કવર સ્ટોરી:સપનાના શહેર દુબઇનું સપનું ઇરાને તોડ્યું
બોબી ઘોષ
ભૂ. પૂ. ઇન્ટરનેશનલ એડિટર, ટાઇમ
સપનાંના શહેર ગણાતા દુબઇની ચમક પાછી ક્યારે ફરશે?
28 ફેબ્રુઆરી, 2026ની એ કાળી રાત, જ્યારે ખાડીનાં ક્ષેત્રમાં યુદ્ધની શરૂઆત થઇ. એ સમયે દુબઈથી પ્રસિદ્ધ થયેલી તસવીરોમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો. દુબઈના સૌથી પ્રખ્યાત આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ‘પામ જુમેરાહ’ ઉપરથી આકાશમાં મિસાઇલો તોડી પાડવામાં આવી રહી હતી અને નીચે આવેલાં બીચ ક્લબોમાં કેટલાક લોકો હાથમાં કોકટેલ લઈને આ ‘ખતરનાક આતશબાજી’ને જડવત્ થઈને જોઈ રહ્યા હતા. સવાર પડતા સુધીમાં તો દુબઈનું નાક ગણાતા ‘બુર્જ અલ અરબ’ હોટેલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા. આ ધુમાડો દુનિયાના સૌથી વ્યસ્ત હવાઈ મથકોમાંના એક એવા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ફેલાયો.
તે રાત પછી અત્યાર સુધીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) પર 500થી વધુ મિસાઈલો અને 2, 000થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં મોટા ભાગે દુબઈને નિશાન બનાવવામાં આવ્યું છે. જોકે, મોટા ભાગના હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા, તેમ છતાં તેને એક ‘વિચાર’ પરનો હુમલો ઠેરવવામાં આવ્યો. દુબઈ વર્ષોથી દુનિયાને એવો ભરોસો આપતું આવ્યું છે કે તે પૃથ્વીનાં સૌથી અશાંત અને અસ્થિર ક્ષેત્રોની વચ્ચે હોવા છતાં, પોતાની રીતે અલગ અને સુરક્ષિત દુનિયા છે. ઈરાને દુબઈના આ જ અતૂટ ભરોસા પર ઊંડો ઘા કર્યો છે.
દુબઈને કેટલું નુકસાન થયું?
યુદ્ધના ભણકારા વાગતાની સાથે જ દુબઈના અર્થતંત્રનું હૃદય ગણાતું ‘દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર’ (DIFC) ખાલી થવા લાગ્યું. ગોલ્ડમેન સેક્સ, સિટી બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી દિગ્ગજ બેંકોએ તાત્કાલિક ધોરણે પોતાના કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ના આદેશ આપી દીધો. દુબઈ ફાઇનાન્શિયલ માર્કેટનો ઈન્ડેક્સ 16% જેટલો ગગડી ગયો, જેના કારણે UAEની લિસ્ટેડ કંપનીઓના અંદાજે 120 અબજ ડોલર સ્વાહા થઈ ગયા. પ્રથમ હુમલાના માત્ર 48 કલાકની અંદર જ હોટલોના બુકિંગમાં 60% જેટલો જંગી ઘટાડો જોવા મળ્યો હતો.
દુબઈએ કેવી રીતે બદલ્યું પોતાનું નસીબ?
19મી સદીમાં દુબઈ માછીમારી અને મોતી ઉદ્યોગ પર નિર્ભર હતું. 1930માં જાપાનના આર્ટિફિશિયલ મોતીઓએ આ ઉદ્યોગ ખતમ કરી દીધો. 1966માં તેલ મળ્યું, પણ શેખ રાશિદે તે પૈસાનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે કર્યો. તેમણે રસ્તાઓ, બંદરો અને એરપોર્ટ બનાવ્યાં. ‘બુર્જ ખલીફા’ અને ‘પામ જુમેરાહ’ જેવી ઈમારતોએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું. આજે દુબઈના જીડીપીમાં તેલનો હિસ્સો 1%થી પણ ઓછો છે, જ્યારે પર્યટન 10-12% હિસ્સો ધરાવે છે.
આમ, દુબઈ આજે એક એવા વળાંક પર ઊભું છે જ્યાં તેની વર્ષોની મહેનત અને સુરક્ષિત હોવાની છબી દાવ પર લાગી છે. યુદ્ધનો અંત જ તેની આર્થિક સધ્ધરતાને ફરી જીવંત કરી શકે છે. રસરંગ નોલેજ - દુબઈ આફતમાંથી ઊગરી શકશે? દુબઈ પાસે ‘હાર્ડ પાવર’ (નાણું) અને ‘સોફ્ટ પાવર’ (પ્રતિષ્ઠા) બંને છે, પરંતુ ‘ખલીજ ઇકોનોમિક્સ’ના ડાયરેક્ટર જસ્ટિન એલેક્ઝાન્ડરના મતે આ બંનેની પણ પોતાની મર્યાદાઓ છે. તેઓ દુબઈની અર્થવ્યવસ્થા વિશે ત્રણ મહત્ત્વની વાતો કહે છે: પૈસાની મર્યાદા દુબઈ પાસે અબજો ડોલર છે. તે તૂટેલી ઈમારતો ફરીથી બનાવી શકે છે, પરંતુ તે પૈસા યુદ્ધ રોકવાની અથવા ફરી યુદ્ધ નહીં થાય તેની ગેરંટી આપી શકતા નથી. પ્રતિષ્ઠાની મર્યાદા દુબઈ દુનિયાભરના લોકોને ત્યાં ખેંચી લાવે છે. પરંતુ જો આકાશમાંથી મિસાઈલો પડતી હોય, તો દુબઈનું કોઈ પણ આકર્ષણ કામ આવતું નથી. અનિશ્ચિતતાનો ડર જો આ ક્ષેત્રમાં શાંતિ સ્થપાતી નથી, તો દુબઈ ગમે તેટલું અમીર કે આકર્ષક હોય, તે રોકાણકારોના મનમાં બેસી ગયેલા ડરને ખતમ કરી શકશે નહીં. દુનિયા માટે કેમ ખાસ છે દુબઈ? ઝડપી મંજૂરી: જો કોઈ વ્યક્તિ દુબઈમાં બિઝનેસ શરૂ કરવા માગતી હોય અને તેની પાસે યોગ્ય દસ્તાવેજો હોય, તો તેને એકથી ત્રણ દિવસમાં જ મંજૂરી મળી જાય છે.
શૂન્ય વ્યક્તિગત ટેક્સ: સમગ્ર UAE માં પર્સનલ ટેક્સ ઝીરો છે. આ રણનીતિ દુનિયાભરના શ્રેષ્ઠ ટેલેન્ટને આકર્ષવા અને ત્યાં રોકી રાખવા માટે છે. દુબઈ પર એક નજર...
ક્ષેત્રફળ- 1491 ચો.કિમી.
વસ્તી- 39.44 લાખ
જીડીપી- 156 અબજ ડોલર
માથાદીઠ આવક- 53, 000 ડોલર
ભારત માટે દુબઈનું મહત્ત્વ
રોજગાર: UAEની કુલ વસ્તીના લગભગ 35% (આશરે 35 લાખ) ભારતીયો છે, જેમાંથી મોટો ભાગ દુબઈમાં વસે છે.
રેમિટન્સ: અહીં રહેતા ભારતીયો દર વર્ષે આશરે 15 અબજ ડોલર ભારત મોકલે છે, જે ભારતની અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્ત્વનું છે.
વેપાર: ભારત અને UAE વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 85 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જેમાં દુબઈ કેન્દ્રિત બિન-તેલ વેપારનો મોટો હિસ્સો છે.
Read Original Article →