થેન્ક યૂ:ખબર છે કે આ ખોટું છે છતાં મુકાય છે?

Magazine5/24/2026, 12:35:00 AM
ડો. જયેશ વાછાણી ખુદની જિંદગીમાં ક્યારેક ડોકિયું કરજો. બધાની સાથે અને વચ્ચે રહેતાં રહેતાં, ખુદ સમજતા હોવા છતાં, બીજાની અયોગ્ય બિનજરૂરી વાતોમાં આવી જવાય છેને? સરાઉન્ડની અસર થઈ જાય છેને! બધા એવું કરે છે, બધા એવું માને છે એટલે આપણે પણ એ બધા જેવા બની જઈએ છીએ. નવા, સાચા ને’ આપણને યોગ્ય લાગતાં રસ્તે વળવું, અને એ પણ એકલા; એ થોડું અઘરું લાગે છેને ! કદાચ, આપણને એકલા પડી જવાનો ડર છે. પણ કોનાથી? એનાથી જે પોતે પણ આવા ડરથી જ કોકની અસરમાં જીવે છે ! બધાની પાછળ પાછળ આપણે પણ ઘેટું બની જઈ હાલતા થઈએ છીએ. જીવાતી જિંદગીમાં કોઈક બાબત કે વાત, લોજિકલી કે પ્રેક્ટિકલી, આપણને બરાબર ન લાગતી હોય તો આપણી સમજણ મુજબ એ આપણને યોગ્ય લાગે એમ કરવાની હિંમત કરવી પડે. જાણી સમજી વિચારી, પ્રયોગ અને અનુભવથી સમજાતી જિંદગીને આપણી રીતે, આપણા આયોજન, પસંદગી કે પ્રાયોરિટીથી જીવવામાં ઉતાવળ કરવી. પછી ક્યારેક પાછળથી એવા અનુભવ ન થાય કે લે આમાં તો આપણે માનતા’તા એ જ સાચું હતું ! ક્યારેક સૌથી પહેલા અને એકલાં આપણે ચાલવું પડે, એનાથી કદાચ શરૂઆતમાં તકલીફ પડે. બે જણા વાતો’ય કરે. કશુંક અવનવું કે અનોખું પહેલીવાર કરીએ ત્યારે ‘વિરોધ’ તો થાય. પ્રસ્થાપિતોનો ઇગો તૂટે. ‘આવું તો થોડું હોય’ થી ‘હાલતું તું એમાં શું વાંધો હતો’ જેવા પોકારો ઊઠે. પણ જો આપણો વિચાર યોગ્ય હોય, એનો અમલ અને પરિણામ વાજબી લાગતા હોય, તો અડગ રહેવું. આ જ બધા, અમલની અસર જોઈને એને ‘સ્વીકારશે’ અને પછી તો એના પોઝિટિવ પરિણામને બે મોઢે ‘વખાણશે’! જાતની સહમતી હોય તો પછી બીજાની બહુમતી ઉઘરાવવાની જરૂર નહીં. બસ, જરૂર છે આ વિરોધથી વાયા સ્વીકાર થઈ વખાણ સુધીની સફર ડેરિંગ અને ડેડિકેશનથી પાર પાડવાની. પરિવર્તન માટે પ્રયોગો અને પ્રયત્નો કરતા રહેવા પડે, અલગ હોય એ બધું જ ગલત ના હોય. બીજા કહે કે કરે તેમાં નહીં, મજા તો જાત માને એ કરવામાં છે. સારું પરિણામ સેલિબ્રેટ કરીશું, ખરાબ આવશે તો શીખીને સુધરીશું. પણ જાતનું ન માનીને થતા અફસોસથી તો બચી જશું. દરેક વખતે બધા જેવા થવા કરતાં ક્યારેક મનનું માનીને નોખા પડવામાં પણ શાણપણ છે. વિચારજો. }
Read Original Article →