સ્ટ્રેઇટ ડ્રાઇવ:ટેક્સી ડ્રાઇવર ક્રિકેટનો ખેલાડી હતો?

Magazine5/3/2026, 12:50:00 AM
સ્ટ્રેઇટ ડ્રાઇવ:ટેક્સી ડ્રાઇવર ક્રિકેટનો ખેલાડી હતો?
વાત 1990ની છે. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડી રહી હતી.સિરીઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીના રોજ કિંગસ્ટન જમૈકામાં યોજાઇ હતી. આ મેચ બધાના આશ્ચર્ય વચ્ચે ઇંગ્લેન્ડ જીતી ગયું. વેસ્ટ ઇન્ડિઝમાં વિવ રિચાર્ડસ, ગોર્ડન ગ્રીનિજ, ડેસમન્ડ હાઇન્સ અને માલ્કમ માર્શલ જેવા ધરખમ ખેલાડીઓ હોવા છતાં તેનો પરાજય થયો. મેચ પૂરી થઈ ગયા પછી ઇંગ્લેન્ડના બે ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોફ બોયકોટ અને ટોની ગ્રેગ જેઓ આ મેચમાં કોમેન્ટરી આપી રહ્યા હતા. તેમણે સ્ટેડિયમ પાસેથી પોતાની હોટેલ પર પરત આવવા એક ટેક્સી માટે બહાર નીકળ્યા, પણ ત્યારે ટેક્સી ડ્રાઇવરની હડતાલ હોવાથી ટેક્સી ન મળી. તેવામાં એક સજ્જન ગાડી લઈને નીકળ્યા, જેઓ પણ મેચ જોઈને સ્ટેડિયમ બહાર નીકળ્યા હતા. તેઓ બંને ખેલાડીઓને ઓળખી ગયા અને પોતાની કારમાં હોટેલ સુધી લિફ્ટ આપવાની સૌજન્યતા દર્શાવી. જ્યોફ બોયકોટ અને ટોની ગ્રેગ પાસે બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં આથી તેમણે સજ્જનનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. રસ્તામાં બધા વાતોએ વળગ્યા. ઇંગ્લેન્ડે16 વર્ષ બાદ વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ટેસ્ટ જીતી હતી. આથી સ્વાભાવિક રીતે ટોની ગ્રેગ અને જ્યોફ બોયકોટ ખૂબ ખુશ હતા. 1974માં ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે હતું ત્યારે ‘પોર્ટ ઓફ સ્પેઇન’માં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું. યોગાનુયોગ ઇંગ્લેન્ડની જીતના શિલ્પી આ બે જ ખેલાડીઓ જ્યોફ બોયકોટ અને ટોની ગ્રેગ હતા. કાર ચલાવી રહેલા સજ્જન બંનેની વાત ધ્યાનથી સાંભળતા હતા. બોયકોટે ટોની ગ્રેગને કહ્યું, ‘મેં પ્રથમ ઈનિંગમાં 96 રન બનાવ્યા હતા અને બીજી ઈંનિંગમાં 108 રન બનાવ્યા હતા, પણ તેં પહેલી ઇનિંગમાં છ વિકેટ અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી એટલે ‘મેન ઓફ ધી મેચ’ તને મળ્યો.’ આ સાંભળી ટોની ગ્રેગ હસવા લાગ્યા. એટલામાં તેમની હોટેલ આવી ગઈ. બંને ઊતરતા હતા ત્યાં જ કારચાલક સજ્જન બોલ્યા, ‘મિસ્ટર બોયકોટ, તમે 1974ની ‘પોર્ટ ઓફ સ્પેઇન ટેસ્ટ’માં પ્રથમ ઈનિંગમાં 99 અને બીજી ઈનિંગમાં 112 રન બનાવ્યા હતા અને ટોની ગ્રેગે પ્રથમ ઈનિંગમાં છ નહીં આઠ વિકેટ લીધી હતી, જેનાથી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ધરાશયી થઈ ગઈ. આથી જ તેમને ‘મેન ઓફ ધી મેચ’ એવોર્ડ મળ્યો હતો. બંને આ સાંભળી સજ્જનને બોલ્યા તમને કેવી રીતે ખબર? તમે ત્યાં હાજર હતા? સજ્જને શાંતિથી જવાબ આપ્યો, હા, હું મેદાનમાં મિડ ઓન પર ફિલ્ડિંગ કરતો હતો. બંને આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. સજ્જને આગળ જણાવ્યું તમે બંને 1974માં અહીં રમવા આવ્યા ત્યારે હું વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમનો ખેલાડી હતો. પછી તો બોયકોટ અને ગ્રેગ બંને સજ્જનને પોતાની રૂમ પર લઈ ગયા. સરસ ડિનર કરાવ્યું. જૂના સમયના ક્રિકેટની ખૂબ વાતો કરી. મિત્રો, જ્યોફ બાયકોટ અને ટોની ગ્રેગને લિફ્ટ આપનાર આ સજ્જન વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી ઇન્શાન અલી હતા જેઓ લેફ્ટઆર્મ રિસ્ટ સ્પિનર તરીકે વેસ્ટ ઇન્ડિઝ માટે 1971 થી 1977 વચ્ચે 12 ટેસ્ટ રમ્યા હતા.
Read Original Article →