વિકાસની વાટે:ગિફ્ટ ઇકોનોમી: ઉદારતા વહેંચવાની ભાવનાનો માનવીય સંબંધ
હસમુખ પટેલ
નિપુણ મહેતા અમેરિકામાં રહેતા ગુજરાતી છે. તેઓ ગિફ્ટ ઇકોનોમીના પ્રણેતા છે. મેં તેમને દસ વર્ષ પહેલા સુરતમાં સાંભળેલા. એમાં મૂળ ખ્યાલ એવો છે કે તમારે માગવાનું નહીં પણ તમને સામેથી મળશે. તમારે સેવા આપી પૈસા નહીં માગવાના, સામેની વ્યક્તિ જે આપે તે લેવાનું. સામેની વ્યક્તિ તમારી કિંમત કરતાં વધારે જ આપશે. એ આ થિયરીનો પાયો છે. અમદાવાદમાં એક રિક્ષાવાળા આ રીતે પોતાની રિક્ષા ચલાવે છે.
મૂળ વાત એ છે કે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ ગ્રાહક અને વેપારી એટલે કે સેવા આપનાર અને પૈસા આપી સેવા લેનાર જેવો નહીં પરંતુ બે માનવ વચ્ચે એવો સંબંધ હોય જેમાં ઉદારતાને વહેંચવાની ભાવના હોય.
આપણે ત્યાં આ નવું નથી. સદીઓ સુધી આ રીતે જ ચાલતું. ખેતી આધારિત ગ્રામ્ય અર્થતંત્ર આ રીતે જ નભતું. કપડાં સીવવાં, જૂતાં બનાવવાં, વાળ કાપવા વગેરે સેવાઓના કોઈ નિશ્ચિત ભાવ નહોતા. તેમને પ્રતિ સેવા ચુકવણું પણ કરવામાં નહોતું આવતું. તેમને વર્ષમાં એકવાર અથવા તહેવારોમાં આપવામાં આવતું. આવા દરેક લોકોની કાળજી લેવાની જવાબદારી ગામના બધા લોકોની હતી. આવકનું મુખ્ય સાધન ખેતી હોવાથી ખેતીનો પાક થાય ત્યારે તેઓ ખળું લેવા આવતા એટલે કે ખળામાં અનાજ તૈયાર થઈ જાય અને ત્યાંથી જ તેમને આપી દેવામાં આવતું.
આ વ્યવસ્થામાં બધું સરસ હતું તેવું નથી. આમાં આ રીતે આવક પર નિર્ભર લોકોને લાચારીનો અનુભવ થતો આપણે છેલ્લા સમયમાં જોયો છે. જ્યારે તે શરૂ થયું હશે ત્યારે લોકોમાં સામુદાયિક જીવનની ભાવના વધુ હશે અને સ્વાર્થ ઓછો. પ્રેમ, ઉદારતા, બીજાની કાળજી, સમૂહ ભાવના આ બધું સરસ રીતે હોય તો જ આ પદ્ધતિ સરસ રીતે ચાલે.
આપણા દેશમાં તો મૂડીવાદની શરૂઆત ત્રણ દાયકા પહેલાં જ થઈ. અનેક લોકોએ પૈસાની અંતિમ સીમા અને તેની મર્યાદા પણ જોઈ લીધી છે. ગમે તેટલો સંપૂર્ણપણે ગિફ્ટ ઇકોનોમી અપનાવવી શક્ય નહીં બને. પરંતુ આપણે ઉદારતા, પ્રેમ, કરુણા, બીજાની કાળજી, પરમાર્થની ભાવના કેળવતા જઈએ અને વધુને વધુ અપનાવતા જઈએ એવું જરૂર બની શકે.
એવું કહેવાય છે કે આપણે ત્યાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું મૂલ્ય પૈસામાં ન અંકાતું. ગુરુકુળો રાજા, શ્રેષ્ઠીઓ અને સમાજના દાન પર નભતા. વિદ્યાર્થી ગુરુને દક્ષિણા આપતો. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના આ જમાનામાં વિના મૂલ્ય શિક્ષણની કલ્પના ન કરી શકીએ પરંતુ નફાની મર્યાદા રાખી શકાય. સંસ્થાનો પહેલો હેતુ ખૂબ જ ભાવપૂર્ણ રીતે ઉત્તમ શિક્ષણ આપવાનો હોય તો પૈસા આપોઆપ આવે. આ રીતે સંસ્થા ચલાવનારની કદર કરનારા સમાજમાં હોવા જોઈએ. પરંતુ આપણે જો આપણાં બાળકોને પૈસાની ટંકશાળ બનાવવા માગતા હોઈએ તો આપણે પણ નફાના મુખ્ય હેતુ માટે કામ કરનાર સંસ્થાની તૈયારી રાખવી પડે અને એવી સંસ્થામાં ભણીને પૈસા કમાતા જ શીખેલા સંતાનો આપણને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવે તો તેની પણ તૈયારી રાખવી પડે.
હજુ પણ આપણા દેશમાં કેટલા બધા લોકો સેવાભાવથી કામ કરે છે! કેટલા બધા લોકો ઉત્તમ ભાવથી દાન કરે છે! આવા લોકોનો સમાજ ઋણી છે. તેમને સંત, ઓલિયા કે ફકીર કહેવા પડે એવો સમય આવી રહ્યો છે.
‘વિપશ્યના ધ્યાન શિબિર’ હવે જાણીતી સંસ્થા છે. ત્યાં શિબિરાર્થી પાસેથી રહેવા જમવાનો કોઈ ખર્ચ લેવામાં આવતો નથી. વ્યક્તિને જેટલો ભાવ થાય એટલું દાન કરી શકે. તેના આધારે જ ધ્યાનકેન્દ્ર બનતા હોય છે અને ચાલતા પણ હોય છે. ‘જીવન વિદ્યા શિબિર’ પણ આવી જ પરિવાર ભાવનાથી આયોજિત થાય છે.
સામે પક્ષે આપણે ગરીબ રિક્ષાવાળા સાથે પણ બે પાંચ રૂપિયા માટે માથાકૂટ કરતા હોઈએ છીએ કે લારીમાં શાક વેચવાવાળા સાથે પણ ભાવતાલ કરીએ છીએ. સામે પક્ષે રિક્ષાવાળાએ પેટ્રોલ કે ડીઝલના પૂરા પૈસા આપવાના હોય છે. તેમણે પોતાના ઘર ચલાવવાના હોય તથા બાળકોને ભણાવવાની ઈચ્છા પણ તેમને હોય. તેમનો વિચાર આપણને ન કરી શકીએ? તેમને થોડા વધારે પૈસા આપીએ તો તેઓ રાજીના રેડ થઈ જાય. આવો નાનો નાનો સંતોષ જીવનને સફળ અને સાર્થક બનાવે છે.
સ્વામી સચ્ચિદાનંદજી સાથે વિદેશ પ્રવાસ કરનાર એક ભાઈએ પ્રવાસના અનુભવ લખ્યા છે. સ્વામીજી પ્રવાસના ગાઈડ, બસના ડ્રાઇવર, હોટલના બેરા વગેરેને બહુ સારી ટિપ અપાવતા. આવી દૃષ્ટિ આપણા સૌમાં હોય છે? ગાંધીજીની ટ્રસ્ટીશિપની વાત પણ કંઈક આવી જ છે. જેની પાસે વધુ છે તે તેનો ટ્રસ્ટી બની બીજા માટે ઉપયોગ કરે.
ગિફ્ટ ઇકોનોમીનો વિચાર આખો ને આખો ન અપનાવીએ તો પણ તેમાં જે મૂલ્યો છે તે જીવનમાં અમલમાં મૂકવાનો સતત પ્રયત્ન કરીએ. આપણા વ્યવહારો માનવીય મૂલ્યોના આધારે થાય, ભાવને આધારે થાય એવો પ્રયત્ન કરીએ, નહીં તો પૈસા મળી જશે અને બાકીનું બધું ખોઈ બેસીશું.
Read Original Article →