માનસ દર્શન:ધાર્મિક જ નહિ, ધર્મશીલ બનવું
ભવાન રામનાં સોળ શીલ છે એમાંનું એક શીલ છે કે ભગવાન રામ ધર્મશીલ છે. ‘રામો વિગ્રહવાન ધર્મ.’ ધાર્મિક અને ધર્મશીલમાં તાત્ત્વિક અંતર છે. ધાર્મિક હોવું અને ધર્મશીલ હોવું એ બંને જુદું છે. અલબત્ત, ઓશોએ કહ્યું કે માણસ ધાર્મિક હોવો જોઈએ. એવું ઓશોનું વક્તવ્ય છે, પરંતુ ઓશોની બધી બાબતો સાથે સહમત થવું કંઈ જરૂરી નથી.
ધાર્મિક હોવું પર્યાપ્ત નથી. તમે ધોતી પહેરી લો, આવો ઝભ્ભો પહેરી લો; કપાળમાં ઊર્ધ્વપુંડ કે ત્રિપુંડ કરી લો; ગળામાં માળા નાખી દો; હાથમાં બેરખો રાખો; ઝોળીમાં ‘રામચરિતમાનસ’ કે ‘ભગવદ્દગીતા’ રાખો; તો એ જે એક ગણવેશ છે, યુનિફોર્મ છે, એને આધારે પણ લોકો કહેશે કે આ ધાર્મિક છે. પરંતુ ધર્મશીલ એ તો યુનિવર્સલ છે, એ તો વૈશ્વિક છે.
ધર્મશીલનો હું એટલો જ અર્થ કરું જે મારા રામમાં છે. જે પોતાના દુશ્મનનું પણ ક્યારેય ખરાબ ન ઈચ્છે એ ધર્મશીલ છે. મારા રામનો સ્વભાવ દર્શાવતા ગોસ્વામીજીએ કહ્યું છે, ‘જાસુ સુભાઉ અરિ અનુકૂલા.’ જેમનો સ્વભાવ દુશ્મનને પણ અનુકૂળ જણાય; વેરી પણ જેમની બડાઈ કરે એ ધર્મશીલ છે. તો જેમનો સ્વભાવ દુશ્મનને પણ સારો લાગે; જે દુશ્મનનું પણ ખરાબ ન વિચારે એ ધર્મશીલ છે.
તો રામ છે ધર્મશીલ. ભલે ઉપરથી કોઈ વિરોધ કરે. ખર-દૂષણ જેવા ખતરનાક રાક્ષસ પણ કહે છે કે આ બે રાજકુમારો વધ કરવા યોગ્ય નથી. તો માણસ ધર્મશીલ હોવો જોઈએ. એટલે ધાર્મિક જ નહિ, ધર્મશીલ બનવું. ધાર્મિક હોવું સારું છે પરંતુ મારી વ્યક્તિગત માન્યતા મુજબ માણસ ધર્મશીલ હોવો જોઈએ.
તો ધર્મશીલથી સંપન્ન મારા રઘુનાથજીની કથા હિમાલયપુત્રી શિવજીને પૂછે છે કે મહારાજ, રામ વિશે મને જે સંદેહ જન્મ્યો હતો એને રામકથા સંભળાવીને નિર્મૂલ કરો. મને રામકથા સંભળાવો અને જણાવો કે રામતત્ત્વ શું છે?
પાર્વતીએ જ્યારે શિવજીને આ વાત કરી ત્યારે શિવજી ખૂબ જ પ્રસન્ન થયા. પાર્વતીએ ભગવાન રામની કથા વિશે પૂછયું; પોતાના ઈષ્ટદેવને યાદ કરી લીધા અને હર્ષિત થઈને શિવજી બોલ્યા, હે પાર્વતી, આપ ધન્ય છો, કેમ કે આપે મને એવી કથા પૂછી છે, જે સકલ લોકને મંગલ કરનારી છે. દેવી, જેમની અલૌકિક કરણી છે એ પરમાત્મા રામ છે. જેમને વેદ આદિ ગ્રંથ ‘નેતિ નેતિ’ કહીને પોકારે છે, એને જ હું ભગવાન કહું છું.’
પછી ભગવાન રામ શા માટે ધરતી પર આવ્યા; જગતના પિતાને કોઈના પુત્ર શા માટે બનવું પડયું; એ બધાં કારણોની કથા ભગવાન શંકર ભવાની સમક્ષ કહે છે. ભગવાન શંકર કહે છે કે દેવી, જ્યારે જ્યારે ધર્મોને હાનિ થાય છે, ગ્લાનિ થાય છે; આસુરી વૃત્તિનાં લોકોનું બાહુલ્ય થવા લાગે છે; સંસારમાં અનૈતિક જીવન એટલું બધું વધી જાય છે કે જેનું વર્ણન થઈ શકતું નથી; જ્યારે સજ્જનોને મિટાવી દેવામાં આવે છે; એવી પરિસ્થિતિમાં પરમાત્મા વિધવિધ શરીર ધારણ કરીને આવે છે.
તો જેને કારણે સમાજને મુશ્કેલી થાય છે, એવા અધર્મના નિર્વાણ અને ધર્મની સ્થાપના માટે પ્રભુ આવે છે. જેમ કે રાવણ અધર્મનું પ્રતીક છે; પ્રભુએ એનું નિર્વાણ કરી દીધું. વિભીષણ ધર્મનું પ્રતીક છે, એની સ્થાપના કરી દીધી. એ જ રીતે બ્રાહ્મણોની, સાધુ-સંતોની રક્ષા માટે; એમની મુશ્કેલીઓને દૂર કરવા માટે; સજ્જનોની પીડાનું હરણ કરવા માટે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે કૃપાનિધિ ધરતી પર વારંવાર અવતાર ધારણ કરે છે.
અવતાર કોને કહે છે? તો અવતારી કોણ? આપણે નામ તો કોઈને પણ લગાવી દઈએ છીએ કે આ અવતારી પુરુષ છે! અવતાર એ છે કે જે ધર્મની સ્થાપના કરે. ધર્મ એટલે સત્ય, પ્રેમ, કરુણા. ધર્મની મારી એ જ વ્યાખ્યા છે; ધર્મ એટલે સત્ય, પ્રેમ, કરુણા. એની વારંવાર જે સ્થાપના કરે એ અવતાર છે. અને અધર્મનો નાશ કરવો એટલે એને નિર્વાણ આપવું. ભગવાન રામ વિશે કહેવાયું છે કે એ નિર્વાણદાયક છે.
(સંકલનઃ નીતિન વડગામા)
Read Original Article →