દેશી ઓઠાં:છૂટું ચૂરમું
લીલવાણા ગામમાં આજ શેરીએ શેરીએ ઢોલ વાગે છે. નાના એવા ગામમાં સાત જાનું આવી છે. અખાત્રીજનું વણજોયું મૂરત છે. આખા ગામને સાતેય ઠેકાણેથી જમવાનાં નોતરાં છે. હવે, બધે ઠેકાણે તો કેમ પૂગાય! એટલે ગામના મોવડીએ શેરી પરમાણે ગામની નોતર્યને નક્કી કરી દીધી. સઉ પોતપોતાની શેરીના વેવાર હાંચવે… એવી વાત ઠેરાણી. આમાં વાંધો ખોડાને પડ્યો. ખોડાનું ખોરડું તો વાડીમાં છે! એને એકેય શેરી લાગુ નો પડે. ખોડાએ નક્કી કર્યું કે આપડા રામ તો સાતેય ઠેકાણે થાળી પાડશે. ખોડો તો થાપણાનાં લૂગડાં પહેરીને માકડિયા શેરીમાં પૂગ્યો.
ડાયાદાદાએ ટપાર્યો: ‘ખોડા! તું આ શેરીનો નથી, ભાઈ! તારે આંયા નો અવાય! આપડો મેળ વીંખાઈ જાય… તું તો સમજ સ ને?’
ખોડો ન્યાંથી નીકળીને બીજી શેરીમાં ગ્યો. ન્યાંથી ઘેલાકાકાએ કાઢ્યો. એમ સાતેય ઠેકાણેથી એને જાકારો મળ્યો. આમ તો એક માણસ ખાઈ લ્યે તો કાંઈ મેળ નો બગડે, પણ ખોડાનો ખોરાક જબરો . ઈ એકલો અડધી જાનનું ખાઈ જાય. એટલે એને કોઈએ પંગતમાં ગરવા નો દીધો. એની છાપ જ હતી -‘ખોડો ખાવેડુ’! જેમ ભાગે એને ભાગેડુ કેવાય, એમ ખાય ઈ ખાવેડુ !
ખોડાને ગળપણ બહુ ભાવે. ઈ તો જમણવારની વાટ જ જોતો હોય. ગામમાં સાત સાત ઠેકાણે ગડગડિયા લાડવાની ઠોર બોલતી હોય , ને ખોડાને ઘરના રોટલા ખાવા પડે ઈ બહુ આકરું લાગ્યું. ગળપણ ખાવાની લે લાગી છે. થોડોક વશ્યાર કરીને કેરાળાનો પંથ પકડ્યો. કેરાળે એની માસી રિયે છે.
માસીએ ભાણિયાને આવકાર્યો. માસીને તો ભાણિયા વાલા જ હોય, પણ ખોડાના ખોરાકની માસીને ખબર. રાંધનારી રાંધી રાંધીને થાકે, પણ ખોડાનું પેટ નો ભરાય. કો’ક કો’ક ઠેકાણે તો ઘરધણીની બાયુંને ત્રણ ત્રણ વાર લોટ બાંધવો પડ્યો હોય એવુંય બનેલું, બોલો! આખી ડોલ ભરીને લાડવા ખોડો એકલો ઉલાળી જાય! મોટું તપેલું ભરીને દૂધપાક ગટગટાવી જાય! માસી મૂંઝાણાં છે. એક તો મે’માન અને એમાંય પાછો ભાણેજ ! ગળપણ તો પીરસવું જ પડે. ઓછી કાહટી પડે એવી રસોઈ કરીને ખોડાને ઓસરીમાં જમવા બેહાડ્યો. સામે માસા બેઠા.
મોટી થાળીમાં માસીએ છૂટું ચૂરમું પીરસ્યું. માસી રાંધણિયામાં ઘી લેવા ગ્યાં. ઘી લઈને આવ્યાં, એટલી વારમાં ખોડાએ કોરું ચૂરમું સફાચટ કરી નાખ્યું. તોય માસીએ ઘીની આખી કૂરડી ખોડાની થાળીમાં ઠાલવી. ને ગોળ લેવા ગ્યાં. ગોળ લઈને આવ્યાં ત્યાં ઘી સાફ! તોય માસીએ લોંદા ભરીને ગોળ થાળીમાં મૂક્યો. માસા ઊભા થઈને ઘરમાં લાકડી લેવા ગ્યા. લાકડી લઈને બારા આવે ત્યાં થાળીમાંથી ગોળ ગુમ, અને ઓસરીમાંથી ખોડો ગુમ! }
Read Original Article →