મરક મરક:ચૂંટણી એટલે વાયદાઓનો થતો કમોસમી વરસાદ!

Magazine4/12/2026, 12:50:00 AM
મરક મરક:ચૂંટણી એટલે વાયદાઓનો થતો કમોસમી વરસાદ!
ધ્રુવ બોરીસાગર આજે એવા ‘એપ્રિલફૂલ‘ની વાત કરવી છે કે જેને કોઈ તારીખ કે મહિના સાથે સંબંધ નથી. દરેક જણ પોતાની જાતને ડાહ્યો, જ્ઞાની, સિદ્ધાંતવાદી સજ્જન માને છે અને બાકીના બધાને ખાલી માણસ ગણે છે! કવિ હરદ્વાર ગોસ્વામી: ‘સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં, સાવ ખોટેખોટું બસ બદનામ છે એપ્રિલફૂલ’ વાયદા અને એપ્રિલફૂલને ઘર જેવો સંબંધ! દર પાંચ વરસે આવતી ચૂંટણી એટલે વાયદાઓનો થતો કમોસમી વરસાદ! (આ વરસે તો ચૂંટણીની જાહેરાત જ પહેલી એપ્રિલે કરવામાં આવી છે!) ચૂંટણી આવે એટલે અમીબાના અવતાર જેવા ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારને ફરી સજીવન કરી, એને જડમૂળમાંથી દૂર કરી દેવાના વાયદા હવે પ્રજાના કોઠે પડી ગયાં છે. એપ્રિલફૂલ બનવાની ખાતરી હોવા છતાં પ્રજા કર્તવ્યભાવે મત આપવા જાય છે એ પ્રજાની ઉદારતાના દર્શન કરાવે છે! વધારે પડતા ઉદાર લોકો ‘નોટા’ બટન દાબીને નેતાને પણ એપ્રિલફૂલ બનાવે છે! દરેક કચેરીમાં કામ (Workના અર્થમાં) ઇચ્છુકનું બધું એટલે બધું ગોઠવી આપીને આંગળી ચીંધ્યાનું ‘પેડ’ પુણ્ય કમાવવા ‘એરેન્જ બ્યૂરો‘ કચેરીમાં ફરતા જ હોય છે! જ્યારે જ્યારે ‘બુલાવા’ આવે ત્યારે ત્યારે નવી ‘ક્વેરી’ ક્યારીમાં ઊગેલી જોઈને સ્વસ્થતા ગુમાવવી નહીં, આ એવી ક્વેરીની ક્યારી છે કે જેમાં ખાતર નાખવાથી ‘ક્વેરી‘ ઊલટી મુરઝાઈને ખરી પડે છે! આ વ્યવહારમાં એપ્રિલફૂલ બનવાની શક્યતા વધારે છે કારણ કે, આપણે ત્યાં બધી કચેરીઓ ‘ઍડવાન્સ’ લેવલે ચાલતી હોય છે! આ ‘એપ્રિલફૂલ‘ને નફામાં નુકસાન ગણી નાખવું જ માનસિક સ્વાસ્થ્ય માટે સારું છે! ટ્રાફિક પોલીસ વાહનચાલક સાથે સૌથી વધુ ‘એપ્રિલફૂલ એપ્રિલફૂલ’ રમતી હોય છે. ટ્રાફિક પોલીસ વળાંકના એવા ખૂણે ઊભી રહે કે વાહનચાલકને વળ્યા પછી જ એમના મંગલ દર્શન થાય. વળી, અહીં દર્શન આપી પ્રભુ તમારી આરતી ઉતારશે પરંતુ, પ્રસાદનો આધાર તમારા ડીજી લોકરમાં દસ્તાવેજ ઉપરાંત સ્કેન કરીને રાખેલી ઓળખાણ પર રહેલો છે! ગમે ત્યારે ફરી જનારો માણસ ફરીને જવાને બદલે રોંગસાઇડમાં ઘૂસે કે ચારરસ્તે સર્કલ ફરવાની આળસ કરે તો એવાને ‘એપ્રિલફૂલ’ બનાવવા ટ્રાફિક પોલીસ ઊભી હોય તો આ લોકોને એમ પણ નથી કહી શકાતું કે ‘હું તો આ રસ્તે દરરોજ નીકળું છું, તમે તો આજે જ ભટકાયા! (થોડું ફરવાની આળસ કરનાર, ચોર્યાસી લાખ ફેરા ફરીને ફરી મનુષ્ય અવતાર કેવી રીતે લેશે? એ ચિંતાનો વિષય છે!) પત્ની એમ કહે કે ‘મારે એમને પૂછ્યા વિના કોઈ નિર્ણય ન લઈ શકાય એટલે એમને પૂછીને કહું’ અને પતિ જો એમ કહે કે ‘એમાં વળી એને શું પૂછવાનું’ તમે જો પરણેલા હશો તો તમને સમજાઈ જશે કે આ મહાન હસ્તીઓ તમને એપ્રિલફૂલ બનાવે છે! લગ્ન એટલે જેમાં બંને પક્ષકારોને એપ્રિલફૂલ બન્યાનો અનુભવ થાય! એક વ્યવહાર એવો છે કે જેમાં એપ્રિલફૂલ બનવાનું 99.99% નિશ્ચિત છે, એ છે બેંક કે પોસ્ટ ઓફિસથી પણ અડધા સમયમાં તમારા નાણાં ‘વન ટુ કા ફોર’ કરી દેનારા જાદુગર! ‘વન ટુ કા ફોર’ પછીની કડી ‘ફોર ટુ કા વન’ કરવા આ લોકો તમારા માપના શીશા લઈને જ ફરતાં હોય છે, અને બુચ મારવાનું આ લોકોનું ટાઇમિંગ ગજબનું હોય છે! આ લોકોનું હિન્દી પણ એટલું જ પાકું હોય છે કે જે ‘નૌ દો ગ્યારહ’ નંબરની ગલી આવે એટલે ગાયબ નહીં પણ, અલોપ થઈ જાય છે! એકબીજા પરનો ભરોસો જ ઊઠી ગયો છે ત્યારે ‘એપ્રિલફૂલ’ અને ‘માણસ ગંધાય માણસ ખાઉં‘થી બચવા માટે હવે આપણે ગળામાં લીંબુ-મરચાં લટકાવવાનો સમય પાકી ગયો છે! આઈસ ક્યૂબ: દવા-દારૂ શબ્દપ્રયોગ સાથે જ બોલાય છે કારણ કે, બંનેની દુકાન બહાર બોર્ડ ઉપર લખેલું હોય છે: ‘દેશી અને વિલાયતી મળશે’.
Read Original Article →