વિકાસની વાટે:તમે જાત પર કાબૂ નથી રાખી શકતા?
હસમુખ પટેલ વિમાનમાં મારા બાજુના પ્રવાસીએ ટિકિટ કરાવતી વખતે ઓછી કેલેરીવાળું બિનશાકાહારી ભોજન નોંધાવેલું હતું. કોઈકની ભૂલને કારણે વિમાનમાં તે ઉપલબ્ધ થયું નહીં. તે પરિચારિકા પર બહુ જ ગુસ્સે થઈ રહ્યા હતા. પરિચારિકા ‘સોરી સર એ અમારી ભૂલ છે. ભવિષ્યમાં અમે ધ્યાન રાખીશું.’ તેવું વારંવાર કહી રહી હતી.
પ્રવાસીનું વર્તન જોતાં સામેવાળાનો પિત્તો ન જાય તો જ નવાઈ. તેમના આટલા આક્રમક વલણ છતાં પરિચારિકા શાંત ચિત્તે વિવેકપૂર્ણ રીતે જવાબ આપી રહી હતી. આ ભૂલ માટે પોતે જવાબદાર પણ ન હતી, કારણ કે વિમાનમાં ખોરાકનાં પેકેટ તો બીજા કોઈએ ચઢાવ્યાં હતાં. તેના પર દોષ દેવાને બદલે તે વારંવાર દિલગીરી જ વ્યક્ત કરી રહી હતી.
તે આટલો સંયમ કેમ રાખી રહી હતી? કારણ કે ગમે તે પરિસ્થિતિમાં મુસાફર સાથે વિવેકથી જ વાત કરવી તેવી તેને તાલીમ આપવામાં આવી હતી. પરિચારિકાને ખબર છે કે જે દિવસે તેણે મુસાફર સામે મગજ ગુમાવ્યું તે દિવસે તેણે નોકરીથી હાથ ધોઈ નાખવા પડશે. પરિણામની ખબર છે તેથી તે પોતાની જાત પર નિયંત્રણ રાખી શકે છે. આ પરિચારિકા ફરજ પર ન હોય ત્યારે ગુસ્સો નહીં કરતી હોય? એવું તો ન જ હોય. અન્ય પરિસ્થિતિમાં તે પણ અન્યની જેમ જ મગજ ગુમાવતી હશે. ફરજ પર હોય ત્યારે તે મગજ પર કાબૂ રાખી શકતી હોય તો ફરજ પર ન હોય ત્યારે ન રાખી શકે?
સવાલ જાગૃતિનો છે. જો આપણે જાગૃત હોઈએ તો ઘણી ન કરવા જેવી વસ્તુઓ ટાળી શકીએ અને ઘણી કરવા જેવી બાબતો કરી શકીએ. આવી જાગૃતિ લાવવી કેવી રીતે?
આપણે સૌ મોટેરાઓ તથા અભ્યાસ કરતા અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અમુક-તમુક વર્તનનાં પરિણામ ખબર જ હોય છે. મોટેરાઓ જીવનના એવા તબક્કે હોય છે કે તેઓ જાત પર નિયંત્રણ ન રાખે તો એટલાં મોટાં પરિણામ ભોગવવાનાં થતાં નથી પણ વિદ્યાર્થીઓનું તો જીવન જ તેના પર નિર્ભર હોય છે, છતાં પણ તેઓ જાત પર કેમ કાબૂ નથી રાખી શકતા? ઘણી વાર તો તેઓ પોતાના વર્તન સાથે પરિણામને સીધી રીતે જોડતા નથી. તેમની પાસે ભવિષ્યનો નકશો હોતો નથી. જો તેઓ અત્યારે પોતાનું કામ ગંભીરતાથી ન કરે તો તેઓનું ભવિષ્ય કેવું હશે તેનો વિચાર કરે, પેલી પરિચારિકાની જેમ પોતાના અયોગ્ય વર્તનનાં પરિણામની તેમને ખબર પડે તો તેઓ પોતાના વર્તન પર યોગ્ય નિયંત્રણ કરી શકે.
વિદ્યાર્થીના કિસ્સામાં અભ્યાસ પર સતત ધ્યાન આપવાનું હોવાથી તેણે પરિણામની જાગૃતિ સતત રાખવી પડે. પરિણામની સતત જાગૃતિ તથા તેને આધારે વર્તન પર સતત નિયંત્રણ અઘરું છે પરંતુ અસંભવ નથી. સતત નિયંત્રણને બદલે મોટા ભાગે યોગ્ય વર્તન કરવામાં આવે તો પણ સારાં પરિણામ મળી શકે. જ્યારે પણ ગાડી પાટા પરથી ઊતરી જાય ત્યારે જાગૃત થઈ કામે લાગી જવું પડે. સતત ગંભીરતાપૂર્વકનો પરિશ્રમ થાક લગાડે તો વચ્ચે થોડો પોરો ખાઈ શકાય. વચ્ચે હળવાશથી જીવી શકાય. તે પણ મોટા ભાગે યોગ્ય વર્તન કરવાના પ્રયત્નના ભાગરૂપે કરી શકાય.
આવું કરવામાં સૌથી મોટો અવરોધ છે અયોગ્ય વર્તનને યોગ્ય ઠેરવવું. તેના માટેનાં કારણો આપવાં. ન કરવા માટે તો સો કારણો મળી રહેશે. વિદ્યાર્થીઓ મોટાભાગે આ રીતને કારણે નિષ્ફળ જતા હોય છે. તેવું કરવાને બદલે અયોગ્ય વર્તનની નોંધ લઇ તેનો સ્વીકાર કરી ફરી કામે લાગી જવાથી સારાં પરિણામો મળશે. તે ઘડીએ કામ કરવાની ઈચ્છા ન થતી હોય તો તેનો પણ સ્વીકાર કરી યોગ્ય વિરામ લઈ કામે લાગી જવું. કામ કે વિરામ કંઈ પણ જાગૃતિપૂર્વક કરવાથી પરિણામો મળે જ. જાગૃતિની જાદુઈ છડીને સ્વવિકાસમાં કામે લગાડીએ. }
Read Original Article →