સ્ટ્રેઇટ ડ્રાઇવ:મરદનો મુકાબલો

Magazine6/7/2026, 12:35:00 AM
સ્ટ્રેઇટ ડ્રાઇવ:મરદનો મુકાબલો
અપૂર્વ ભટ્ટ વાત 1976ના જૂન મહિનાની છે. વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી. પ્રવાસની શરૂઆતમાં જ ઇંગ્લેન્ડના સુકાની ટોની ગ્રેગના વિવાદાસ્પદ નિવેદન ( વી વિલ ગ્રોવેલ ધેમ/અમે તેમને ઘૂંટણિયે પાડી દઈશું) ને વેસ્ટ ઇન્ડિઝની ટીમે ખૂબ વ્યક્તિગત લઈ લીધું હતું. સિરીઝની શરૂઆત થતા ઇંગ્લેન્ડની ટીમમાં એક વયસ્ક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો. તેની ઉમર તે સમયે 45 વર્ષ હતી. આ ખેલાડીના મક્કમ મનોબળને ધ્યાનમાં રાખી તેમની નિવૃત્તિ બાદ ઇંગ્લેન્ડની ટીમમાં ફરી સામેલ કરવામાં આવ્યા હતા. આથી વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને ભારે આશ્ચર્ય થયું હતું. શ્રેણીની પ્રથમ બંને ટેસ્ટ ડ્રોમાં પરિણમી. તેમાં ઓપનિંગ બેટિંગમાં આવી આ વયસ્ક ખેલાડીએ 36 અને 60 રન બનાવ્યા હતા, પણ ખરી અગ્નિપરીક્ષા માન્ચેસ્ટરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં થઈ. કોઈ પણ ભોગે ઇંગ્લેન્ડની ટીમને તેમના સુકાનીએ કરેલા વિધાનનો જવાબ આપવા માગતા વેસ્ટ ઇન્ડિઝના સુકાની ક્લાઈવ લોઈડે પોતાના તેજીલા તોખર જેવા ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગ અને એન્ડી રોબર્ટસને છૂટો દોર આપી દીધો. તેમાંય માઈકલ હોલ્ડિંગ વિશેષ ઘાતક બોલિંગ કરતા હતા. માન્ચેસ્ટરની ત્રીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 211 રન બનાવ્યા. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 71 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. બીજી ઈંનિંગમાં વેસ્ટ ઇન્ડિઝ વિવ રિચાર્ડસ અને ગોર્ડન ગ્રીનિજના શતકની મદદથી 411 રન બનાવ્યા. ઇંગ્લેન્ડની ચોથી ઈંનિંગમાં જે બન્યું તે ઇતિહાસ બની ગયો. બન્યું એવું કે ઇંગ્લેન્ડના આ વયસ્ક ખેલાડી જોન એડરિચ સાથે બેટિંગ કરવા આવ્યા. એક છેડે હોલ્ડિંગ અને બીજા છેડે રોબર્ટ્સ બોલિંગ કરતા હતા અને ઇંગ્લેન્ડના આ બંને ઓપનર માથે હેલ્મેટ વગર હિંમતથી તેમનો સામનો કરી રહ્યા હતા. તેવામાં એક ઓવર હોલ્ડિંગે આ ખેલાડી સામે એવી ઝંઝાવાતી નાખી કે સતત પાંચ બોલ તેમના માથા પાસેથી પસાર થઈ ગયા જેમાં એક બોલ તો કાનની બૂટ પાસેથી એવો પસાર થયો કે મેદાન પર ઉપસ્થિત મહાન અમ્પાયર ડીકી બર્ડ પણ સચેત બની ગયા. હોલ્ડિંગની ઓવર પૂરી થઈ એટલે ડીકી બર્ડ તે ખેલાડી પાસે આવ્યા ત્યારે ખેલાડીએ હોલ્ડિંગ સામે જોઈ કહ્યું, ‘વ્હિસ્પરિંગ ડેથ (મોતની ટીસ). હેલ્મેટ કે અન્ય કોઈ વિશેષ સુરક્ષા ઉપકરણો વગર 45 વર્ષની પાકટ વયે હોલ્ડિંગનો માત્ર મનોબળથી સામનો કરી રહેલા તે મહાન ખેલાડી હતા ઇંગ્લેન્ડના બ્રાયન ક્લોઝ. પછી તો તે ક્લોઝે માચેસ્ટરની તૂટેલી પીચ પર પાંચ કલાક સુધી બેટિંગ કરી 108 બોલ રમ્યા અને 20 રન બનાવ્યા ત્યાં સુધીમાં કેટલાય બોલ શરીર પર ઝીલ્યા. તેમાં ‘વ્હિસ્પરિંગ ડેથ’ હોલ્ડિંગના 64 બોલ હતા. આ મક્કમ મનોબળવાળી કલોઝની બેટિંગ ક્રિકેટ ઇતિહાસમાં શૌર્યનો પર્યાય બની ગઈ. જ્યારે તેઓ પેવેલિયનમાં આવ્યા ત્યારે તેમના શરીર પર દડાના અસંખ્ય કાળા ડાઘ પડી ગયા હતા. એમાંના અમુક આજીવન રહ્યા.
Read Original Article →