અમીર ખુસરોની વાત:દિલ્હી હજી દૂર છે

Magazine4/26/2026, 12:50:00 AM
અમીર ખુસરોની વાત:દિલ્હી હજી દૂર છે
મહાન શાયર, સંગીતકાર અને સૂફી તરીકે મશહૂર એવા અમીર ખુસરો સૂફીસંત શેખ નિજામુદ્દીન એલિયાના સાચા શિષ્ય હતા. ગુરુનો અપાર પ્રેમ શિષ્યને મળ્યો હતો. અમીર ખુસરો દિલ્હીનાં સુલતાન ગ્યાસુદ્દીન તુગલકના દરબારી હતા. સુલતાન અમીર ખુસરોને તો ચાહતા હતા પરંતુ સંત ઓલિયા નિજામુદ્દીન પ્રત્યે તેમને સખ્ત નફરત હતી. દિલ્હીમાં રહેતા ઓલિયાએ અનેક શાસકો જોયેલા પરંતુ ક્યારેય તેમણે કોઈ સુલતાનની મુલાકાત કરી નહોતી કે નહોતી તેમને કોઈ નાણાકીય કે બીજી અપેક્ષા. ઓલિયા સદા તેમની ધાર્મિક ઉપાસના આરાધના અને માનવસેવામાં લીન રહેતાં. તેમની ખાનકાહ(આશ્રમ) માં કોઈ ભેદભાવ નહોતો. શેખના પવિત્ર જીવનથી પરિચિત હોવા છતાં ગ્યાસુદ્દીન તેમને નફરત કરતો હતો અને શત્રુભાવથી જોતો. એક વખત સુલતાન ગ્યાસુદ્દીન પૂર્વીય ક્ષેત્રમાં વિજયી થઈને દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે અમીર ખુસરોને સુલતાને એક ચિઠ્ઠી આપી અને એ શેખ નિજામુદ્દીનને આપવા કહ્યું. એ ચિઠ્ઠીમાં ઓલિયાને તરત જ દિલ્હી છોડી જવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પોતાના પ્રિય અને પવિત્ર ગુરુની આ હાલત! તેનું હૈયું ભરાઈ આવ્યું. પરંતુ સુલતાનની આજ્ઞા પાળવી ફરજિયાત હતી. અતિ દુઃખ સાથે તેમણે શેખ નિજામુદ્દીનને ચિઠ્ઠી આપી. સંદેશો વાંચીને શેખ હસ્યા અને કહ્યું, ‘હનૂજ દિલ્લી દૂરઅસ્ત.’ (હજી દિલ્હી દૂર છે.) ત્યારે ઘટના એવી બની કે સુલતાનના ભવ્ય સ્વાગત માટે તેના પુત્ર જૂનાખાંએ અતિ ઉત્સાહથી દિલ્હીથી થોડે દૂર અફગાનપુરમાં એક ભવ્ય મંડપ તૈયાર કરાવ્યો હતો. શાનદાર ઉત્સવ ઊજવાયા પછી શાહીભોજન થયું. ત્યારબાદ હાથીઓનું સરઘસ નીકળ્યું તો અચાનક મંડપ જમીનદોસ્ત થઈ ગયો. અનેક સરદારો સૈનિકો સાથે સુલતાન ગ્યાસુદ્દીન પણ તેમાં દટાઈ મરી ગયો. દિલ્હીમાં પહોંચવાના એનાં ઓરતાં અધૂરા રહ્યા. ઓલિયાની વાણી સાચી પડી. ત્યારથી ‘દિલ્હી હજી દૂર છે.’ એ રૂઢિપ્રયોગ ચાલુ થયો. - નગીન દવે
Read Original Article →