સમયાંતર:શિસ્ત, સર્જન, ખાદીની સાદગી

Magazine5/24/2026, 12:35:00 AM
સમયાંતર:શિસ્ત, સર્જન, ખાદીની સાદગી
લલિત ખંભાયત એવખતે સાડી પહેરવાની બે જ સ્ટાઈલ વધારે પ્રચલિત હતી. ગુજરાતી અને બંગાળી. નવીનતા લાવવી હોય ત્યારે સ્ત્રીઓ બંગાળી સાડી પહેરતી. પણ એમણે છેવટ સુધી પોતાની પરંપરા છોડી નહીં. ગુજરાતી સ્ટાઈલની જ સાડી પહેરે. એટલું જ નહીં નાનપણમાં ખાદીનો સ્વીકાર કર્યો અને આજીવન ખાદી પહેરીને જીવ્યાં.’ આ વાત કરતી વખતે 80 વર્ષના સુકેતુભાઈના ચહેરો પરનો ઝગમગાટ અસ્તો રહેતો નથી. સુકેતુભાઈ જેમની વાત કરે છે એ એમનાં ફઈ ધીરેન્દ્રબાળા. અલબત્ત, ગુજરાતી સાહિત્ય જગત‘ ધીરેન્દ્રબાળા’ને ધીરુબહેન પટેલ તરીકે ઓળખે છે. ધીરુબહેનનું નામ આવે કોઈને ‘વાંસનો અંકુર’ યાદ આવે તો કોઈને ‘વિશ્રંભકથા’, કોઈને ‘ટોમ સૉયરનાં પરાક્રમો’ યાદ આવે તો ‘વડવાનલ’, કોઈને ‘ભવની ભવાઈ’ યાદ આવે તો કોઈને મુંબઈમાં ગુજરાતી સાહિત્યને ટેકો આપી લતામંડપ ઊભો કરનાર લેડી યાદ આવે. *** ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસીએ તો જે લેખિકાઓ દીર્ધ સમય સુધી સર્જન કર્યું એમાં ધીરુબહેનનું નામ લેવું પડે. 29 મેના દિવસે એમને 100 વર્ષ થશે. એ ટાણે પરિજનો પાસેથી સંસ્મરણો જાણીએ. *** ‘અમે ભણતા ત્યારે દર મહિને રજિસ્ટરમાં વાલીની સહી લેવાની હોય. એના દસ માર્ક પછીના મહિના મળે. એક વખત ધીરુબહેન પાસે સહી કરાવાની રહી ગઈ. માર્ક્સ ન કપાય એ માટે મોટાભાઈએ ધીરુબહેનના નામે સહી કરી દીધી. થોડા દિવસ પછી સ્કૂલમાં ચાલુ પિરિયડે મને આચાર્યએ બોલાવી. અંદર જોયું તો ધીરુબહેન ત્યાં જ બેઠાં હતાં. મને કહે : ‘તારા રજિસ્ટરમાં સહી કરવાની રહી ગઈ હતી, અહીંથી નીકળતી હતી તો થયું કે લાવ કરતી જાઉં.’ ધીરુબહેનનાં ભત્રીજી વર્ષા અમીન પોતાની સાથે બનેલો પ્રસંગ વર્ણવતા આગળ કહે છે : ‘મારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી હતી. મેં ડરતાં ડરતાં કહ્યું કે સહી તો તમે કરી દીધી છે. એમણે રજિસ્ટર હાથમાં લીધું, સહી જોઈ. સમજી ગયાં કે કોઈએ મારી સહી કરી છે. ત્યાં કંઈ ન બોલ્યાં. સાંજે ઘરે પહોંચ્યાં પછી અમારી સજા શરૂ થઇ. સજા માત્ર એટલી જ કે દીવાલ તરફ મોઢું કરીને ઊભા રહેવાનું. અમારા માટે એય આકરું થઈ પડતું.’ *** સુકેતુભાઈને ધીરુબહેન સાથે શરૂઆતમાં 1946થી 1972 સુધી મુંબઈમાં અને પછી 2015થી 2026 સુધી અમદાવાદમાં રહેવાનું થયું. ધીરુબહેને લગ્ન કર્યાં ન હતાં, એટલે ભાઈ-ભાંડુનો પરિવાર જ એમનો પરિવાર. ધીરુબહેનની અસર પરિવાર પર એટલી બધી છે કે સુકેતુભાઈ આજે પણ ખાદીનું ધોતિયું જ પહેરે છે. સુકેતુભાઈનાં પત્ની નર્મદાબહેન સંસ્મરણો યાદ કરતાં ઉમેરે છે: ‘મને વહુ તરીકે ક્યાંથી અને કેમ શોધી કાઢી એ મને તો આજેય સમજાતું નથી. મુંબઈ જેવા શહેરમાં હું ગઈ તો મને કહે કે જો તારે મુંબઈની રહેણીકરણી પ્રમાણે નવા જમાનાનાં વસ્ત્રો પહેરવાનાં. એટલું જ નહીં, કોલેજ પણ જવાનું. એમ કરી મને ‘એસએનડીટી કોલેજ’માં દાખલ કરી. પહેલા દિવસે મને મૂકવા આવ્યા, ક્યાંથી કઈ ટ્રેન પકડવી, બસ પકડવી વગેરે સમજાવ્યું. પછી વિશ્વાસ અપાવ્યો કે તું આ કરી શકીશ. ધૈર્યબાળા વોરા આચાર્ય હતાં, એમની સાથે ઓળખાણ કરાવી. ’ કોઈ પણને કંઈક કરી શકવાનો વિશ્વાસ અપાવવો એ બહુ મોટું કામ છે. કરમસદ જેવા નાના કેન્દ્રમાંથી આવેલી પુત્રવધૂ નર્મદાને ધીરુબહેને મુંબઇમાં ભણતી કરી. એટલું જ નહીં, એમને ભણવામાં ઓછો રસ હતો તો નાટક વગેરેમાં પ્રવૃત્ત કર્યાં. *** સુકેતુભાઈએ ધીરુબહેનની પ્રેરણાથી જ પાછલી ઉંમરે હાસ્ય લેખન શરૂ કર્યુ. ‘રમૂજ ગાથા’, ‘હાસ્યાખ્યાન’ વગેરે જેવાં એક પછી એક હાસ્યનાં પુસ્તકો પણ લખ્યાં. વર્ષા અમીને પણ પાંચ વાર્તાઓ ભેગી કરીને ‘વાર્તા મંજરી’ નામે સંગ્રહ આપ્યો. સુકેતુભાઈ-નર્મદાબહેનનાં દીકરી મિત્રા પટેલે પણ લેખનમાં સક્રિય છે. પણ એ વારસાની ગંગોત્રી છે ગંગાબહેનમાંથી આવે છે. ગંગાબહેન એટલે ગાંધીજીના અંતેવાસીઓ પૈકીના એક. ગંગાબહેન એટલે ધીરુબહેનનાં માતાજી. ગંગાબહેન એટલે સદી પહેલાં પોતાનાં સંસ્મરણો લખનારાં લેખિકા પૈકીના એક. ‘સ્મૃતિસાગરને તીરે’ નામે એમણે પોતાનાં લગ્ન, એ જમાનાના પાટીદાર રિવાજો, મુંબઈની જિંદગી વગેરે લખ્યું છે. } 1963માં નવલકથા ‘વડવાનલ’ હપ્તાવાર પ્રગટ થતી હતી. એક સ્ત્રી વાચકે ડિમાન્ડ કરી કે નવલકથાના આવનારા હપ્તા પણ મોકલી આપો. કારણ એટલું કે એમને કેન્સર હતું. જીવનદોરી પૂરી થાય એ પહેલાં પૂરી નવલકથા વાંચી લેવાની એમની ઈચ્છા હતી. ધીરુબહેન પાસે આગળનાં પ્રકરણો તૈયાર ન હતાં એટલે એમણે વાચકબહેનને લખ્યું કે તમને કંઈ નહીં થાય, તમે નવલકથા વાંચી જ શકશો. ખરેખર એ વાંચી શક્યાં
Read Original Article →