માય સ્પેસ:ગ્રે ડિવોર્સઃ એકલવાયા વૃદ્ધોની સંખ્યા વધે છે

Magazine5/31/2026, 12:35:00 AM
માય સ્પેસ:ગ્રે ડિવોર્સઃ એકલવાયા વૃદ્ધોની સંખ્યા વધે છે
છેલ્લા થોડા સમયથી ભારતીય સમાજ છૂટાછેડાની વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. સમાજનાં તમામ સ્તરો ક્લાસ અને જાતિ-જ્ઞાતિમાં છૂટાછેડાની સમસ્યા વ્યાપક પ્રમાણમાં ફેલાઈ છે. સહુ વડીલો કે સમાજના અગ્રણીઓ ફરિયાદ કરે છે, સમાજમાં, જ્ઞાતિમાં સમાધાન પંચની રચના કરવામાં આવે છે, તેમ છતાં છૂટાછેડાની સંખ્યા ઘટતી નથી બલ્કે વધી રહી છે લગ્નના બે દિવસમાં થતા છૂટાછેડાથી શરૂ કરીને લગ્નના 20-25 વર્ષે પણ છૂટાછેડા થવા લાગ્યા છે ત્યારે એક સવાલ ઊઠે છે કે, અચાનક એવું શું થયું છે કે, છેલ્લાં 10 વર્ષમાં છૂટાછેડાની સંખ્યા ભારતીય સમાજમાં ચાર ગણી થઈ ગઈ છે. ખાસ કરીને, મોટી ઉંમરે થતા છૂટાછેડાની સંખ્યા આઘાતજનક રીતે વધી રહી છે. આ મોટી ઉંમરના છૂટાછેડાને અંગ્રેજીમાં ‘ગ્રે ડિવોર્સ’ કહેવામાં આવે છે. (વાળ ગ્રે થઈ ગયા હોય ત્યારે લેવાતા ડિવોર્સ) મોટાં શહેરોમાં લેવાતા ડિવોર્સની સંખ્યામાં 20થી 22 ટકા પતિ-પત્ની 45થી 60 વર્ષની ઉંમરનાં હોય છે એવું એક સર્વે કહે છે. 10-15 વર્ષ પહેલાં આ પ્રમાણ ત્રણથી પાંચ ટકા હતું. મિડલ એજ અને સિનિયર કપલ શા માટે છૂટાં પડે છે એનાં કારણો સમજવા જેવાં છે. ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને સેશન્સ કોર્ટ’ના સર્વે મુજબ 1995 પછી જન્મેલાં બાળકો માતા-પિતાથી અલગ અથવા દૂર રહેવાનું પસંદ કરે છે. મોટા ભાગનાં બાળકો વિદેશ કે બહારગામ સેટલ થાય છે. એ પછી પતિ-પત્નીને પોતાના લગ્નજીવનમાં રહેલો ખાલીપો અથવા સમસ્યાઓ વધુ સ્પષ્ટ રીતે સમજાવવા લાગે છે. નિવૃત્તિ કે શાંતિના સમયમાં અત્યાર સુધી ન દેખાયેલા પ્રશ્નો વધુ તીવ્રતાથી અસર કરવા લાગે છે. 45 વર્ષથી વધુ ઉંમરના યુગલમાં ડિવોર્સનો નિર્ણય રાતોરાત નથી લેવાતો, બલ્કે વર્ષોથી ચાલતા મનોમંથનનું પરિણામ હોય છે. દરેક વખતે સ્ત્રી જ છૂટાછેડા માટે અપ્લાય કરે એવું જરૂરી નથી, પરંતુ ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને સેશન્સ’માંથી મળતા આંકડા મુજબ 100માંથી 65 કરતાં વધુ કિસ્સામાં છૂટાછેડાની એપ્લિકેશન સ્ત્રી તરફથી જોવા મળે છે. આનું સામાજિક અને માનસિક વિશ્લેષણ કરીએ તો સમજાય કે, ભારતીય સ્ત્રીને બાળપણથી શિખવાડવામાં આવે છે કે ઘર બચાવવાના પૂરા પ્રયાસો કરવા. થોડું સહન કરી લેવું અથવા એક વાર સાસરે ગયા પછી એ જ એનું ઘર છે! મોટા ભાગની ભારતીયો સ્ત્રીઓ પાસે પાછા ફરવાનો વિકલ્પ નથી હોતો કારણ કે, મધ્યમવર્ગીય માતા-પિતા સમાજ અને પારિવારિક પ્રતિષ્ઠા માટે દીકરીને સમજાવીને સાસરે મોકલવાનું જ પસંદ કરતા. એ વખતે માતા-પિતા, સાસુ-સસરા કે સંતાનો નાનાં હોવાને કારણે સ્ત્રીએ હિંમત ન કરી હોય. આર્થિક સ્વતંત્રતા પણ એક મહત્ત્વનું કારણ હતું. એ સમયની મોટાભાગની સ્ત્રીઓ જે આજે 45થી 60 વર્ષની છે એ આર્થિક રીતે સ્વતંત્ર નહોતી. પતિ પર આધારિત સ્ત્રી બાળકોને લઈને ક્યાં જાય? એમના શિક્ષણ, સુરક્ષા અને ભવિષ્યના પ્રશ્નો સ્વાભાવિક રીતે એક માને મજબૂર કરે. આજે, સંતાનો સેટલ થઈ ગયાં હોય અને માતા-પિતા હયાત ન હોય અથવા અતિશય વૃદ્ધ હોય ત્યારે ‘સહન નહીં કરું’ની માનસિકતા સાથે સ્ત્રી વિદ્રોહ કરવા તૈયાર થઈ છે. સ્ત્રી ઘણા સમયથી પોતાની સાથે આ સંવાદ કરતી હોય કે, ‘હું કોના માટે જીવી?’ અથવા ‘મારી ઈચ્છા શું છે?’ જ્યારે એના જવાબ મળે ત્યારે એ સુરક્ષા છોડીને સ્વતંત્રતા પસંદ કરતી જોવા મળે છે. ન બોલાયેલા પ્રશ્નો, ન મળેલું સન્માન, ન અનુભવી શકાયેલી નિકટતા જેવા અનેક સવાલો આજની સ્ત્રીને પજવે છે. અત્યાર સુધી જે વિશે સ્ત્રી વિચારવાનું પણ ટાળતી હતી, એવા સવાલોને આજની સ્ત્રી સીધે સીધા ફેસ કરે છે. સમાજના દબાવમાં ઘણી વાર લોકો પૂછે છે, ‘આ ઉંમરે શા માટે?’ અથવા ‘છેક હવે શું જરૂર હતી?’ પરંતુ આ સવાલોનો જવાબ એ છે કે આજની સ્ત્રી માટે એકલતાના ડર કરતાં વધુ એના સન્માન અને સ્વતંત્રતાની જરૂરિયાત મહત્ત્વપૂર્ણ બની છે. આવા નિર્ણય પછી ઘણી સ્ત્રીઓ અસુરક્ષિત થવાને બદલે વધુ શાંત અને સન્માનપૂર્વક જીવતી જોવા મળે છે કારણ કે, અત્યાર સુધી એને ન મળેલી પોતાના અસ્તિત્વની ઓળખ ધીમે ધીમે ઊઘડવા લાગે છે. મોટા ભાગની સ્ત્રીઓ માટે આ ‘લેટ લાઈફ બ્રેક ડાઉન’ને બદલે ‘એટ ધ એન્ડ અવેકનિંગ’ પુરવાર થાય છે. આને બળવા કે ઉતાવળા નિર્ણય તરીકે જોવાને બદલે ઘણાં વર્ષોના મૌન સંઘર્ષ પછી ઊઘડતા અવાજ તરીકે પણ જોઈ શકાય. સિંગલ્સ માટેની અનેક ક્લબ શરૂ થઈ છે કારણ કે, હવે વધુને વધુ લોકો સિંગલ રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. જેમણે લગ્ન ન કર્યાં હોય એવા લોકોથી શરૂ કરીને જેમણે મોટી ઉંમરે ડિવોર્સ લીધા હોય એવા 50 પ્લસના લોકો આવી ક્લબમાં મળે છે. વાંચન, વિચારોની આપ-લે કરે છે, ફિલ્મો જુએ છે, કેરીઓકે પર ગીતો ગાય છે, પિકનિક કરે છે અને એકમેકની કંપની એન્જોય કરે છે. 50 કે 55 પછી શારીરિક સંબંધોનું મહત્ત્વ પ્રમાણમાં ઘણું ઓછું હોય છે, આવા સમયે માનસિક કંપની ખૂબ મહત્ત્વની બની જાય છે. 50 પ્લસના સિંગલ્સ માટે ખાસ લગ્નમેળા યોજાય છે અને એ ઉંમરે ફરી લગ્ન કરનારા લોકોની સંખ્યા પણ પ્રમાણમાં વધતી જાય છે! દરેક વખતે આવા ડિવોર્સ માટે લગ્નેતર સંબંધ, પતિનું વ્યસન કે અત્યાચાર જેવાં કારણો ન પણ હોય. બહારથી ‘સુખી’ લાગતાં યુગલ વચ્ચે કેટલાય સમયથી મનમેળ તૂટી ગયો હોય, પરંતુ એમણે સમાજ, સંતાન કે પરિવારના કારણોસર એને બહાર આવવા દીધો ન હોય એમ પણ બની શકે. ઘણી વાર એવું જોવા મળે છે કે, બંને વચ્ચે ઘણા સમયથી ઈમોશનલ ડિવોર્સ થઈ ગયા હોય, બંને જણા જુદાં જુદાં ઓરડામાં સૂતા હોય. એક જ ઘરમાં રહીને પોતપોતાની જિંદગી જીવતા હોય, એકમેકને નડ્યા વગર ઘરની શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરતા હોય, પરંતુ લગ્નજીવનનો આનંદ કે સુખ ક્યારનાય વિદાય થઈ ચૂક્યા હોય! ઘણી વાર એવું પણ બને કે, અત્યાર સુધી ચૂપ રહીને સહન કરતી પત્ની અચાનક ગુસ્સાવાળી, કકર્શા અને મેણાં મારતી થઈ જાય. એના મનમાં રહેલી સંતાનો કે સમાજ અંગેની અસુરક્ષા એક વાર નીકળી જાય, એને સમજાઈ જાય કે હવે પતિ એના ઉપર જ આધારિત છે ત્યારે ભીતર રહેલો આક્રોશ ભભૂકી ઊઠે છે. જે એણે અત્યાર સુધી નથી કર્યું એ બધું જ એક સાથે સંભળાવી દેવાનો ઉશ્કેરાટ એને એક કડવી વ્યક્તિ બનાવી દે છે. આવા સમયે પતિએ ફરિયાદ કરવાને બદલે વીતેલી ઘટનાઓને એનાલાઈઝ કરીને પત્ની સાથે સંવાદ કરવો જોઈએ. કદાચ, પોતાની માતાને કંઈ ન કહી શક્યા હોય કે એમનાથી ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય તો પત્નીની માફી માગીને ફરી એક વાર સુમેળ સાધવાનો પ્રયાસ કરવો જોઈએ. મોટી ઉંમરના ડિવોર્સને કારણે એકલા રહેતા વૃદ્ધોની સંખ્યાના આંકડામાં ભયાનક વધારો થશે... વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધશે. આપણે એકલવાયા સમાજના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે જાગી જવું જોઈએ. }
Read Original Article →