અપડેટ:હવે ગૂગલ શબ્દનો અર્થ જ નહીં, તેનો લહેકો પણ શીખવશે!
કેવલ ઉમરેટિયા
તમે દિવસમાં કેટલી વાર ‘ગૂગલ’ ટ્રાન્સલેટનો ઉપયોગ કરો છો? કદાચ આજે સવારે જ કોઈ અજાણ્યા શબ્દનો અર્થ જાણવા માટે કે પછી સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ વાંચવા માટે આ ટૂલની મદદ લીધી હશે. આ એક એવું ટૂલ છે જેણે માત્ર ઈન્ટરનેટ જ નહીં, પણ આપણી ઓફલાઈન દુનિયાને પણ પ્રભાવિત કરી છે. આ ટૂલ લોન્ચ થયું તેના 20 વર્ષ પૂરાં થયાં છે.
28 એપ્રિલ, 2006 ના દિવસે જ્યારે ‘ગૂગલ’ ટ્રાન્સલેટ લોન્ચ થયું ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે એક દિવસ તે અબજો લોકોની જિંદગીનો હિસ્સો બની જશે. 20 વર્ષ પહેલાં દુનિયામાં ભાષા એક મજબૂત દીવાલ હતી, જે લોકો અને સંસ્કૃતિઓને એકબીજાથી જુદા રાખતી હતી. જોકે ‘ગૂગલ ટ્રાન્સલેટ’એ એ દીવાલ તોડીને એક એવો સેતુ બનાવ્યો, જેના વડે આખી દુનિયા એકબીજા સાથે જોડાઈ શકી.
આ બે દાયકામાં ‘ગૂગલ ટ્રાન્સલેટ’માં પણ ઘણો બદલાવ આવ્યો છે. જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ આ ટૂલ પણ પાવરફુલ બનતું ગયું. તેમાંય હવે તો AI નો જમાનો ચાલી રહ્યો છે અને આ ટૂલનો તો પાયો જ મશીન લર્નિંગ છે. હવે આ ટૂલમાં એક મોટું અપડેટ આવ્યું છે.
‘ગૂગલ’ માત્ર અનુવાદ નહીં કરે, બોલતા પણ શીખવશે
આપણે ઘણીવાર ‘ગૂગલ ટ્રાન્સલેટ’ પર કોઈ વિદેશી કે અજાણી ભાષાના શબ્દનો આપણી ભાષામાં અનુવાદ તો કરી લઈએ છીએ, પણ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે આપણે એ શબ્દ કોઈની સામે બોલવાનો હોય. ઘણીવાર સાચો અર્થ જાણ્યા પછી પણ આપણે ખોટું ઉચ્ચારણ કરીએ છીએ.
‘ગૂગલ’ હવે આ મૂંઝવણ પણ દૂર કરી દીધી છે. 20 મા જન્મદિવસ પર ટ્રાન્સલેટ એપમાં એક કામનું ફીચર ઉમેરવામાં આવ્યું છે, ‘પ્રોનેન્સિએશન પ્રેક્ટિસ’ એટલે કે ઉચ્ચારણની પ્રેક્ટિસ. આ ફીચર માટે ‘ગૂગલ’ પોતાના સૌથી ‘એડવાન્સ જેમિની એઆઈ’ની મદદ લીધી છે.
હવે જ્યારે તમે એપમાં કોઈ વાક્ય ટ્રાન્સલેટ કરશો, ત્યારે તમને ‘લિસન’ માટેના સ્પીકર આઈકોનની સાથે એક નવું ‘પ્રોનાઉન્સ’ બટન પણ દેખાશે. તેના પર ટેપ કરીને તમે ફોનના માઈકમાં એ વાક્ય બોલી શકો છો. એઆઈ તમારો અવાજ અને તમારો લહેકો ખૂબ ધ્યાનથી સાંભળશે અને તરત જ જણાવશે કે તમે સાચું બોલ્યા કે નહીં.
જો તમારા ઉચ્ચારણમાં કોઈ ખામી હશે, તો તે સ્ક્રીન પર હાઈલાઈટ કરીને બતાવશે કે વાક્યનો કયો શબ્દ સ્પષ્ટ નહોતો અથવા ક્યાં ભૂલ થઈ. જેથી તમે ફરીથી પ્રયત્ન કરી શકો. એક રીતે જોઈએ તો આ ટૂલ હવે તમારા માટે એક ‘ફ્રી પર્સનલ લેંગ્વેજ ટીચર’નું કામ કરશે. હવે તમે કોઈ પણ ભાષાના શબ્દોને ફક્ત સમજી જ નહીં શકો, પણ સ્થાનિક લોકોની જેમ બોલી પણ શકશો.
પાવરફુલ GPT-5.5 મોડેલ સાથે OpenAIની મોટી છલાંગ
જો તમને એમ લાગતું હોય કે ChatGPT ફક્ત તમારા પ્રશ્નોના જવાબ આપવા, ઈ-મેલ ડ્રાફ્ટ કરવા કે ફોટો બનાવવા પૂરતું જ સીમિત છે, તો તમે ખોટા છો. ગત 23 એપ્રિલના દિવસે OpenAI એ તેનું અત્યાર સુધીનું સૌથી આધુનિક અને પાવરફુલ એઆઈ મોડેલ GPT-5.5 લોન્ચ કર્યું છે. આ માત્ર કોઈ સામાન્ય સોફ્ટવેર અપડેટ નથી, પણ કામ કરવાની પદ્ધતિમાં એક બહુ મોટી ક્રાંતિ છે. આ નવા મોડેલની સૌથી મોટી વિશેષતા તેનું ‘એજન્ટિક’ (Agentic) હોવું તે છે. સાદી ભાષામાં કહીએ તો, હવે એઆઈ ફક્ત એક ‘સલાહકાર’ નહીં રહે પણ ‘આસિસ્ટન્ટ’ તરીકે કામ કરશે.
GPT-5.5 શું છે?
GPT-5.5 એ એક એવું એડવાન્સ ‘લાર્જ લેંગ્વેજ મોડેલ’ (Large Language Model) છે જે તમારી સાથે સંવાદ કરી શકે છે, કોડિંગ કરી આપે છે, ઊંડું રિસર્ચ કરે છે અને અઘરા કામો પોતાની મેળે પૂરા કરવાની ક્ષમતા ધરાવે છે. OpenAIનો દાવો છે કે આ મોડેલ ખૂબ જ ઓછા નિર્દેશોમાં ઘણું વધારે કામ કરી શકશે. એટલે કે તમારે તેને વારંવાર સમજાવવાની જરૂર નહીં પડે.
જો તમે ChatGPTના Plus, Pro, Business કે Enterprise પ્લાનનો ઉપયોગ કરતા હોવ, તો GPT-5.5 તમારા માટે ઉપલબ્ધ થઇ ગયું હશે. આ સાથે જ OpenAIનું કોડિંગ આસિસ્ટન્ટ ‘Codex’ પણ આ નવા મોડેલ સાથે અપગ્રેડ થઈ ગયું છે. કોડિંગ, ઓનલાઈન રિસર્ચ, ડેટા એનાલિસિસ તેમજ ડોક્યુમેન્ટ્સ અને સ્પ્રેડશીટ તૈયાર કરવી વગેરે જેવા કામોમાં GPT-5.5 જૂના મોડેલ કરતા વધારે માહેર છે.
ઝડપ અને કાર્યક્ષમતા
સામાન્ય રીતે મોડેલ જેટલું વધારે શક્તિશાળી હોય, તેની ઝડપ તેટલી જ ધીમી હોય છે. પરંતુ OpenAI નો દાવો છે કે GPT-5.5 વધારે શક્તિશાળી હોવા છતાં તેની ઝડપ અગાઉના મોડેલ GPT-5.4 જેટલી જ છે. ઉપરાંત, આ મોડેલ ટોકન્સ પણ ઓછા વાપરે છે. એટલે કે કામ વધુ થશે અને ખર્ચ ઓછો. OpenAI નો બીજો દાવો છે કે આ મોડેલ અન્ય કોડિંગ મોડેલ્સની સરખામણીએ અડધી કિંમતમાં શ્રેષ્ઠ કામ આપે છે. ઉપરાંત આ મોડેલ વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ મદદરૂપ સાબિત થશે અને ખાસ કરીને નવી દવાઓની શોધ જેવા ક્ષેત્રોમાં તે મોટી ભૂમિકા ભજવી શકે છે.
આ મોડેલ ઈન્ટરનેટનાં હજારો પાનાંઓ ફેંદીને સચોટ રિસર્ચ કરી શકે છે, તમારું આખા દિવસનું શીડ્યૂલ બનાવી શકે છે અને થાક્યા વગર અટપટાં કામો જાતે સંભાળી શકે છે. ટેક એક્સપર્ટ્સના મતે, આ મોડેલની મદદથી ChatGPT પહેલાં કરતાં ઘણું ઝડપી બની ગયું છે અને જે કામ તેને સોંપવામાં આવે છે, તે પોતે જ ચેક પણ કરે છે કે ક્યાંય કોઈ ભૂલ તો નથી રહી ગઈને!
OpenAI એક ‘સુપર એપ’ બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. જ્યાં ChatGPT, Codex અને AI બ્રાઉઝરને એક જ પ્લેટફોર્મ પર ભેગા કરી દેવામાં આવે. એટલે કે એક એવી ઓલ-ઈન-વન એપ જે બિઝનેસ અને સામાન્ય યુઝર્સ એમ બંને માટે વન-સ્ટોપ સોલ્યુશન બની રહે. GPT-5.5 તેમની આ યોજના તરફનું એક મહત્ત્વનું પગલું છે. ગૂગલ ટ્રાન્સલેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો
Read Original Article →