માય સ્પેસ:ભુલાતી જતી ભારતીય રમતો
એક જમાનામાં વેકેશનમાં મામાને ઘરે જવાનું અજબ જેવું આકર્ષણ હતું. બાળકો મોસાળ જાય, મમ્મી પિયરમાં આરામ કરે અને મામા-ફોઈના છોકરાંઓ વચ્ચે એક મજાનું બોન્ડ ઊભું થાય. કેરી ખાવાની, સરસ મજાનું ભોજન જમવાનું, નાનીમા પાસે વાર્તાઓ સાંભળવાની ને સાંજ પડે નજીકના બગીચામાં, તળાવ કિનારે ફરવા જવાનું! રાત પડે ત્યારે, આકાશમાં તારાઓ હોય, ધાબે ઠંડી પથારીઓ હોય, પાણીની ઢોચકી ભરી હોય, કે પછી હીંચકો ધીમે ધીમે હાલતો હોય, દાદા કે દાદીના ખોળામાં માથું મૂકીને સૂતેલા બાળકની આંખો ઘેરાતી હોય અને દાદા કે દાદીના થોડા ધ્રૂજતા, કદાચ બેસૂરા અવાજમાં, ‘નીંદર ભરી રે ગુલાલે ભરી…’ સાંભળવાનો મોકો આપણાં સંતાનોને નથી મળ્યો.
ક્યારેક શાંતિથી વિચારીએ તો સમજાય છે કે, આ વિભક્ત કુટુંબો, પ્રાઈવસીના નામે કહેવાતી એકલતા અને ખોવાતાં જતાં હાલરડાંઓએ આપણા બાળક પાસેથી કેટલું બધું છીનવી લીધું છે! શબ્દોની ઓળખાણ બાળકને લગભગ એ પારણામાં હોય ત્યારથી જ થઈ જાય છે. હાલરડાંમાં વપરાતા શબ્દો બાળકને એની માતૃભાષા શીખવાડે છે. વાર્તાઓમાં આવતાં પ્રાણીઓનાં ચરિત્રો એમને મોરલ ઓફ ધ સ્ટોરી આપોઆપ શીખવી જાય છે. રામાયણ-મહાભારતની કથાઓ કે વેદોનું-પુરાણોનું જ્ઞાન કોઈ ઝાઝી મહેનત વિના જ વાર્તાઓમાંથી મળે છે, પરંતુ નવી પેઢીને આ લાભ હવે મળતો નથી. એ. આઈ.થી બનાવેલી રીલ્સની કથાઓ કેટલી સાચી-કેટલી ખોટી એનું કોઈ પ્રમાણપત્ર નથી.
આજે, બધું જ સેલફોનમાં સમાઈ ગયું છે. કદાચ, જૂની પેઢીને યાદ હોય તો બોર્ડ ગેમ્સ રમવાની વેકેશનમાં ખૂબ મજા આવતી. વ્યાપાર, સાપસીડી, ચોપાટ અને કોડીની રમતો સાથે ઉજવાતી બપોર આજનાં બાળકો આજે ફોન પર રમે છે, એમાંથી કેટલીક રમતો જુગાર તરીકે પણ રમાય છે ત્યારે, આ સાપસીડી કે ચોપાટની રમતોનું ઓરિજિન શું હતું-એ ક્યાંથી શોધાઈ અને કેવી રીતે શરૂ થઈ એ જાણવું રસપ્રદ બની રહેશે.
તેરમી સદીની આસપાસ હિન્દુ જૈન શિક્ષકો દ્વારા સાપસીડીની રમત બનાવવામાં આવી. એનું મૂળ નામ ‘મોક્ષપટમ્’ અથવા ‘જ્ઞાનચોપડ’ હતું. એ સમયે આ રમત માત્ર મનોરંજન માટે નહોતી. આ રમત રમતી વખતે વ્યક્તિને જીવનના મોરલ અથવા ધાર્મિક અને નૈતિક બાબતો શીખવવાનો પણ પ્રયત્ન કરવામાં આવતો હતો. ‘સાપ’ એટલે અવગુણો જેમ કે, અહંકાર, કપટ, જૂઠ, લોભ અને મોહ... ‘સીડી’ એટલે સારા ગુણો. વિનમ્રતા, ભક્તિ, કરુણા અને સત્ય... જ્યારે જ્યારે સીડી ઉપર લઈ જાય ત્યારે એમાં લખેલા સદગુણોથી માણસ (બાળક પણ) સમજી શકે કે સદગુણો વ્યક્તિને ઉપરની તરફ લઈ જાય છે. જ્યારે સાપના મોઢે, અહંકાર ઉપર પગ મૂકવાથી વ્યક્તિનું પતન થાય છે. એ પણ અહીં શીખવા મળતું હતું કે, જીવનમાં ઊંચાઈ મેળવવા માટે એક એક પગથિયું ચઢવું પડે છે જ્યારે પતન સડસડાટ આવે છે...
એવી જ રીતે ચોપાટ, ચૌપડ જેવી રમત પણ મહાભારતના સમયથી ચાલી આવતી અત્યંત પ્રાચીન રમત છે. પાંડવ, કૌરવ જે જુગાર રમ્યા એ આ ‘ચોપાટ’ છે. અહીં ભાગ્ય અને બુદ્ધિ બંને જરૂરી છે. કોઠી કે પાસો કદાચ ભાગ્યથી આંકડા બતાવે, પરંતુ ગોટી ક્યાં અને કંઈ રીતે ચલાવવી એમાં બુદ્ધિની જરૂર પડે છે. એ સમયથી જ ચોપાટ પર જુગાર પણ રમી શકાતો. ચોપાટની રમતમાં રાજકારણ અને કુટનીતિનું શિક્ષણ મળતું. ગોટી બચાવવી, મારવી, આગળ વધારવી કે સમય પૂરતા ત્યાં જ અટકી જવું આ બધું રાજનીતિ અને જીવન સાથે જોડાયેલું જ્ઞાન હતું. મોટામોટા રાજકુમારોને ચોપાટ શીખવવા માટે ખાસ શિક્ષકો રાખવામાં આવતા. રાજનીતિના નિયમો, એક રાજાની ફરજો અને અધિકારો વિશે પણ આ રમતની સાથે જ શીખવવામાં આવતા.
શતરંજ અથવા ચેસનું મૂળ ભારતીય ‘ચતુરંગ’માં છે. હાથી, ઘોડા, રથ અને પગે ચાલતા સૈનિકો... મૂળ આ ચાર પ્રકારના પ્યાદાં હતા જેમાં રથમાંથી ઊંટ બનાવવામાં આવ્યા (મોગલોએ આ ફેરફાર કર્યો કારણ કે ઊંટ એમને માટે બહુ મહત્ત્વનું પ્રાણી હતું) શતરંજ શીખવે છે કે રાજા ઘેરાય તો હાર થઈ જાય, એટલે રાજા મહત્ત્વનો છે, પણ સૌથી શક્તિશાળી નથી. શતરંજમાં નાનકડો સૈનિક પણ આખી રમત બદલી શકે તો બીજી તરફ ઉતાવળે રમત રમવાથી સો ટકા હાર થાય. લાંબુ વિચારીને, સામેવાળો શું રમશે એની પણ જેને કલ્પના આવી શકે એ જ શતરંજનો ઉત્તમ ખેલાડી બની શકે. શતરંજની રમતમાં સામેવાળાની ચાલ સમજીને, એનું મન કે મગજ વાંચીને રમત રમવાની કળા માણસને પોતાના જીવનમાં કઈ રીતે વર્તવું એ શિખવાડે છે.
રોજેરોજની જિંદગીમાં આપણે જે રીતે જીવીએ છીએ એમાં રમવી પડતી રમતોમાં શતરંજ આપણને આપણાં પ્યાદાં કઈ રીતે બચાવવા, અને જરૂર પડે ત્યારે અન્યના પ્યાદાં કઈ રીતે મારવાં એ બંનેનું શિક્ષણ આપે છે. જે માણસ ગુસ્સામાં અને ઉતાવળે નિર્ણય કરે છે એ શતરંજનો ખરાબ ખેલાડી પુરવાર થાય છે જ્યારે સમય લઈને સામેની વ્યક્તિની માનસિકતા સમજીને ચાલ ચાલતો માણસ હંમેશાં યોગ્ય પગલાં ભરી શકે છે એ શતરંજમાંથી શીખવા મળે છે.
જૈન અને બૌદ્ધ પરંપરામાં અષ્ટાપદનું મહત્ત્વ હતું. માનવામાં આવે છે કે અષ્ટાપદ જીવનને યાત્રા માનતી રમત છે. એક બોર્ડ ગેમ તરીકે અહીં નિયમ અને સંયમનું શિક્ષણ મળે છે. દરેક પગલું કર્મ છે અને અંતિમ ગંતવ્ય આત્મજ્ઞાન છે એ વાત અષ્ટાપદ શીખવે છે. જાગૃતિ જ આ રમતનું મુખ્ય ધ્યેય છે, એમ જૈન અને બૌદ્ધ પરંપરાની દૃઢ માન્યતા હતી. રમતની સાથે સાથે કર્મની અવેરનેસ-અને, યોગ્ય-અયોગ્યની સમજણ અષ્ટાપદનું મુખ્ય ધ્યેય છે.
ગંજીપા અથવા ગંજીફા તરીકે ઓળખાતી કાર્ડ ગેમ મોગલ અને રાજવી સંસ્કૃતિમાં લોકપ્રિય હતી. સૂફી સંતોએ ગંજીપાને જીવનના ભ્રમ સાથે સરખાવ્યા છે. ગંજીપા અથવા કાર્ડની રમત શીખવે છે કે સત્તા અને પૈસા ક્ષણિક છે. આપણે અનેકવાર સાંભળેલી કહેવતમાં એક, ‘પાનું ક્યારે પલટાઈ જાય એની ખબર ન પડે...’ ગંજીપાની રમત પરથી આવેલી હોવી જોઈએ. સામેવાળો જોઈતું પત્તું ન આપે, કે આપણે કોઈનું પત્તું દબાવી રાખીએ એથી હાર કે જીત થતી નથી બલ્કે, પત્તું ન મળે તો અટકી જવાને બદલે સમય વર્તીને બાજી બદલી નાખવામાં ડહાપણ છે, એ વાત આપણને ગંજીપા અથવા કાર્ડ ગેમમાંથી શીખવા મળે છે.
ટૂંકમાં, જૂની ભારતીય રમતો નસીબના મહત્ત્વની સાથે, મનોરંજન પણ હતી. સાથે સાથે બુદ્ધિ, કર્મ અને વિચારવાની મહત્તા પણ શીખવતી હતી. જીતવા માટે ન રમવું, બલ્કે જીવતાં શીખવું એ આપણી જૂની રમતોનો સંદેશ હતો. }
Read Original Article →