માય સ્પેસ:ફૂડ પોઈઝનિંગઃ હવે તો ફૂડ જ પોઈઝન છે

Magazine4/12/2026, 12:50:00 AM
માય સ્પેસ:ફૂડ પોઈઝનિંગઃ હવે તો ફૂડ જ પોઈઝન છે
ફૂડ પોઈઝનિંગથી મૃત્યુનું પ્રમાણ વધે છે. 2024-25માં આખા રાજ્યમાં 15 હજારથી વધારે કેસ દર વર્ષે ફૂડ અને વોટર ઈન્ફેક્શનથી હોસ્પિટલમાં એડમિટ થાય છે. સામાન્ય ડૉક્ટર (જનરલ પ્રેક્ટિશનર) પાસે આવતા કેસીસનો આંકડો ચોંકાવી દે એવો, ત્રણ લાખથી વધુ છે! જુદાં જુદાં નામે, ગેસ્ટ્રો, ડાયેરિયા, ટાઈફોઈડ અને વોમિટિંગના આ કેસીસ સાદી દવાથી મટી તો જાય છે, પરંતુ અમીબા અને બેક્ટેરિયાના અંશ મોટા ભાગના દર્દીઓના પેટમાંથી સંપૂર્ણપણે નાબૂદ થતા નથી. જાણીને નવાઈ લાગે, પરંતુ અમદાવાદમાં 2025 દરમિયાન 1500 કિલો કન્ટેમિનેટેડ-બગડી ગયેલું પનીર જપ્ત કરવામાં આવ્યું. 60 હજાર કિલો મસાલા અને 35 ટન નકલી ઘી પકડવામાં આવ્યું. રાજ્યવ્યાપી ડ્રાઈવમાં લગભગ 400 ટન શંકાસ્પદ ફૂડ પકડાયું જેમાંથી 233 ટનનો નાશ કરવામાં આવ્યો (બાકીના ફૂડનું શું થયું?) ઉત્સવ, લગ્ન સમારંભ અને મંદિરોના ઉત્સવમાં ખૂબ લોકો બીમાર પડે છે. ગરમીમાં કેરીનો રસ, પનીર, બાસુંદી જેવી આઈટમ ઝડપથી બગડે છે. અનેક લોકો જમવાના હોય ત્યારે ખાવાનું વહેલું બનાવવાનું શરૂ કરવામાં આવે છે. આખી રાત ભોજન બનાવવામાં આવે અને છેક બીજા દિવસે બપોર સુધી એ ભોજન પીરસવામાં આવે ત્યારે મોટા ભાગનું ભોજન બગડી જવાની મહત્તમ સંભાવના રહેલી છે. કમ્યુનિટી-સામાજિક સમારંભોમાં ખાઈને લોકો માંદા પડે એના કિસ્સા ઉનાળામાં આપણે સાંભળતા રહીએ છીએ તેમ છતાં એનાથી ચેતવાને બદલે મફત ભોજન આપણને આકર્ષે છે! માત્ર આવા સમારંભ કે ઉત્સવમાં જ નહીં, બલ્કે સારી રેસ્ટોરાંમાં અને રસ્તા પરની લારીઓમાં પણ આવું નકલી અને બગડી ગયેલું ભોજન પીરસવામાં આવે છે. પનીર, ઘી, દૂધની માગ વધતી જાય છે જેની સામે ચોખ્ખા ઘી કે સારા પનીરનો સપ્લાય એટલો નથી. એટલે મિલાવટ વધે છે. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, રસ્તા પરની લારીઓ નાની, રેસ્ટોરાંમાં મોનિટરિંગ શક્ય નથી. લોકોને સસ્તું જોઈએ છે-કારણ કે, બહાર ખાવું છે પણ બજેટ ઓછું છે. આવા કિસ્સાઓમાં મિલાવટવાળી વસ્તુઓ અને બગડેલું ભોજન ઝડપથી વેચાય છે. આવા ભોજનને કારણે મહિલાઓમાં એનિમિયા, સ્કિન ડિસીઝ, બાળકોમાં હોર્મોનલ સમસ્યાઓ, પેટના કેન્સર, લિવર પર સોજો, કિડની અને લિવર ફેલિયર, હાર્ટ બ્લોકેજ સહિત નર્વસ સિસ્ટમ ડેમેજ થવા સુધીના પ્રશ્નો સર્જાઈ શકે છે. સૌથી મોટો ખતરો ઈન્સ્ટન્ટ પોઈઝનિંગ કરતાં વધારે સ્લો પોઈઝનિંગનો છે. નાના ગામમાંથી શહેરમાં નોકરી કરવા આવનારા લોકો બેચલર્સ, યંગ ગર્લ્સ એકલાં રહે છે. વ્યવસાય કે નોકરી કરતાં દંપતી સામાન્ય રીતે એપ ઉપર ફૂડ ઓર્ડર કરવા ટેવાઈ જાય છે. ઓફિસમાં ટિફિન નહીં લઈ જતા યુવાનો બહારથી ભોજન ઓર્ડર કરે છે. આ બધી પરિસ્થિતિમાં સસ્તું અને સ્વાદિષ્ટ ભોજન શોધવાની પ્રવૃત્તિ અંતે સ્લો પોઈઝનિંગ તરફ દોરી જાય છે. યુવા પેઢીને થતા હાર્ટ એટેક, નાની ઉંમરે વધુ કોલેસ્ટરોલ, બ્લડપ્રેશર અને અવારનવાર સાંભળવા મળતા લિવર પરના સોજા જેવા અનેક પ્રશ્નોમાં બહારનું ભોજન જ કારણભૂત છે. વિચારીએ તો સમજાય કે, આપણે ઘરમાં ખાવાનું બનાવીએ એનો રંગ, સ્વાદ અને ટેબલ પર પહોંચવાની ઝડપ બધું જ એપ પર આવતા ભોજન કરતાં જુદું કેમ છે? 10 મિનિટમાં મળતી પાંઉભાજી કે 30 મિનિટમાં બનીને આપણા સુધી પહોંચતા પિત્ઝાની ક્વોલિટી કેવી હોઈ શકે? આયુર્વેદમાં ખાંડ, મેંદો, સોડા, લીંબુનાં ફૂલ અને મીઠું, આ પાંચ સફેદ ઝેર કહેવાય છે. બહારના ભોજનમાં આ પાંચેય વસ્તુઓ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતી થાળીની રેસ્ટોરાંમાં આટલા બધા લોકો માટે બનાવવામાં આવતું કઠોળ ઘરના ભોજનની જેમ ધીમા તાપે કુકરમાં પૂરતી સીટી વગાડીને બનાવવામાં નહીં જ આવતું હોય એ વાત કોઈને પણ સમજાય! બનાવી રાખેલા પિત્ઝાના તૈયાર બ્રેડ કે ફ્રીઝ કરેલાં સમોસાં, રોલ્સ જેવી વસ્તુઓને ફક્ત માઈક્રોવેવમાં ગરમ કરીને આપણા સુધી પહોંચાડી દેવાય છે. ‘ઘઉં’ની કહેવાતી વસ્તુઓમાં મેંદો અને યિસ્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે... મેંદો આંતરડાંમાં ચોંટી જાય અને યિસ્ટને કારણે લિવર ફંકશન પર ઊંડી અસર થાય છે. ખમણ અને ગાંઠિયામાં ભેળવવામાં આવતો સોડા કે ખમણ પર છાંટવામાં આવતી ખટાશમાં ભેળવવામાં આવતાં લીંબુનાં ફૂલ પાચનના અવયવોમાં અલ્સર અને કાણાં પાડી દેવા સુધીની આડઅસર કરે છે. બહારના ફરસાણનું તેલ કેટલીવાર ગરમ થાય છે? ચાઈનીઝ લારી પર બનાવવામાં આવતા ભોજનમાં અજીનોમોટો અને બીજા ચાઈનીઝ મસાલા વપરાય છે. સસ્તા અને સડેલાં શાકભાજી જ એમને પોષાય એ સ્વાભાવિક છે. લગભગ કાળાં થઈ ગયેલાં તેલમાં તળાતાં ભજિયાં, દાળવડાં કે વેફર આપણે સ્વાદથી ખાઈએ છીએ, પરંતુ પામોલિન જેટલીવાર ગરમ થાય એટલીવાર એનામાં ઝેરી પદાર્થોનું પ્રમાણ વધતું જાય છે. લાલ મરચાના પાઉડરમાં ઈંટનો ભુક્કો, લાકડાંનો ભુક્કો અને ખતરનાક કેમિકલ રંગ ભેળવાય છે. આપણને લાલ મરચાંના રંગની લાલચ આપવામાં આવે છે, બહારના ભોજનનો રંગ લાલચટક હોય, કારણ કે એમાં આવા જ સસ્તા અને કેમિકલયુક્ત મસાલા હોય છે. પામઓઈલ, ડિટરજન્ટ પાઉડર અને સ્ટાર્ચ નાખીને પનીર બનાવવામાં આવે છે. વનસ્પતિ ઘી, પામઓઈલ અને સુગંધ નાખીને દેશી ઘીના નામે આપણને ફક્ત ઝેર વેચવામાં આવે છે. ન માની શકાય, પરંતુ યુરિયા ડિટરજન્ટ પાઉડર, સ્ટાર્ચ અને થોડું તેલ સાથે પાણી ભેળવીને નકલી દૂધ બનાવાય છે. સીસું અને ચોક પાઉડર મેળવીને હળદર બનાવાય છે. જોકે, આ બધામાં સૌથી મોટો ખતરો કેમિકલ રંગો દ્વારા બનાવવામાં આવતા મસાલાથી રહેલો છે. સાથે સાથે પાણી પણ ઘણા સમયથી દૂષિત થવા લાગ્યું છે. ગટરની લાઈનો ભળી જાય, એ કદાચ સરકાર કે કોર્પોરેશનની ક્ષતિ હોઈ શકે, પરંતુ પાઉચમાં ભરવામાં આવતું પાણી, કે બોટલમાં વેચાતું પાણી દરેક વખતે ચોખ્ખું કે શુદ્ધ નથી હોતું. વાપરેલી બોટલને રિયુઝમાં લઈને નળનું પાણી ભરીને એહડેસિવથી ઢાંકણું ચીપકાવી દેવામાં આવે છે. ખરીદનાર ગ્રાહક એમ જ માને છે કે, એ શુદ્ધ-બોટલ્ડ પાણી ખરીદી રહ્યા છે, પરંતુ એ પાણી પણ અશુદ્ધ હોય છે. આજના સમયમાં હવે માત્ર ખોરાકનો પ્રશ્ન નથી રહ્યો, પણ એ આરોગ્ય અને વિશ્વાસનો પ્રશ્ન બની ગયો છે. આપણા બાળકોને આપણે ભલે મહિને એક જ વાર બહાર ખવડાવીએ, પરંતુ સસ્તું શોધવાને બદલે સારી અને વિશ્વાસપાત્ર જગ્યાએ જવું જોઈએ. કોઈને આજે બીમારી લાગું નહીં પડે, પરંતુ જે રીતે હાર્ટએટેક, હોર્મોનલ સમસ્યાઓ કે કેન્સર વધી રહ્યા છે એની પાછળ ખોરાકની અશુદ્ધિ જ મુખ્ય કારણ છે. ગાડીમાં પણ આપણે શુદ્ધ પેટ્રોલ ભરવાનો આગ્રહ રાખીએ છીએ, આપણો ખોરાક આપણું પેટ્રોલ છે. જો અશુદ્ધ અને નકલી વસ્તુઓથી બનેલો ખોરાક આપણા શરીરમાં જશે તો શરીરની ગાડી પણ વહેલી ખોટકાઈ જશે
Read Original Article →