જીવનના હકારની કવિતા:સાંબેલું વગાડે તો હું જાણું…...
એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાણો છે.
એકને જ જાચું એવી ટેક છેક રાખી એક
શેઠને રિઝાવી મોજ લેવાને મંડાણો છે.
કહે દલપત પછી બોલ્યો તે કંજૂસ શેઠ,
ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.
- દલપતરામ
કદર ન હોય ત્યાંથી ચૂપચાપ નીકળી જવું. કલાને પામતાં ન આવડે તો અવિવેકના અતિરેકથી બચવું. કાર્યક્રમોમાં ઘણાને મળવાનું બને. પછી વાત શરૂ કરવા માટે સાવ અર્થહીન સવાલ પૂછે. ‘તમે આમ કયા વિષય પર કવિતા લખો?’ – હવે એમને કેમ સમજાવવું કે ‘વિષય’ ત્યાગ પછી જ કવિતાનું સાચું સર્જન થાય! કવિતાનું ‘ટૅક ઓફ’ દૂરના વિષયનું સિગ્નલ મળ્યા પછી થોડું થાય છે? કલા માત્ર સ્વયંને અજવાળવા માટે છે. એ પછી સંગીત હોય કે ચિત્રકામ કે કવિતા... એનો આશય ખુદ પોતાને જ તૃપ્ત કરવાનો છે. એમાં વ્યવસાય ભળે ત્યાંથી દુનિયા સિવાયના દુઃખ પણ સાથિયા કરે ! કલાને હક્ક છે પુરસ્કૃત થવાનો ! એનો સૌથી મોટો પુરસ્કાર એને માણનાર ભાવક રાજી થયો તે છે ! દલપતરામથી ગુજરાતી કવિતાનો વગડો ઘેઘૂર છે. દલપત કાવ્ય ગુજરાતી કવિતામાં ઉમેરાયેલી શૈલી છે. સાવ સામાન્ય લાગતી વાતને કવિ બ-ખૂબી કવિતામાં કંડારે છે. ‘એક શરણાઈવાળો’ એમનું નોંધપાત્ર કાવ્ય છે.
સાત વર્ષથી સાધના કરીને શરણાઈ શીખનાર એક કલાકારની એમાં વાત છે. રાગ-રાગિણી વગાડવામાં એ પારંગત થયો છે. એક શ્રોતા પણ એને સાંભળીને ધન્ય બને તો એના માટે ભયો ભયો! એણે એક શેઠને રીઝવવાનું બીડું ઝડપ્યું છે. કલાને રીઝવવા માટે બીડું ઝડપવું પડે એ જ કલાનું અપમાન છે. કવિએ આ કાવ્ય લખીને કલાકાર અને ભાવક બંનેના ગુણની કસોટી કરી છે. સ્ટેજ પર એવા ગુમાનથી જઈએ કે આજે તો રજૂઆતથી બધાને મંત્રમુગ્ધ જ કરી દેવા છે – તો એ ગુમાન પણ ક્યારેક પસ્તાવો આપે! પણ, દલપતરામના શરણાઈવાળાને તો આજે પોતાની કલાથી શેઠને રીઝવવા જ છે. પછી થાય શું? શેઠ પણ આનંદિત તો થયાં જ પણ, એને પુરસ્કાર આપતી વેળાએ શરણાઈવાળાને કહ્યું: ‘તું તો નાહકનો ફુલાય છે. આ શરણાઈ તો પોલી છે એટલે વાગે છે. સાંબેલું વગાડીને બતાવ તો તને સાચો-શાણો કલાકાર માનું!’
કલાની કદર ન થવાની હોય ત્યાં કલાકારને ખૂબ પુરસ્કાર મળતો હોય તો પણ ન જવું. અને જ્યાં પુરસ્કાર વગર ભાવકોની આંખો છલકાઇ જતી હોય ત્યાં એણે હૃદયથી કલાને રજૂ કરવી. પૈસાદાર માણસો અને કંજૂસ પૈસાદાર માણસોનો ભેદ કવિ દલપતરામે સમજાવ્યો છે. સાંબેલું વગાડી જાણે એવા માણસો પણ આજકાલ જોવા મળે જ છે પણ એમની પાસેથી વાંસના પોલાણમાંથી આવતાં શુદ્ધ સંગીતને સાંભળવા નથી મળતું ! ખૂબ સાંભળેલી, વાંચેલી કવિતાને ફરી ફરી વાંચીએ છીએ ત્યારે ગુજરાતી કવિતાના પ્રેમમાં ફરીથી પડવાનું મન થાય છે. કવિ દલપતરામ કેડેથી વળેલી ડોશીને જુએ છે અને એ ડોશી કેડ વાળીને પોતાની જિંદગીને જ શોધતી હોય એવો ભાવ કાવ્યમાં જગાડે છે. નીચે વળીને નહીં, જ્યાં છીએ ત્યાંથી અટકીને કવિ દલપતરામનું બીજું કાવ્ય પણ માણવા જેવું છે. કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી. }
Read Original Article →