અમલપિયાલી:રોકી લેવાની મથામણ અને મુક્ત થઈ જવાની તાલાવેલી

Magazine4/12/2026, 12:50:00 AM
અમલપિયાલી:રોકી લેવાની મથામણ અને મુક્ત થઈ જવાની તાલાવેલી
વિનોદ જોશી ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે : ક્યાં હાલ્યાં? ઓઢણીએ કીધું કે : ઊડવા.... - રમેશ પારેખ ખીંટી કશું પૂછે નહીં અને ઓઢણી કોઈ ઉત્તર આપે નહીં તે આપણે જાણતાં હોવા છતાં આ પંક્તિઓ આપણને રોમાંચિત કરે છે. કોઇની વાત કોઈનાં શિરે ઓઢાડીને કરવાની એક પ્રયુક્તિ કાવ્યમાં પણ હોય છે. કાવ્યના શાસ્ત્રીઓ તેને અન્યોક્તિ કહે છે. અન્ય માટે જે કહેવાયું હોય તેનું જ્યાં લાગુ પડતું હોય ત્યાં આરોપણ કરી દઈને વાત ઉકેલવાની હોય ત્યારે તે ઉકેલનારની કસોટી થઈ જાય છે. અહીં કવિ ખીંટી અને ઓઢણી નિમિત્તે કોઈ વાત માંડે છે. પણ એ વાત છે તો કોઈક અન્યની. ખીંટીનું વાસ્તવ એ છે કે જ્યાં ખોડાઈ હોય ત્યાંથી તે ખસી શકતી નથી. લાકડાનો એ ટુકડો ભીંતમાં ખોડાયો તે પૂર્વે તો કોઈ વૃક્ષની ડાળીનો એક ભાગ હશે. તેના પર બેસીને પંખીઓ ટહુકતાં હશે. એ કલરવ સાંભળતાં સાંભળતાં જ એણે એક દિવસ સુકાઈ જવું પડ્યું હશે. પછી પંખીઓ ઊડી ગયાં હશે અને પોતે કપાઈ જવું પડ્યું હશે અને પછી કોઈક દીવાલની ખીંટી બની ખોડાઈ જવું પડ્યું હશે. રોજ રોજ પંખી ઝુલાવનાર ડાળ આમ એક દિવસ પોતાની જગ્યાએથી ખસી ન શકતી ખીંટી બની જાય છે. આ ખીંટી પર ટાંગેલી ઓઢણીને સરકી જતી જોઈ અહીં ખીંટી પૂછી રહી છે, `ક્યાં હાલ્યાં?’ ખીંટીએ હજી તો ઓઢણીની પોતાના પરથી સરકવાની ક્રિયા જ જોઈ છે, પણ ઓઢણી તો તેનાંથી પણ આગળનો ઉત્તર આપે છે અને બિન્દાસ્ત કહી દે છે કે `ઊડવા..’ ખીંટી સ્થિર છે, પણ ઓઢણી તો મુક્ત છે. એ ઊડીને ક્યાં જાય તેની ખીંટીને જાણે ચિંતા છે! એને ઓઢણી ક્યાં જઈ રહી છે તે જાણવું જરૂરી લાગ્યું છે. એ ઊડતી ઊડતી કોઈ જગ્યાએ ફસાઈ જાય તો? શિખામણ, સૂચના કે આદેશ આપવા માટે તૈયાર થયેલી ખીંટીને ઓઢણી ગાંઠે તેમ નથી. એણે તો પોતાનો ઊડવાનો મનસૂબો જાહેર કરી દીધો છે. અનુભવી ખીંટી જાણે છે કે પોતે ઓઢણીની જેમ ભલે ખસી શકતી નથી. પણ દિવાલમાં પોતે સલામત છે. પોતે વસ્ત્રોને આધાર પણ આપી શકે છે. ઓઢણીનો તો કોઈ નેઠો નથી. એ તો ઊડવા નીકળી પડી છે. એ રંગબેરંગી પણ હશે. તેથી કોઇની પણ નજરમાં તે આવી જઈ શકે. વળી તે ગમે ત્યાં સરકી પડે તેવી છે. ખીંટીની આ ચિંતા `ક્યાં હાલ્યાં?’ એ પ્રશ્નમાં ડોકિયું કરે છે. વૃક્ષનો હિસ્સો હતી ત્યારે આ ખીંટી અનેક ઋતુઓના અનુભવોમાંથી પસાર થઈ છે. હવે એ સુસ્થિર છે. પરિપક્વ છે તેથી આડેધડ અને અનિયંત્રિતપણે ઊડવા ધસી નીકળેલી ઓઢણીને તે જે પૂછે છે તેમાં તેને રોકી લેવાનો પ્રયાસ દેખાય છે. પણ આ ઓઢણી ખીંટી પરથી ઊડી કેમ તેવો પ્રશ્ન પણ થાય. તેનો સીધો સાદો ઉત્તર તો એ છે કે પવન આવ્યો હશે તેથી તે ઊડી હશે. પવન તો કોઈને દેખાતો નથી. કોઈ છાનુંછપનું પોતાના આશ્રયે રહેલી ઓઢણીને આમ ઊડાડી જાય તો સવાલ તો થાય જ ને? પણ ખીંટીની મજબૂરી એ છે કે પોતે દીવાલ પરથી નીચે ઊતરી ઓઢણીની પાછળ જઈ શકતી નથી અને ઓઢણીને એ અનુકૂળતા છે કે પવન કોઈને દેખાતો નથી એટલે પોતે કોની સાથે ઊડીને જઈ રહી છે તે પોતે છુપાવી શકે છે. એક તરફ રોકી લેવાની મથામણ છે તો બીજી બાજુ મુક્ત થઈ જવાની તાલાવેલી. એકને અનેક અનુભવો પછી દિવાલ જેવો નક્કર આધાર મળ્યો છે તો અન્યને પવન જેવો નિરાધાર અને અદીઠ સંગ. ઓઢણી તો બિનઅનુભવી છે તેમ માનીને તેને રોકતી ખીંટીનું સત્ય વ્યવહારજગતનું સત્ય બનીને અહીં કાવ્યપંક્તિરૂપે આપણી સામે ઊઘડે છે. પણ જોવાનું તો એ છે કે દિવાલ આપણી બનાવેલી છે, જ્યારે પવન તો પ્રકૃતિનો હિસ્સો છે. બંધન અને મુક્તિની મીમાંસા કવિએ દિવાલ અને પવનનું નામ પાડ્યા વગર અહીં સમજાવી દીધી છે. એકમાં બંધન છે, અન્યમાં મુક્તિ છે. વ્યવહારજગત રોકે છે અને પ્રકૃતિ ઊડી જવા લલચાવે છે. આ બંનેમાં જીત કોની થાય તે મુદ્દો સહુનો પોતપોતાનો છે. આપણા એક લોકગીતની પંક્તિ છે: તમે કિયા તે ગામનાં ગોરી, રાજ! અચકોમચકો કારેલી... અહીં અચકાતી મચકાતી ચાલે સજધજ કરીને કોઈને મળવા નીકળી પડેલી અભિસારિકા યૌવનાને `ક્યાં રે, અલી? એવું પૂછનાર કોઈક છે જ. આપણે `કારેલી’માં અટવાયેલાં રહીશું તો આ પંક્તિનો મર્મ નહીં પકડાય. એવું જ અહીં ખીંટી અને ઓઢણીનું સમજવું. અંતે આપણને સવાલ તો એવો પણ થાય કે વૃક્ષત્વ ગુમાવી બેઠેલી ખીંટી ઓઢણીને ઊડતાં શા માટે રોકતી હશે? ઊડવા દેવી જોઈએ, તેને જ્યાં ઊડવું હોય ત્યાં! ખરું કે નહીં ?
Read Original Article →