દેશ-વિદેશ:દુબઈ: યુદ્ધની અસરોનું ભોગ બનેલું શહેર

Magazine5/3/2026, 12:50:00 AM
દેશ-વિદેશ:દુબઈ: યુદ્ધની અસરોનું ભોગ બનેલું શહેર
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે માત્ર ઈરાનમાં જ વિનાશ નથી વેર્યો, પરંતુ તેની અસર આસપાસના પડોશી દેશો પર પણ વ્યાપકપણે પડી છે. પ્રાદેશિક સંઘર્ષ કેવી રીતે અત્યંત જહેમતથી વિકસાવેલી આર્થિક અજાયબીઓને હચમચાવી શકે છે, તેનું જીવંત ઉદાહરણ ‘દુબઈ’ છે. એક સમયે મધ્ય-પૂર્વના સૌથી સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે પ્રખ્યાત દુબઈ, જ્યાં અબજપતિઓ અને પ્રવાસીઓ કરમુક્ત જીવન, વિશ્વ રેકોર્ડ તોડતી ઇમારતો અને સુરક્ષાથી આકર્ષાઈને આવતા હતા, તેણે પણ આ યુદ્ધના માઠા પરિણામો ભોગવવા પડ્યા છે. ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓ અખાત સુધી પહોંચ્યા હતા, જેમાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેબલ અલી પોર્ટ અને આઇકોનિક બુર્જ અલ અરબ જેવાં વ્યૂહાત્મક લક્ષ્યો પ્રભાવિત થયાં હતાં. ભૌતિક નુકસાન મર્યાદિત હોવા છતાં, તેનું પ્રતીકાત્મક મૂલ્ય ઘણું મોટું છે. હવાઈ માર્ગો બંધ થવાથી હજારો ફ્લાઈટ્સ રદ થઈ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ - જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ પસાર થાય છે - તે યુદ્ધક્ષેત્રમાં ફેરવાઈ ગયું. દુબઈ, જેની તેલ સિવાયની અર્થવ્યવસ્થા માત્ર વૈશ્વિક જોડાણ અને વિશ્વાસ પર ટકેલી છે, તેને આ યુદ્ધે માનસિક અને આર્થિક રીતે મોટો આંચકો આપ્યો છે. ટૂંકા ગાળામાં સ્થિતિ ગંભીર જણાય છે: પર્યટન ક્ષેત્ર ધરાશાયી થયું છે, બજારો તૂટ્યા છે અને સપ્લાય ચેન ખોરવાઈ છે. હવે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ એ વાત પર નિર્ભર છે કે, શું દુબઈ આ સંકટને સ્થિરતાની તકમાં બદલી શકશે કે પછી એક તટસ્થ વૈશ્વિક હબ તરીકેની તેની છબી કાયમ માટે ખરડાઈ જશે? પર્યટન ક્ષેત્ર, જેણે ગત વર્ષે યુએઈની અર્થવ્યવસ્થામાં આશરે 70 અબજ ડોલરનું (જીડીપીના 13%) યોગદાન આપ્યું હતું, તે અત્યારે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. વર્ષ 2026 માટે મજબૂત વૃદ્ધિની આગાહી હતી, પરંતુ ‘વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ’ હવે મધ્ય-પૂર્વમાં પ્રવાસનમાં 11થી 27%ના ઘટાડાની ચેતવણી આપી રહ્યું છે. આ ઘટાડો દૈનિક 560 મિલિયન ડોલરથી વધુનું આર્થિક નુકસાન સૂચવે છે. દુબઈમાં હોટલ ઓક્યુપન્સી જે સામાન્ય રીતે 70-80% રહેતી હતી, તે ઘટીને 20% સુધી પહોંચી ગઈ છે. વર્ષે દસ કરોડ મુલાકાતીઓથી ધમધમતો દુબઈ મોલ અત્યારે ભયાનક રીતે શાંત ભાસે છે. રેસ્ટોરન્ટ ચેઈન્સમાં ગ્રાહકોની સંખ્યામાં 80%નો તોતિંગ ઘટાડો થતાં, કેટલાંક આઉટલેટ્સે સ્ટાફના પગારમાં 30% કાપ મૂક્યો છે અથવા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. દુબઈની જીવાદોરી સમાન વિમાનવ્યવહાર ક્ષેત્રને સૌથી વધુ ફટકો પડ્યો છે. વિશ્વના સૌથી વ્યસ્ત એવા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કામગીરી મર્યાદિત કરી દેવામાં આવી છે. હાલમાં ફ્લાઈટ્સની અવરજવર યુદ્ધ પૂર્વેના સ્તરના માત્ર ત્રીજા ભાગ જેટલી જ છે અને પ્રાદેશિક સ્તરે 18, 400થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ છે. ‘એમિરેટ્સ’ જેવી મોટી એરલાઇન્સને રૂટ બદલવાની ફરજ પડી છે, જેનાથી મુસાફરો અટવાયા છે અને વૈશ્વિક ટ્રાન્ઝિટ હબ તરીકેની દુબઈની પ્રતિષ્ઠા જોખમાઈ છે. આની અસર રિટેલ, હોસ્પિટાલિટી અને સોનાના વેપાર સુધી પણ પહોંચી છે. નાણાકીય બજારોમાં પણ ગભરાટનો માહોલ છે. કુલ મળીને યુએઈના શેરબજારમાંથી 120 અબજ ડોલરનું મૂલ્ય સાફ થઈ ગયું છે. લોજિસ્ટિક્સ અને વેપાર ક્ષેત્રે ‘જેબલ અલી પોર્ટ’નું યોગદાન દુબઈના જીડીપીમાં આશરે ૩૬% જેટલું છે. મિસાઈલ હુમલાના અવશેષોથી લાગેલી આગને કારણે અહીંની કામગીરી અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી હતી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે સેંકડો વહાણો અટવાઈ ગયા છે. 2024માં ઈરાન સાથે 28 અબજ ડોલરનો વેપાર કરનાર યુએઈ અચાનક સંઘર્ષની વચ્ચે ફસાઈ ગયું છે. શિપિંગ લેન્સ પ્રભાવિત થતા ખાદ્યપદાર્થોની આયાત કિંમતોમાં 40થી 120% સુધીનો તોતિંગ વધારો થયો છે, જેણે ‘ગ્રોસરી સપ્લાય ઇમર્જન્સી’ જેવી સ્થિતિ ઉભી કરી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર, જે દુબઈના વિકાસનું મુખ્ય એન્જિન છે, તે અત્યારે અસ્તિત્વની કટોકટી વેઠી રહ્યું છે. કેપિટલ ઇકોનોમિક્સ મુજબ, જો સ્થિતિ વધુ વણસે તો 2028 સુધીમાં પ્રોપર્ટીની કિંમતોમાં 20% સુધીનો ઘટાડો થઈ શકે છે. યુએઈ સત્તાધીશોએ નુકસાનને નિયંત્રિત કરવા માટે યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. 30 માર્ચે દુબઈ સરકારે એક અબજ દિરહમ (272 મિલિયન ડોલર)ના આર્થિક પેકેજની જાહેરાત કરી છે, જેમાં વ્યવસાયો અને પરિવારો માટે લિક્વિડિટી રાહત અને ફી માફીનો સમાવેશ થાય છે. કૂટનીતિક સ્તરે, યુએઈ - જે અમેરિકાનો નજીકનો ભાગીદાર છે - તેણે ખૂબ જ સંતુલિત વલણ અપનાવ્યું છે. તેણે ઈરાની હુમલાઓની નિંદા કરી છે, છતાં તેહરાન સાથેના તેના જૂના વેપારી સંબંધોનો ઉપયોગ શાંતિ સ્થાપવા માટે કરી રહ્યું છે. યુદ્ધનો લાંબા ગાળાનો પ્રભાવ આ સંઘર્ષ કેટલો લાંબો ખેંચાય છે તેના પર નિર્ભર રહેશે. આ સંકટને કારણે જીસીસી (GCC) દેશો વચ્ચે રેલ નેટવર્ક અને હોર્મુઝના વિકલ્પ તરીકે પાઈપલાઈન્સ (જેમ કે હબશાન-ફુજૈરાહ લાઈન) બનાવવાની કામગીરીમાં વેગ આવી શકે છે. દુબઈની વ્યૂહરચના હવે AI, ફિનટેક અને ગ્રીન એનર્જી તરફ ઝડપથી વળવાની રહેશે. આ સંકટે પુરવાર કર્યું છે કે તેલ સિવાયની અર્થવ્યવસ્થામાં કરેલું રોકાણ કેટલું મહત્ત્વનું છે. જોકે, પરિસ્થિતિ જલદી થાળે નહીં પડે તો સ્કીલ્ડ માનવબળ અને મૂડી અખાતથી દૂર જઈ શકે છે. UNDP મુજબ, આ યુદ્ધને કારણે સમગ્ર આરબ વિશ્વને 120થી 194 અબજ ડોલરનું જીડીપી નુકસાન થઈ શકે છે. દુબઈનું મોડેલ હંમેશાં પ્રાદેશિક અસ્થિરતા વચ્ચે સ્થિરતા માટે જાણીતું રહ્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે રેતીના ઢગલામાંથી ઊભું થયેલું આ શહેર ફરીથી બેઠું થવાની અદભુત ક્ષમતા રાખે છે.
Read Original Article →