હિડન ટ્રુથ:સૃષ્ટિ અને ઈશ્વર કે સૃષ્ટિ એ જ ઈશ્વર?
જયેશ દવે કશું છે તો તેનો સર્જક પણ છે. આ અક્ષરો આપ વાચી રહ્યા છો તો તેને લખનાર અને પ્રિન્ટ કરનાર પણ કોઈ છે આ સમજી શકાય તેવી વાત છે. હવે સૃષ્ટિની વાત કરીએ તો આ સમગ્ર સૃષ્ટિ અસ્તિત્વમાં છે તો તેનો કોઈ રચયિતા પણ ઈશ્વર, ગોડ પણ હોય જ. આ સામાન્ય તર્ક છે અને તેને આપણે ભૌતિક જગતની તમામ વસ્તુઓમાં જોઈ સમજી શકીએ છીએ, પરંતુ સમગ્ર સૃષ્ટિ અસ્તિત્વ બાબતે સર્જન અને સર્જક અંગે આવું નથી. અહીં સર્જન જ સર્જક છે એટલે કે સર્જકનું કોઈ અલગ અસ્તિત્વ નથી. તમને લાગશે આ તો ઈશ્વરના અસ્તિત્વ સામે આંગળી ચીંધવાની વાત છે પરંતુ આ તો ઈશ્વરના અસ્તિત્વને વધુ સારી રીતે સમજવાની બાબત છે. મુંડક ઉપનિષદ કહે છે:
યથોર્ણનાભિ: સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામોષધય: સંભવન્તિ |
યથા સત: પુરુષાત્કેશલોમાનિ તથાક્ષરાત્સંભવતીહ વિશ્વમ્ ||
કરોળિયો (ઉર્ણનાભિ:) પોતાની અંદરથી જ જાળું બનાવે છે (સૃજતે) અને ફરી તેને પોતાની અંદર જ ખેંચી લે છે (ગૃહ્ણતે), તેવી રીતે આ અક્ષરબ્રહ્મ (પરમાત્મા) માંથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે અને અંતે તેમાં જ વિલીન થઈ જાય છે. સર્જન અને સર્જક એક છે તેના પ્રતિપાદન માટે સનાતનમાં અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. અહીં વાત સર્જન છે પરંતુ સર્જક કોણ તે સમજવું મુશ્કેલ થઈ જાય તેની કરવી છે. સર્જન હોય તો તેની શરૂઆત હોય તે આપણી સમજ છે અને શરૂઆત હોય તો તે કોઈ ચીજ દ્વારા ઉત્પન્ન થયું તે પણ માનવું રહ્યું. અહીં ખરો ખેલ શરૂ થાય છે. કોઈ વસ્તુ જેમ કે ઈશ્વર કે પછી તેનામાં જ સ્થિત આ સૃષ્ટિ તે સમજવા સ્વયંભૂ હોય શકે તે સમજવા શાસ્ત્રોમાં મુજબ વિવિધ પદ્ધતિ અને પ્રમાણ છે. પરંતુ અહીં એક પેરાડોક્સની મદદથી આ વાત રસપ્રદ રીતે સમજીએ.
‘બુટસ્ટ્રેપ પેરાડોક્સ’ તરીકે જાણીતો આ વણઉકલ્યો કોયડો ચકરાવે ચડાવી દે તેવો છે. તો સમજીએ. ટાઈમ ટ્રાવેલ કરી શકાય તે સમયની વાત છે. તમારું નામ ઈશ્વર છે. તમે ટાઈમ ટ્રાવેલ કરી ભવિષ્યમાં પહોંચો છો અને ત્યાં એક મજાનું ગીત સાંભળો છો. આ ગીત તેમને ખૂબ ગમી જાય છે અને તમને પોતાને યુવા વયે સાંભળવા મળે તે માટે ભુતકાળમાં પહોંચી તમે તમારા જ યુવા સ્વરૂપને મળી આ ગીત સંભળાવો છો. હવે આ ઈશ્વર ગીત સાંભળી ખુશ થઈ જાય છે અને તે શીખી લે છે. તે આ ગીતને વિશ્વભરમાં ગાઈને ધૂમ મચાવે છે અને ગીત આખરે ખૂબ લોકપ્રિય થઈ જાય છે.
હવે મગજ કસવા તૈયાર થઈ જાવ. તમને આ ગીત ક્યાંથી મળ્યું? ભવિષ્યમાં તમારી પાસેથી જ. ભવિષ્યમાંથી આ જે પ્રસિદ્ધ ગીત મળ્યું તે કોણે બનાવ્યું? તમે યુવા વયે? ના, તમે બનાવ્યું નથી તમે સાંભળ્યું અને ગાયું. આ રચના તમારી ન કહેવાય. તો મોટા થયા બાદ તમે બનાવ્યું? ના, એ તો તમે યુવા હતા ત્યારે ગાયેલું ગીત છે, તમે બનાવ્યું ક્યાં છે? તો આ ગીતનો મૂળ રચયિતા કોણ? આ પેરાડોક્સને હજુ જરા સરળ રીતે સમજીએ. ભવિષ્યમાં પહોંચી ઈશ્વર નામની વ્યક્તિએ એક માનવના ડી. એન. એ.ની કોપી મેળવી. માનવજાતના વિકાસ માટે ઈશ્વર પોતાના યુવા સ્વરૂપને આ ડી. એન. એ. સોંપે છે. એ યુવા ઈશ્વર તેમાંથી માનવ બનાવે છે. આ એ માનવ છે જે ભવિષ્યમાં તમને મળ્યો હતો. હવે કહો આ માનવ કોણે બનાવ્યો?
કેવી અનોખી વાત છે, કશુંક છે પરંતુ તેનો સર્જક કોઈ નથી અથવા તો સમગ્ર અસ્તિત્વ છે. એવું અસ્તિત્વ જે સમયબંધનથી મુક્ત છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન તેના માટે સમાન છે. ભવિષ્યમાંના બ્રહ્માંડ પરથી તેના બીજ તત્ત્વને લઈ ભૂતકાળમાં પરત ફરી તે તત્ત્વમાંથી બ્રહ્માંડ આકાર લે તો આ બ્રહ્માંડનું સર્જન સ્વયંભૂ કહી શકાય? જો ભવિષ્યમાં જઈ શકાય તો આ શક્ય છે તેવો તમારો જવાબ હોય તો આ ત્યારે જ શક્ય છે જ્યારે સર્જક પોતે જ સર્જન સ્વરૂપે પ્રગટ હોય.
આ પરિસ્થિતિમાં ઈશ્વર સ્વયં પોતાના ઐશ્વર્ય, સૃષ્ટિ સ્વરૂપે પ્રગટ છે તેમ ન કહી શકાય? ઈશ્વર અજન્મા, અદ્વિતીય, અસીમ, સર્વકાલીન, સમયથી પર છે તો તેની આ રચના સૃષ્ટિ તે જ તે સ્વયં તેમ ન કહી શકાય? }
Read Original Article →