લક્ષ્યવેધ:મર્યાદિત વિકલ્પ વડે પાયાની તૈયારી કરી

Magazine5/17/2026, 12:35:00 AM
લક્ષ્યવેધ:મર્યાદિત વિકલ્પ વડે પાયાની તૈયારી કરી
હું અત્યંત સામાન્ય પરિવારમાંથી આવું છું. એક સમયે મારા પપ્પા હીરા ઘસવા અને સિક્યુરિટી ગાર્ડની નોકરીઓ કરતા. ઘરની આર્થિક સ્થિતિ નબળી. મારા શિક્ષણનો ખર્ચ કાઢવા માટે મારે ટ્યૂશન આપવા પડતા. પછી મેં ડેન્ટલમાં એડમિશન લીધું અને મનમાં એમ જ હતું કે મોટા ડોક્ટર બનીએ. યુ. પી. એસ. સી. શું છે એ પણ ખબર નહોતી એ વર્ષોમાં.’ ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસના અધિકારી ડો. ચિરાગ ભોરણિયા પોતાના સંઘર્ષના દિવસો યાદ કરી રહ્યા છે. ‘... પણ ઝટકો લાગ્યો 2011ના વર્ષમાં . પપ્પાને એટેક આવ્યો. દોઢ વર્ષ કોમામાં રહ્યા. જે થોડા છેડા ભેગા થયા હતા એ પણ છૂટી ગયા. અમારી દુનિયા પાછી બદલાઈ ગઈ. રાતોના ઉજાગરા. ઘરની જવાબદારીઓ. ઘરના ખર્ચા… મનમાં એ જ થતું કે હવે આગળ શું થશે, શું કરીશું?’ ‘એ જ સમયમાં કોઈ મિત્ર પાસેથી યુ. પી. એસ. સી. સિવિલ સેવા પરીક્ષાની વાત સાંભળી. થોડું જાણ્યું તો રસ પડ્યો. અમદાવાદમાં તપાસ કરી. ખાનગી કોચિંગ સંસ્થાઓની ફી પોસાય એમ ન હતી. નક્કી કર્યું કે જે કરીશ જાતે જ કરીશ.’ ‘એ સમયે ડેન્ટલ પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. એ છોડી દીધી. સ્વાભાવિક છે મિત્રો, નજીકના લોકો અને પરિવારને થોડા સવાલો થાય. આ બધી ગડમથલ વચ્ચે પોતાની જાતને એક રૂમમાં પૂરીને વાંચવાનું ચાલુ રાખ્યું. દોઢ- બે વરસ જાણે તપમાં કાઢ્યાં હોય એમ! અને એનું ફળ એ મળ્યું કે પહેલા પ્રયત્ને હું ઇન્ટરવ્યૂ સુધી તો પહોંચી શક્યો પણ આ પ્રયાસ સફળ ન થયો. બીજા પ્રયાસમાં હું પ્રીલિમિનરી પણ પાસ ન કરી શક્યો. સ્થિતિ વિકરાળ બની રહી હતી.’ ‘સાથે અમુક મનગમતી પ્રવૃત્તિઓ હતી જે મેં મૂકી નહોતી. મને સેવા કાર્યો ગમતાં અને તેની સાથે હું સંકળાયેલો પણ રહ્યો. એ અરસામાં ગાંધીનગરનીમાં એચ. આઈ. વી.ગ્રસ્ત બાળકો સાથે જોડાયો. અહીં બાળકોને સારસંભાળની જરૂર હતી. હું ત્યાં જ રહી ગયો. બાકીની તૈયારી ત્યાં જ કરી.’ ‘સંઘર્ષના એ દિવસોમાં કદાચ મેં મારાથી પણ દુઃખી બાળકો જોયાં. સમાજની ઉપેક્ષા નીચે જીવતાં એ નિર્દોષ બાળકો સાથે જીવનનાં કડવા સત્યો વધુ નજીકથી સમજાયાં. એ બાળકોના જીવન અજવાળવાના જે થોડા પ્રયાસ થઈ શક્યા એનો સંતોષ છે. આ કરુણામય અનુભવોએ મારી વહીવટી સમજ વધુ પુખ્ત કરી.’ ‘તૈયારીના શરૂઆતના તબક્કે મને ગણિત અને અર્થકારણ અઘરા વિષયો લાગતા, પણ પાછળથી આ જ વિષયોએ મારી મદદ કરી. શરૂઆતમાં મારી પાસે કોઈ માર્ગદર્શન નહોતું . આ બાબત મદદરૂપ પણ થઈ અને નડી પણ. મદદરૂપ એ રીતે થઈ કે શું ના વાંચવું જોઈએ એ કહેવાવાળું કોઈ ન હતું એટલે જે ખબર પડી એ બધું જ વાંચી નાખ્યું. ઇન્ટરનેટ પર પણ વિકલ્પ મર્યાદિત જ હતા એટલે એમાં જ તૈયારી કરી. પરિણામે વિષયોની પાયાથી તૈયારી થઈ, પણ સામે મારો ઘણો સમય પણ ખર્ચાયો.’ ‘જાતે તૈયારી કરવાના કારણે મારામાં મૌલિકતા આવી ગઈ હતી, કેમ કે કોચિંગ ક્લાસની કોઈ ફોર્મ્યૂલા નહોતી. પરિણામે નિબંધ અને પર્સનાલિટી ટેસ્ટમાં સારો સ્કોર કરી શકાયો એવું મને લાગે છે.’ ચિરાગભાઈનો મુખ્ય વૈકલ્પિક વિષય ગુજરાતી સાહિત્ય હતો. પહેલીવાર મેન્સ આપી ત્યારે લખવાની પ્રેક્ટિસ નહોતી કરી કે માર્ગદર્શનના અભાવે આયોજન પણ ઓછું હતું. લગભગ દોઢસો માર્ક્સના સવાલો અલગ અલગ પેપરમાં છૂટી ગયા. જોકે, પછીના પ્રયાસમાં તેમણે ભૂલ સુધારી. પર્સનાલિટી ટેસ્ટમાં ઉમેદવારે પોતાની અંગત તેમજ વ્યાવસાયિક માહિતી ભરીને આપેલા ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ પણ પેનલ માટે સવાલનો આધાર બને છે. એ ફોર્મમાં એક વિગત શોખની માહિતી અંગે પણ હોય છે. તેમાં ચિરાગભાઈએ તેર જેવી અંગત રસની પ્રવૃત્તિઓ લખી હતી. જેમાં ડાયરી લેખન, શાયરી, ચંદ્ર ત્રાટક, પ્રાણીઓને મદદ જેવી પ્રવૃતિઓનો ઉલ્લેખ હતો. એક બોર્ડ મેમ્બરે પ્રશ્ન કર્યો: ‘તમારા પાલતૂ કૂતરાને કોઈ બીમારી છે તો કેવી રીતે સારવાર કરશો?’ ચિરાગભાઈએ સામે સવાલ કરીને એ બીમારીનાં વધુ લક્ષણ જાણ્યાં અને પછી દવા કઈ આપી શકાય તે પણ કહ્યું. ડાયરી લેખનના કારણે પોતાની ક્ષમતા અને નબળાઈઓ કઈ છે તેવા સવાલ પૂછવામાં આવ્યા. ડો. ચિરાગ ભોરણિયા લાંબા સંઘર્ષને અંતે લક્ષ્યવેધ સિદ્ધ કરે છે. તેમને ભારતીય સૂચના સેવાની પસંદગી મળે છે અને દિલ્હીમાં સેવાઓ આપ્યા બાદ અમદાવાદ ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર વિભાગમાં ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. પુરુષાર્થ અને આત્મવિશ્વાસથી ભાગ્ય પરિવર્તન ડો. ચિરાગના લક્ષ્યવેધની ફળશ્રુતિ છે.
Read Original Article →