માય સ્પેસ:ગાલિબના સમકાલીનઃ તમે આમને જાણો છો?
‘હોગા કોઈ ઐસા ભી, જો ગાલિબ કો ન જાને,
શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહોત હૈ’
પોતાના જ વિશે આવું કહી શકે એવો બેબાક અને હિંમતવાળો શાયર એના સમયનો ઈતિહાસ છે એ વાતમાં કોઈ શંકા નથી. એમના શેર માત્ર ભાવનાઓ નથી, વિચાર અને ફિલોસોફી પણ છે. ઉર્દૂ અદબ જેને આદરથી યાદ કરે છે એવા મિર્ઝા ગાલિબ પોતાના સમયમાં ખૂબ પ્રખ્યાત રહ્યા. એમણે પોતાના વિશે એક જગ્યાએ લખ્યું હતું, ‘એક પરબિડિયાં પર માત્ર ગાલિબ-દિલ્હી, લખી દેવામાં આવે તો પણ એ પત્ર મને મળી જશે, કારણ કે મારી ગઝલો કોઠા પર તવાયફ ને રસ્તા પર ફકીર ગાય છે.’
પોતાના સમય પછી પણ એમને ખૂબ આદર મળ્યો, પરંતુ મજાની વાત એ છે કે જ્યારે કોઈ એક શાયર એના સમયમાં પ્રસિદ્ધિ પામે છે, લોકોના દિલો પર રાજ કરે છે ત્યારે એના જ સમયના બીજા શાયરોને એટલી પ્રસિદ્ધિ કે લોકચાહના મળી શકતી નથી. મિર્ઝા અસદઉલ્લાહખાં ગાલિબનો સમય 1797થી 1896નો માનવામાં આવે છે. 17મી અને 18મી સદીમાં જે ઉર્દૂ શાયરી કહેવાઈ એ બધા જ શાયરો એમના સમયના ખુલ્લા દિલ અને દિમાગવાળા શાયરો હતા. એમણે ‘વાઈઝ’ અને ‘મુલ્લા’ જેવા મઝહબના આદરપાત્ર માનવામાં આવતા લોકો સામે પોતાનો વિરોધ નહીં પણ કેટલાંક સત્યો પ્રગટ કર્યાં છે. ધર્મ માણસનો અંગત મામલો છે. એને બજારમાં લાવીને એનો વેપાર કરનારા લોકો પર શાયરાના રીતે પ્રહાર કરનારા શાયરો એ શતકમાં પૂરી શિદ્દતથી પોતાની વાત કહેતા રહ્યા. જેમ કે, એમના જ સમયમાં એક બીજા શાયર મોમિન ખાં મોમિન,
‘શબ જો મસ્જિદ મેં જા ફંસે મોમિન,
રાત કાટી ખુદા ખુદા કર કે
ચલ દિએ સૂ-એ-હરમ કૂ-એ-બુતાં સે મોમિન
જબ દિયા રંજ બુતોં ને તો ખુદા યાદ આયા’
જેમનો સમય 1800થી 1852 માનવામાં આવે છે. એમણે ઈશ્કની તાસીર, દર્દની મીઠાશ અને જીવન વિશેની અનુભૂતિના અનેક શેર કહ્યા. એ ચિકિત્સા વિજ્ઞાનમાં વિદ્વાન હતા, સાથે જ અરબી, ફારસી અને અંગ્રેજી જેવી ભાષાઓ જાણતા હતા. ગાલિબે એકવાર કહ્યું હતું કે, ‘મોમિનનો એક શે’ર મારા આખા દિવાન પર ભારી પડી જાય એટલો અદભુત શાયર છે.’
ઉર્દૂ શાયરીના બાદશાહ કહેવાતા મીર તકી મીર પણ 1723થી 1810ના ગાળામાં ઉર્દૂના એક જબરજસ્ત શાયર છે. કહેવાય છે કે મીરની શાયરી ઉર્દૂ અદબની બુનિયાદ છે. માનવીય જીવનના અનુભવોમાંથી પ્રગટ થતું દર્દ અને જીવનની એકલતાના શે’ર એમની વિશિષ્ટતા છે. એમની પાસે દર્દનું બયાન પણ છે અને એમના શબ્દોમાં મરહમની સાદગી પણ છે. એમને ‘ખુદા-એ-સુખન’ (શાયરીના ખુદા) કહેવામાં આવે છે.
મીરસાહેબ થોડા ઈગોઈસ્ટિક હતા. દુબળા, પાતળા, રંગ ઘઉંવર્ણો અને ભરાવદાર દાઢી રાખતા. પચાસ ગજના ઘેરનો કૂર્તો પહેરતા અને પાઘડી બાંધતા. એમની કમર પર તલવાર રહેતી અને ખિસ્સામાં કલમ. એમણે પોતાના વિશે જ અનેક શે’ર કહ્યા છે. જેમાં પોતે જ પોતાના વખાણ કરતા હોય એવા ઝિન્દાદિલ અને ખુશમિજાજ શે’ર પણ છે.
‘હમ આપ હી કો અપના મકસૂદ જાનતે હૈં
અપને સિવાએ કિસ કો મૌજુદ જાનતે હૈં
ઈજ્જ-ઓ-નિયાજ અપના અપની તરફ હૈ સારા
ઇસ મુશ્તે ખાક કો હમ મસજૂદ માનતે હૈ.’
એ જ સમયના એક અન્ય આદરપાત્ર કવિ એટલે દાગ દેહલવી. (1831થી 1905) એમનું અસલી નામ નવાબ મિર્ઝા ખાન હતું. મુઘલ બાદશાહ બહાદુરશા જફરના દરબારમાં એમનું ખાસ સ્થાન હતું. ઈશ્ક એમની શાયરીની ખાસિયત હતી અને શબ્દોનો રીધમ (રવાની) એમની આવડત. એમને હૈદ્રાબાદના નિઝામના દરબારમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા. એ ત્યાં અપાર સન્માન સાથે થોડો સમય રહ્યા. દાગની ગઝલોમાં ઈશ્ક, પોતાપણું, વિરહ, વાદાખિલાફી (બેવફાઈ), તેવર અને મહેબૂબ સાથેના એમના અનુભવની સુંદર શાયરી મળે છે. એ કેફિયત અને કોલોક્વિયલ (ઝબાનના) શાયર છે. બહુ ઊંડી દાર્શનિકતા ન મળે, પણ જીવનની નાજુક ક્ષણોની અપાર ખુશી દાગની ગઝલોમાં મળે છે. દાગની ગઝલો અનેક જાણીતા ગાયકોએ ગાઈ છે.
‘તુમ્હારે ખત મેં નયા ઈક સલામ કિસ કા થા,
ન થા રકીબ તો આખિર વો નામ કિસ કા થા,
વો કત્લ કર કે મુજે હર કિસી સે પૂછતે હૈં,
યે કામ કિસ ને કિયા હૈ યે કામ કિસ કા થા’
મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફરના ઉસ્તાદ (શિક્ષક) અને રાજકવિ શેખ ઈબ્રાહિમ જ઼ૌક (1789થી 1854) દિલ્હીની શાયરીની પરંપરામાં એક એવું નામ છે જેણે શિષ્ટતા, ઋજુતા અને ભાષાની શુદ્ધતાનો એક નવો આયામ કાયમ કર્યો. એમની પ્રતિભા મહાન હતી. જીવનની ગહેરાઈને એમણે ભાષાની પવિત્રતા સાથે રજૂ કરવાનું કામ પહેલીવાર કર્યું. ઉર્દૂના લય અને વ્યાકરણને સાફ અને મજબૂત કર્યા. એની સાથે સાથે સૂફી પ્રભાવને પોતાની શાયરીમાં આગવી રીતે રજૂ કર્યા. એમના સમયમાં એમને સૌથી વધુ ચર્ચાસ્પદ માનવામાં આવતા હતા. ‘આબ-એ-હયાત’નામના એક પુસ્તકમાં ઉર્દૂના અનેક શાયરોના કિસ્સાઓ લખવામાં આવ્યા છે. જેના લેખક મૌલાના મહોમ્મદ હુસૈન આઝાદે લખ્યું છે કે, જ઼ૌક સાહેબને ગાલિબ માટે ખૂબ ચીડ અને અણગમો હતો, પરંતુ આ કિસ્સાઓ સાચા છે એનો કોઈ પુરાવો મળતો નથી.
ગાલિબ જિંદગીને મજાકમાં ઉડાવી દેનાર એક સહજ વ્યક્તિ હતા. જ્યારે ઈબ્રાહિમ જ઼ૌક સૂફી ફિલસૂફીના અને ગંભીર શાયર હતા. શક્ય છે એમની વચ્ચે મતભેદ રહ્યા હોય. જ઼ૌકની શાયરીમાં સબ્ર અને શુક્રનો સંદેશ મળે છે. એમનો સૌથી જાણીતો શે’રઃ
‘લાઈ હયાત આએ, કજ઼ા લે ચલી ચલે
અપની ખુશી સે આએ ન અપની ખુશી ચલે’
સૈયદ અકબર હુસૈન ઈલાહાબાદ (હવે પ્રયાગરાજ)માં જન્મ્યા હતા, માટે એમને અકબર ઈલાહાબાદી તરીકે ઓળખવામાં આવે છે. એમની શાયરીનો વ્યંગ એ એમની આગવી ઓળખ છે. એમણે ન્યાયાધીશ તરીકે કામ કર્યું, એને કારણે એમની શાયરીમાં શિક્ષા, રાજનીતિ, નૈતિકતા અને સમાજનાં બદલાતાં મૂલ્યો પર તીખી અને રમૂજી ટિપ્પણી મળે છે.
‘કૌમ કે ગમ મેં ડિનર ખાતે હૈં હુક્કામ કે સાથ
રંજ લીડર કો બહુત હૈ મગર આરામ કે સાથ.’
***
‘રકીબોં ને રપટ લિખવાઈ હૈ જા જા કે થાને મેં
કી અકબર નામ લેતા હૈ ખુદા કા ઈસ જમાને મેં’
Read Original Article →