ છે.
કનૈયાલાલ મુનશીએ આ ગ્રંથ લખવા માટે મધ્યકાલીન સાહિત્ય કૃતિઓ, દાનશાસનો, શિલાલેખો, ઇતિહાસકારોએ લખેલા આધારભૂત ગ્રંથો, વગેરે અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કર્યો છે. ઇતિહાસનું પુસ્તક હોવા છતાં મુનશીની શૈલી એવી રસાળ છે કે વાચનરસ જામે છે. એક મહાન સામ્રાજ્યના અંશમાંથી આજનું આપણું ગુજરાત કેવી રીતે આકાર પામ્યું એ સમજવા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે.
Read Original Article →