હિડન ટ્રુથ:ઘરમાં રહસ્યમયી ઘટનાઓ બની
જયેશ દવે
છેલ્લા કેટલાક રવિવારથી અગોચર જગત અને ખાસ કરીને જેને ભૂત-પ્રેત કહીએ છીએ તેના વિશે વાત કરી રહ્યા છીએ. અહીં પ્રયાસ આ સંદર્ભ સ્પષ્ટ થાય અને આવી વૈશ્વિક ઘટનાઓ તથા તેની તપાસ અને તથ્યો આપવાનો છે. આવી અદૃશ્ય શક્તિ છે કે નથી તે અલગ અલગ અભિપ્રાય હોઇ શકે અને વાચકોએ પોતાની વિવેકબુદ્ધિથી ‘એ છે કે નથી?’ નક્કી કરવું રહ્યું. ભૂત, પ્રેત, આત્મા કે પછી તંત્ર મંત્રના નામે વસ્તુઓને હવામાં ઊંચકવી કે પછી અહીંતહીં ફેંકવી આવી છેતરપિંડીઓ થતી હોય છે. કેટલીક ઘટનાઓમાં મનોવ્યથાથી ત્રસ્ત વ્યક્તિ અભાનપણે પણ આવી ક્રિયા કરે છે અને તેને ખ્યાલ પણ નથી હોતો. સામા પક્ષે અનેક ઘટનાઓ એવી છે કે જેનો વિજ્ઞાન પાસે કોઈ જ જવાબ નથી.
ભાનામતિ - ભૂત-ચેષ્ટાઓ કે જેને આપણે કોઈ આત્માનો ઉત્પાત કહીએ છીએ. આવી ઘટનાઓ મહદ્ અંશે કોઈ વ્યક્તિ કેન્દ્રિત હોઇ ‘રિકરંટ સ્પોન્ટેનિયસ સાયકો કાયનેસિસ’ ગણવામાં આવે છે. જે તે વ્યક્તિની અતિ તણાવપૂર્ણ મનોદશાનો ભૌતિક વસ્તુઓ પર પ્રભાવની આ થિયરી સાચી હોય તો પણ બહારના કોઈ સ્થળેથી પત્થર પણ હવામાં ઊંચકાઈને આવે, મેચ બોક્સમાંથી દિવાસળી આપોઆપ બહાર નીકળી સળગવા લાગે આવી ઘટનાઓ આશ્ચર્યજનક છે. મનનો જ પ્રભાવ છે તો તે પણ એક રહસ્ય છે.
ભારતમાં આવી રહસ્યમય ઘટનાઓ બનતી રહે છે. 1973માં ‘ફલટન’ શહેરમાં બનેલી ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા આ શહેરમાં વેપારી કિશનચંદ ગુણાના પરિવારમાં તે પોતે, તેના દીકરા, તેમની પત્નીઓ, 12 વર્ષની દીકરી અને દસ વર્ષનો દીકરો પોતાના મકાનમાં રહેતાં હતાં. 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન તેમના ઘરમાં ભેદી ઘટનાઓ બનવા લાગી. ચોથી તારીખે ઘરના મુખ્ય રૂમન દીવાલના ગોખલામાં મૂકેલા ગણપતિજી આગળનું તોરણ સળગી ઊઠ્યું. તે જ સાંજે દીવાલ કબાટમાં મૂકેલાં કપડાંમાં આગ લાગી.
કેવી રીતે આગ લાગે છે તે સમજાતું ન હતું અને પાંચમીએ પણ કબાટમાં મૂકેલા કાગળો સળગી ગયા અને ગાદલાંમા પણ ધુમાડા નીકળવા લાગ્યા. તે પછીના દિવસોમાં પણ કેલેન્ડર, મેલાં કપડાં, ટોવેલ પણ સળગ્યાં. આ પ્રત્યેક ઘટનાઓ સમયે કોઈ એક ચોક્કસ વ્યક્તિની હાજરી હોય તેવું ન હતું. ધરની તમામ વ્યક્તિઓ બહાર હોય તેવા સમયે પણ આવી ઘટનાઓ બની હતી! પુણાથી રસાયણશાસ્ત્રી ડૉ. જોશીને તપાસ માટે બોલાવવામાં આવ્યા. ડૉ. જોશીએ આ આગની ઘટના પાછળ કેરોસીન, અન્ય જ્વલનશીલ પ્રવાહી કે સોડિયમ જેવા કોઈ રસાયણ વપરાયા હોવાની શક્યતા નકારી કાઢી હતી.
આવી ઘટનાઓ કોઈ વ્યક્તિની મનો સ્થિતિથી ભૌતિક વસ્તુઓ પ્રભાવિત થતા આ ઉત્પાત સર્જાય છે તે તર્ક સામે પ્રશ્ન ઊભા કરે છે. મનનો પ્રભાવ ચોક્કસપણે ભૌતિક વસ્તુઓ પર પણ પડે છે પરંતુ તેના પ્રભાવ હેઠળ આવી ઘટનાઓ બને છે તે કહેવું અતિશયોક્તિ છે. કોઈ વસ્તુ સાથે જે તે વ્યક્તિનો ભાવ-લાગણી પ્રગાઢ રીતે જોડાયેલી હોય તો તે ભાવ તે વસ્તુની ઓરાનો હિસ્સો બની જાય છે. ‘મારા તાબૂતને કોઈ હાથ લગાવશે તો તેનું મૃત્યુ થશે.’ આવા ભાવ સાથે મૃત્યુ પામેલા ઈજિપ્તના રાજા રાણીના મમીના તાબૂતને ખોલતા આ વસ્તુ સાથે જોડાયેલો ભાવ જાગૃત થઈ જાય છે. આ ભાવ તે વ્યક્તિના મન અને ભૌતિક વસ્તુઓને અસર કરે છે જેના કારણે ‘શાપિત’ ઘટનાઓ બનવા લાગે છે તેમ સમજી શકાય છે. આત્માના ઉત્પાતની ઘટનાઓમાં મનો પ્રભાવ કારણભૂત હોવાનું અને ‘રિકરંટ સ્પોન્ટેનિયસ સાયકો કાયનેસિસ’ થિયરી આપવામાં આવે છે તો તે જ તર્ક મુજબ આ પણ નકારી ન શકાય.
આ થિયરી મુજબ શાપ કામ કરે તો આશીર્વાદ પણ કામ કરે અને મનના સંકલ્પ દ્વારા વસ્તુઓને અહીંથી તહીં ફેરવી શકાય, પ્રગટ કરી શકાય તે પણ શક્ય છે. આ શક્ય છે પરંતુ મોટા ભાગના ચમત્કાર, અગોચર ઘટનાઓ છેતરપિંડીથી વિશેષ કશું નથી હોતું તે ન ભૂલવું જોઈએ. આપણે ભૌતિક જગતને જેટલું જાણી શક્યા છીએ તેના આધારે નિયમો સમજી જગતને જોવા ટેવાયેલા છીએ.
અદૃશ્ય જગતની તુલનાએ દેખાય છે તે દૃશ્ય જગત ખૂબ અલ્પ છે. આ અદૃશ્ય જગતના પણ નિયમો હશે અને તે સમજવાની દિશામાં હજુ આપણે પગલાંઓ માંડ્યાં છે. ચૈતન્ય અને અગોચર જગત જ્યારે સમજાવા લાગશે ત્યારે ભૌતિક જગત વામણું પુરવાર થઈ જશે તે નિશ્ચિત છે.
Read Original Article →