મજાતંત્ર:આપણું કંઇ સેટિંગ થાય એમ નથી?

Magazine4/26/2026, 12:50:00 AM
મજાતંત્ર:આપણું કંઇ સેટિંગ થાય એમ નથી?
ચેતન પગી હાલમાં ચાલી રહેલી ચૂંટણીમાં ટિકિટ માટે બે પ્રકારનાં સેટિંગ જોવામાં આવ્યાં. જે પાર્ટી સત્તામાં છે એની ટિકિટનું સેટિંગ પાડવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા અને જેમની પાસે સત્તા નથી એવી પાર્ટીઓ ઉમેદવાર જડે એ માટે સેટિંગ પાર પાડી રહ્યા છે. સત્તા પક્ષની ટિકિટ એક એવી તક છે જે માત્ર એકને મળે છે પણ આપણો પણ નંબર લાગી શકે છે એવું વિચારીને બાકીનાને પણ દોડતા રાખે છે. અત્યારે ગરમીની સિઝન છે એટલે એમપણ કહી શકાય કે આ એવો આઇસક્રીમ છે જેના માત્ર એક કપમાં આખું ફેમિલી ખાઈ શકે એટલો રાજભોગ આવે છે. બાય ધ વે, આ ચૂંટણીમાં ગરમી એવી જોરદાર છે કે લોકોના અસલી મુદ્દાઓનું બાષ્પીભવન થઈ ગયું છે. મૂળ વાત પર આવીએ. રોટી, કપડા ઔર મકાન પ્રાથમિક જરૂરિયાત છે પણ આ ત્રણે જરૂરિયાત પૂરી પાડવા માટે જેની જરૂર પડે છે એનું નામ સેટિંગ છે. એના માટે હિંદીવાળા જે શબ્દ વાપરે છે એ છે ‘જુગાડ’. પણ ગુજરાતી શબ્દ ‘સેટિંગ’માં જરા દેશી દાળ (ગાળ નહીં દાળ) જેવો ટેસ્ટ આવે છે. પ્રસંગ કોઇ પણ હોય, તૈયારી ગમે તેટલી કરી હોય. અંતે તો સેટિંગના જ શરણે જવું પડે છે. આખું ગામ નોટો બદલાવવા લાઇનમાં હતું ત્યારે બેન્ક મેનેજરની ચેમ્બરમાંથી બહાર નીકળતા માણસના ચહેરા પર સંતોષના જે ભાવ દેખાતા હતા તેનું કારણ કોઈ કથા-પ્રવચનમાં મળેલું જ્ઞાન નહીં પણ સેટિંગ હતું. ઘરમાં લગ્નપ્રસંગ હોય કે વેકેશનમાં ફરવા જવાનો પ્રોગ્રામ હોય. સેટિંગ વગર આપણો પ્રસંગ ક્યારેય ઉકેલાતો નથી. અરે ઘણા કેસમાં તો માણસ પોતે ઉકેલાઈ જાય તો તેની ડેડબોડી લેવા માટે પણ સેટિંગ આચરવું પડે છે. મનુષ્ય પહેલાં શાંતિપ્રિય હતો પણ હવે એ સેટિંગપ્રિય પ્રાણી છે. માણસને ધાર્મિક ભલે શ્રાવણ માસ પૂરતા રહેવું પડે પણ સેટિંગબાજ તો આખું વરસ રહેવું પડે છે. વર્ષના દરેક મહિને તેને કોઈને કોઈ સેટિંગમાં અટવાયેલા રહેવું પડે છે (હવે એડમિશન માટેના સેટિંગની સિઝન આવશે). એમાં પણ આપણે લોકો સેટિંગમાં સખત પાવરધા. કોઈ પણ ઘર કે પરિવારમાં ફુઆ, જમાઈ, ભાણેજ કે ભત્રીજા સ્વરૂપે ઓછામાં ઓછી એક સેટિંગબાજ વ્યક્તિ તો અચૂક હોય છે. લગ્ન પ્રસંગ હોય, કોઈનું મરણ હોય કે બાબાને ફોરેન મોકલવાનો હોય. સેટિંગબાજ સ્નેહીજન હંમેશાં એક માગો ત્યાં ચાર વિકલ્પો સાથે હાજર હોય છે. આ ખૂબીના લીધે જ તેમના માટે સવારની ચા ગરમ કરીને આપવાના બદલે મસાલાવાળી ચા બનાવાય છે કે એક વાટકી એકસ્ટ્રા આઇસક્રીમ અલગથી કાઢી રાખવામાં આવે છે. તેમની ઓળખાણ કલેક્ટર ઓફિસના પ્યૂનથી લઈને મિનિસ્ટરના પીએ સુધી હોય છે. પણ આ તો સાચકલા સેટિંગબાજની વાત થઈ. છાપાં-મીડિયાની જમાતમાં સ્યૂડો સેક્યુલર હોય છે એમ સ્યૂડો સેટિંગબાજ પણ હોય છે. પ્રસંગ ઉકેલવાની ચર્ચા વખતે તેઓ દમદાર દાવા સાથેનું ભાષણ ઠપકારીને સૌને આંજી દે છે. પણ ખરા પ્રસંગ ટાણે તેમનો ફોન અચાનક આઉટ ઑફ રીચ બતાવે છે. જરૂરિયાત એ સંશોધનની જનની છે એવું આપણને સ્કૂલમાં ભણાવવામાં આવતું હતું. પણ જે લોકો ચાલુ નિશાળે ગાપચી મારતા હતા તેઓ સ્કૂલની બહાર રહીને શીખતા હતા કે ‘જરૂરિયાત એ સેટિંગની જનની છે.’ અંતે તો સ્કૂલની બહાર રહીને શીખેલી આ કળા જ તેમને મોટી કોલેજમાં એડમિશન, સરકારી નોકરી કે ચૂંટણી ટાણે ટિકિટ અપાવે છે. સફરજન ઝાડ પરથી નીચે કેમ પડે છે કે રોકેટ સ્પેસમાં કેવી રીતે પહોંચે છે એ ભલે સાયન્સ શીખવતું હોય પણ આપણી ઉપર હોય એને નીચે કેમ પાડવો કે સચિવાલય સુધી કેવી રીતે પહોંચવું? એ શીખવું હોય તો તો સેટિંગનું જ્ઞાન અનિવાર્ય છે. અહીં એવો બાળસહજ પ્રશ્ન અચૂક થઈ શકે છે કે સાયન્સ શીખવું વધારે જરૂરી છે કે સેટિંગ? આ પ્રશ્નનો જવાબ એ હોઈ શકે કે સાયન્સ શીખવું જરૂરી છે પણ ‘પ્રેક્ટિકલ’માં તો સેટિંગનો જ ખપ પડશે. આમ તો ‘સેટિંગ મીમાંસા’ લાંબુ લખાણ માગી લેતો વિષય છે પણ આ લખનારે પણ બીજાં સેટિંગ કરવાના હોવાથી ચર્ચા અહીં પૂરી થાય છે.
Read Original Article →