ગાંધી યુગ દરમિયાનની કૃતિ:ગાંધી યુગનું સાહિત્ય સર્જન
મહાત્મા ગાંધી એક સારા વાચક અને સારા લેખક પણ હતા. ગાંધીયુગમાં અનેક સમર્થ સાહિત્યકારો થઈ ગયા. ગાંધી યુગ દરમિયાન મધ્ય યુગની કૃતિઓનાં મૂલગામી અને વ્યવસ્થિત સંપાદન થયાં. આ કાર્યમાં સર્વપ્રથમ એકલવીર ડો. શિવલાલ જેસલપુરાનો ઉલ્લેખ કરવો જ પડે.
ડો.શિવલાલ જેસલપુરાએ એકલે હાથે અખાની સમગ્ર કૃતિઓ, નરસિંહ મહેતાના સાહિત્ય, પ્રેમાનંદના સમગ્ર સાહિત્યનું સંપાદન કર્યુ હતું. ડો. બહેચર પટેલે સારંગદાસના ‘બારમાસ’, નરભેરામનાં ‘અંબરિષનાં પદો’, ‘રણછોડનાં પદો’ કાશીસુત શેઘજી-કૃત 'રુક્મિણીહરણ’ જેવા અપ્રગટ કે ઓછા જાણીતા સાહિત્યનું સંપાદન કર્યુ હતું.
મૂનિ જિનવિજયજીએ સંખ્યાબંધ જૈનકૃતિઓનું સંપાદન કર્યુ. એમાં અબ્દુલ રહેમાન કૃત- ‘સંદેશરાસક’ ખાસ નોંધપાત્ર ગણી શકાય. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યનું ભવ્ય સંપાદન કર્યુ એ તો જાણીતી વાત છે. કેશવરામ કા. શાસ્ત્રી( કે. કા. શાસ્ત્રી)એ સંખ્યાબંધ પ્રાચીન-મધ્યકાલીન કૃતિઓનાં મૂલગામી સંપાદન કર્યા. તેમાં ભાલણ કૃત ‘કાદંબરી’ , ‘નળાખ્યાન’, દયારામ લિખિત ‘રસિક વલ્લભ’, ‘મહાભારતના પર્વો’ જેવા ઉત્તમ સાહિત્યનો સમાવેશ થાય છે.
ઉમાશંકર જોષી સંપાદિત ‘અખાના છપ્પા’, ‘અખેગીતા’, પ્રેમાનંદ લિખિત ‘દશમસ્કંધ’ ઉલ્લેખનીય છે.
હીરાબેન પાઠકે ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા’ સંપાદિત કરી. ડો. હરિવલ્લભ ભાયાણીએ ‘મદનમોહના’, ‘સિહાંસન બત્રીશી’, ‘પ્રાચીન ગુર્જર કાવ્ય’ જેવી કૃતિઓનું સંપાદન કરવાનું ઘણુંમોટું અને ઉત્તમ કાર્ય કરેલું ગણાય.
ટૂંકમાં, ગાંધી યુગમાં ઘણાં શિષ્ટ સાહિત્યની રચના પણ થઈ અને મધ્ય યુગના ઉત્તમ સાહિત્યનું સંપાદન પણ થયું.
- નૈતિક ઓઝા
Read Original Article →