અપડેટ:ગૂગલની નવી નીતિ: ફ્રી સ્ટોરેજ માટે હવે ‘જુગાડ’ નહીં, વેરિફિકેશન ફરજિયાત

Magazine5/24/2026, 12:35:00 AM
અપડેટ:ગૂગલની નવી નીતિ: ફ્રી સ્ટોરેજ માટે હવે ‘જુગાડ’ નહીં, વેરિફિકેશન ફરજિયાત
કેવલ ઉમરેટિયા જો તમે સ્માર્ટફોન વાપરતા હોવ, તો તમારું ગૂગલ (જીમેલ) એકાઉન્ટ ચોક્કસ હશે. જો જીમેલ હશે તો ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ પણ હશે જ. અત્યાર સુધી એવું હતું કે આપણે ગૂગલ એકાઉન્ટ બનાવીએ તેની સાથે ત્યારથી ગૂગલ આપણને 15 GB ક્લાઉડ સ્ટોરેજ મફત આપતું હતું. આ જ મફત ‘તિજોરી‘માં આપણો મહત્વનો ડેટા, ઇમેઇલ, બેકઅપ અને ફોટા સચવાયેલા રહે છે. જો કે હવે આ પ્રક્રિયામાં બદલાવ થયો છે. નવા ગૂગલ એકાઉન્ટ સાથે પહેલા જે 15 GB ફ્રી સ્ટોરેજ મળતું તે હવે ઘટીને માત્ર 5 GB થઇ ગયું છે. આ સમાચાર સાંભળીને ઘણા લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે કે હવે તેમના જૂના ફોટા અને ઈમેલનું શું થશે? ચિંતા થવી સ્વાભાવિક છે. જો કે ચિંતા કરવા જેવું કે ડરવા જેવું કશું નથી. શું છે ગૂગલનું આ નવું અપડેટ? વાત જાણે એમ છે કે ગૂગલે પોતાની સ્ટોરેજ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. હવે નવું ગૂગલ એકાઉન્ટ બનાવવા પર ડિફોલ્ટ રૂપે માત્ર 5 GB ફ્રી સ્ટોરેજ મળશે. જો તમારે પહેલાની જેમ 15 GB ફ્રી સ્ટોરેજ જોઈતું હોય, તો ગૂગલ એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરીને તેને વેરિફાય કરવો પડશે. આ કામ તમે એકાઉન્ટ બનાવ્યા પછી પણ કરી શકો છો. એવું બિલકુલ નથી કે અત્યાર સુધી ગૂગલ એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર લિંક નહોતો થતો, થતો જ હતો. હવે આ વેરિફિકેશનને સ્ટોરેજ સાથે જોડી દેવામાં આવ્યું છે. આ નવી વ્યવસ્થા અત્યારે માત્ર નવું એકાઉન્ટ ખોલનારાઓ માટે જ છે. જે લોકોનું ગૂગલ એકાઉન્ટ પહેલેથી જ બનેલું છે, તેમને અત્યારે કોઈ જ ફરક નહીં પડે. જૂના એકાઉન્ટ પર 15 GB ની સુવિધા અકબંધ રહેશે. આ ફેરફાર માત્ર નવું એકાઉન્ટ બનાવનારાઓ માટે જ છે. જો આજે તમે ગૂગલમાં નવું એકાઉન્ટ બનાવો છો, તો સ્ક્રીન પર લખેલું આવશે કે તમારું એકાઉન્ટ 5 GB ફ્રી સ્ટોરેજ સાથે આવે છે. જો ફ્રીમાં 15 GB જોઈતું હોય, તો તમારા મોબાઈલ નંબરને એકાઉન્ટ સાથે લિંક કરવો પડશે. જેવો તમે તમારો નંબર લિંક કરશો, બાકીનું 10GB તમારા એકાઉન્ટમાં ઉમેરાઈ જશે અને તમને કુલ 15GB મળી જશે. ગૂગલે આવું શા માટે કર્યું? હવે સવાલ એ ઊભો થાય છે કે દુનિયાની સૌથી મોટી ટેક કંપનીને આવી શરત મૂકવાની જરૂર કેમ પડી? અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે એક કરતા વધારે જીમેલ (ગૂગલ) એકાઉન્ટ હોય છે. ઓફિસ માટે અલગ, પર્સનલ કામ માટે અલગ અને ફાલતુ વેબસાઇટ્સ પર લોગ-ઇન માટે અલગ. તો ઘણા લોકો 15 GB ફ્રી સ્ટોરેજ ફુલ થઇ જાય તો, સ્ટોરેજ ખરીદવાના બદલે નવું એકાઉન્ટ બનાવી લે છે. જેથી સરવાળે ગૂગલને તો નુકસાન જ થાય છે. આ સિવાય ઇન્ટરનેટ પર સ્પામર્સ અને બોટ્સ હજારો નકલી એકાઉન્ટ બનાવીને ગૂગલના સર્વરનો મફતમાં દુરુપયોગ કરતા હોય છે. આ બંને સમસ્યાનો સામનો કરવા માટે ગૂગલ ‘વન પર્સન, વન એકાઉન્ટ‘ એટલે કે ‘એક વ્યક્તિ, એક એકાઉન્ટ‘ ની પોલિસી અમલમાં મુકી રહ્યું છે. ગૂગલનું કહેવું છે કે ફોન નંબર વેરિફિકેશનથી મફત સ્ટોરેજનો લાભ એક વ્યક્તિ દીઠ એક વાર જ મળશે. બીજું કે બૉટ્સ અને નકલી એકાઉન્ટ્સના રાફડા પર રોક લાગશે. આ સિવાય મોબાઈલ નંબર જોડવાથી એકાઉન્ટ રિકવરી સરળ બને છે, જે ખરેખર ઉપયોગી છે. એકથી વધારે એકાઉન્ટનું શું થશે? અત્યારે ઘણા લોકો એવા હશે કે જેમની પાસે પહેલાથી 3 જીમેલ એકાઉન્ટ છે અને એ બધામાં એક જ મોબાઈલ નંબર લિંક છે, તો તેનું શું થશે? જવાબ છે કે કંઈ નહીં થાય. તમારા એ તમામ જૂના એકાઉન્ટ્સ પર 15 GB સ્ટોરેજ અકબંધ રહેશે. ભલે એક જ નંબરથી 4 જૂના એકાઉન્ટ ચાલતા હોય, તેના પર આ નવા નિયમની કોઈ જ અસર નહીં થાય. હવેથી એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને માત્ર એક જ નવા એકાઉન્ટને 5 GB થી 15 GB માં અપગ્રેડ કરી શકાશે. જો તમે એ જ નંબરથી કોઈ બીજું નવું એકાઉન્ટ બનાવશો, તો તે 5 GB પર જ અટકી જશે. જોકે, વધુ સ્ટોરેજ જોઈતું હોય તો દર મહિને 130 રૂપિયામાં 100 GB નો પ્લાન ઉપલબ્ધ છે, જેને પરિવારના 5 લોકો વચ્ચે વહેંચી શકાય છે. ગૂગલનો આ નિર્ણય સ્પષ્ટ સંકેત છે કે ડિજિટલ દુનિયામાં હવે ‘મફતની રોટલી’ ધીમે-ધીમે મોંઘી થઈ રહી છે. અત્યારે તો આ નિયમ માત્ર નવા એકાઉન્ટ પર જ લાગુ થયો છે, પરંતુ જે ઝડપે દુનિયા ડિજિટલ થઈ રહી છે અને AI તથા ક્લાઉડ સ્ટોરેજની બોલબાલા વધી રહી છે, તે જોતાં નજીકના ભવિષ્યમાં ફ્રી સ્ટોરેજ પર હજુ વધારે કાપ આવે તેવી પૂરી તૈયારી રાખજો. જો તમારી પાસે પણ એકથી વધુ એકાઉન્ટ હોય, તો અત્યારથી જ તમારા મહત્વના ડેટાને ડાઉનલોડ કરીને રાખવાની કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની તૈયારી શરૂ કરી દેજો. આ ફેરફાર ક્યારે અને કેટલો જલ્દી આવશે તે નક્કી નથી, પણ તેના અણસાર એકદમ સ્પષ્ટ છે. }
Read Original Article →