મજાતંત્ર:જેન-ઝી: નવી પેઢીની લેટેસ્ટ અપડેટ

Magazine5/3/2026, 12:50:00 AM
મજાતંત્ર:જેન-ઝી: નવી પેઢીની લેટેસ્ટ અપડેટ
ચેતન પગી હમણાં પેલું બહું ચાલે છે નહીં?’ - એ આપણી એવી ફેવરિટ લાઇન છે જે સમયાંતરે બોલાતી રહે છે. એમાં કપડાંની સ્ટાઇલ, ફિલ્મી સોંગ, સોશિયલ ટ્રેન્ડથી લઈને રીલ સુધીનું ઘણું બધું આવી જાય છે. પ્રિ-વેડિંગ ફોટો શૂટ નવું નવું હતું ત્યારે એના માટે ‘હમણાં પેલું બહું ચાલે છે નહીં?’ બોલવામાં આવતું હતું. આજકાલ આ લાઇન જેન-ઝી માટે બોલવામાં આવી રહી છે. ‘હમણાં પેલું બહું ચાલે છે નહીં?’ ‘શું?’ ‘અરે પેલું...જેન-ઝી’. જાણકારો 1998થી 2012ની વચ્ચે જન્મેલા હોય એમને જેન-ઝી પ્રજાના ખાનામાં મૂકે છે. જન્મવર્ષનો આ ગાળો કોઈ સરકારી ભરતીનો નિયમ નહીં હોવાથી એમાં છૂટછાટ લઈ શકાય છે. પણ ડાયરાનો કલાકાર ‘સોરઠ મુલક કેવો?’ એવું પૂછ્યા પછી રેપ સૉંગની સ્ટાઇલમાં એમની લાક્ષણિકતાની ધડબડાટી બોલાવી દે એ જ રીતે ‘જેન-ઝી એટલે કેવા?’ એના જવાબમાં પણ લાંબી યાદી બને એમ છે. પણ આપણે એક ઉદાહરણ દ્વારા ટૂંકમાં પતાવીએ. 1998 પહેલાં જન્મેલા લોકોને જો અમદાવાદમાં સેટલાઇટથી નરોડા જવું પડ્યું હોય તો ‘બહું લાંબું છે, એક કલાક પહોંચતા થયો.’ અથવા તો કહેશે ‘સત્તર કિલોમીટર દૂર હતું, પહોંચતા બહુ ટાઇમ લાગ્યો.’ એવું કહેશે. જ્યારે જેન-ઝી બોલશે, ‘સખ્ખત દૂર હતું, પહોંચતા મારું આખું પ્લે-લિસ્ટ પૂરું થઈ ગયું.’ આ એવી પેઢી છે જે એવું માને છે કે પ્લે-લિસ્ટ સિવાય આ દુનિયામાં એમનું કોઈ નથી. જોકે, જેન-ઝી હજુ ગુજરાતી બોલે છે એ મોટી રાહત છે. જેન-ઝી એવી પ્રજા છે જે માણસોમાં જ આવતી હોવા છતાં એમને પોતાની પેઢીના માણસો સિવાય એકેયમાં રસ હોતો નથી. એમને લોકલ ધારાસભ્ય કે સાંસદ તો ઠીક સી. એમ.નું નામ પણ ખબર હોતી નથી. પણ હા, જાપાનના ફલાણા માન્ગા કોમિકના ઢીંકણા (કાલ્પનિક) પાત્રની આખી વંશા‌વળી મોઢે હોય છે. એમને આપણા ઈષ્ટદેવમાં ઝાઝો રસ હોતો નથી. એટલે જેન-ઝી પ્રજાએ ઇસ્ટના દેશો (જાપાન, કોરિયા)ના દેવને પોતાના બનાવી લીધા છે. એ અલગ વાત છે કે આપણા ગામડાઓમાં હજુપણ ‘તમે કેવા?’ સવાલના જવાબમાં કોઈ યુવાને ‘જેન-ઝી’ કહ્યું હોય એવું જાણવામાં આવ્યું નથી. સ્વભાવે આ પ્રજાતિ ઘણી ઉદાર હોય છે. સમાનતાની એમની સમજ આપણી કલ્પના બહાર છે. એ છોડના કુંડાને એવું વિચારીને આર. ઓ.નું પાણી નાખશે કે ‘શું છોડ પણ માણસ નથી?’ સારું છે માણસોના આ પ્રકારને દાંત નથી હોતા નહીંતર આ પેઢી એમને બર્ગર પણ ઑફર કરી દે, ખાતર ધારીને. તેઓ ઊંચ-નીચમાં માનતા નથી. હા, સ્ક્રોલ અપ-ડાઉન વગર એમને ચાલશે નહીં. પોતાના ફ્રેન્ડ સર્કલમાં તેઓ ઊકળતા તેલમાં નખાયેલા પાપડની જેમ ખીલીને ફેલાઈ જશે પણ પોતાના મમ્મી-પપ્પા સાથે વાતચીત એમને સીબીઆઇ દ્વારા થતી સૂલટતપાસ જેવી લાગે છે. આમ પણ મૉમ-ડેડની આજની પેઢીને પણ KYK (નૉ યૉર કિડ્સ) કરતાં બેન્કના KYCની વધારે ચિંતા હોય છે. જેન-ઝી બોલે ઓછું અને ટાઇપ વધારે કરે છે. બાજુના રૂમમાં સોફા પર ફેલાયેલા જેન-ઝી દીકરાને તમે સાદ દેશો તો એ જવાબ નહીં આપે એવું બનશે. પણ જો તમે એને ‘ઇન્સ્ટાગ્રામ’ પર ચેટમાં કંઇક કહેશો તો તરત ‘રિસ્પોન્ડ’ કરશે એ પણ સ્માઇલી સાથે. તેઓ ભલે સ્કૂલ કે કોલેજ જાય છે પણ ‘ઇન્સ્ટાગ્રામ’, ‘યૂ-ટ્યુબ’ જેવાં પ્લેટફોર્મ્સ તેમના માટે ખરા ક્લાસરૂમ છે. એમની દુનિયા અલગોરિધમ નામની અવળચંડી વ્યવસ્થાથી દોરવાયેલી હોય છે. આ એવી પ્રજા છે જે શ્વાસ ઑફલાઇન લે છે પણ તેમનું અસ્તિત્વ ઑનલાઇન ટકેલું હોય છે. એમને હવે મમ્મીના હાથની રસોઈ કરતા મમ્મીના હાથે ઓર્ડર કરેલાં પાસ્તા, મેક્રોની, વૉફલ ટાઇપની વસ્તુઓ વધુ માફક આવે છે. જ્યારે પણ જીવતા માણસોનું એક જૂથ તૈયાર થાય એટલે એ તરત એમના માટે ‘બજાર’ બની જાય છે. ક્યારેક ‘વર્કિંગ વુમન’ તો ક્યારેક ‘પ્રી-કેજીનાં બાળકો’ બજારનું સ્વરૂપ ધારણ કરે છે. એ જ ‘જેન-ઝી’ પણ એમના માટે તૈયાર માર્કેટ બની જાય છે જેમાં આ પેઢીનાં બચ્ચાંને ગમે એવી પ્રૉડક્ટ ‘હમણાં પેલું બહું ચાલે છે નહીં?’ નામે વેચી શકાય. પણ એક મિનિટ. નવી પેઢી તો જૂના વખતમાં પણ હતી તો ત્યારે ‘જેન-ઝી’ જેવું કશું નહોતું? તો આ કોયડાનો ઉકેલ એ છે કે ‘જેન-ઝી’ એ માર્કેટ માટે તૈયાર કરવામાં આવેલી નવી પેઢી છે. થઈ ટ્યૂબલાઇટ?
Read Original Article →