સ્ટ્રેઇટ ડ્રાઇવ:માર્મિક સ્મિત

Magazine5/31/2026, 12:35:00 AM
સ્ટ્રેઇટ ડ્રાઇવ:માર્મિક સ્મિત
અપૂર્વ ભટ્ટ વાત 1976ના ઉનાળાની છે. વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ નવસર્જનના તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને તેના કેટલાય યુવા ખેલાડીઓ પ્રતિભશાળી હતા પણ ખાસ અનુભવી ન હતા. હવાઈ પ્રવાસ દરમિયાન બ્રિટિશ એરવેઝની એર હોસ્ટેસે બ્રિટનનું પ્રખ્યાત છાપું વેસ્ટ ઇન્ડિઝના કપ્તાનના હાથમાં પકડાવ્યું અને માર્મિક હસી. વેસ્ટ ઇન્ડિઝના કપ્તાને છાપું ખોલ્યું અને છેલ્લા પાને નજર કરતા જ એર હોસ્ટસના માર્મિક સ્મિતનો મતલબ સમજી ગયા. છાપાના છેલ્લા પાને સ્પોર્ટ્સ ન્યૂઝમાં ઇંગ્લેન્ડના કપ્તાન ટોની ગ્રેગનો ઇન્ટરવ્યૂ છપાયો હતો. તેમાં વેસ્ટ ઇન્ડિઝની આગામી ટૂર બાબતે તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું કે અમે તેમને ઘૂંટણિયે પડી દઈશું. આમ બોલવાનું કારણ એ હતું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેની છેલ્લી ઑસ્ટ્રેલિયન ટૂરમાં ઑસ્ટ્રેલિયા સામે પાંચ વિરુદ્ધ એકથી ટેસ્ટ સિરીઝ હારી હતી. આ સમાચાર વાંચતા જ વેસ્ટ ઇન્ડિઝના કપ્તાન સમસમી ગયા. તેમની નજર સામે વેસ્ટ ઇન્ડિઝ તેની બે મહિના પહેલાંની ઓસ્ટ્રેલિયાની ટૂરમાં ઓસ્ટ્રેલિયા સામે શરમજનક રીતે ટેસ્ટ શ્રેણી હાર્યું હતું, તે ઘટના યાદ આવી ગઈ. કોઈ વિશેષ પ્રતિભાવ ન આપતા વેસ્ટ ઇન્ડિઝના અનુભવી કપ્તાને સાચવીને છાપું પોતાની બેગમાં મૂક્યું અને મનોમન મોટો નિર્ણય કરી લીધો. બંને દેશો વચ્ચે ક્રિકેટ શ્રેણી શરૂ થઈ અને પ્રથમ બંને ટેસ્ટ ડ્રોમાં પરિણમી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ માન્ચેસ્ટરમાં શરૂ થઈ અને વેસ્ટ ઇન્ડિઝના કપ્તાને પોતાના યુવા ખેલાડીઓ વિવિયન રિચાર્ડ્સ, ગોર્ડન ગ્રીનિજ, માઈકલ હોલ્ડિંગને આરપારની લડાઈ માટે બરોબર પ્રોત્સાહિત કર્યા અને પોતાના ચારેય તેજીલા તોખર જેવા ફાસ્ટ બોલર એન્ડી રોબર્ટ્સ, માઈકલ હોલ્ડિંગ, વાઈને ડેનિયલ અને હોલ્ડરની ચોકડીને છુટ્ટો દોર આપી દીધો. પછી જે બન્યું તે ઇતિહાસ હતો. વેસ્ટ ઇન્ડિઝે બાકીની ત્રણેય ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડને કારમો પરાજય આપ્યો. આ ટૂર થકી જ વિશ્વ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝના સુવર્ણ યુગની શરૂઆત થઈ અને વેસ્ટ ઇન્ડિઝે સતત 15 વર્ષ સુધી ક્રિકેટ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું. ટેસ્ટ સિરીઝ પૂરી થાય બાદ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પોતાના દેશ પરત ફરવા ગોઠવાઈ અને યોગાનુયોગ એર હોસ્ટેસ એ જ હતી જેણે વેસ્ટ ઇન્ડિઝના કપ્તાનને છાપું આપી માર્મિક સ્મિત કર્યું હતું! ફ્લાઈટ ઊપડી અને જેવી તે એર હોસ્ટેસ કપ્તાન પાસે આવી ત્યારે કપ્તાને પોતાની બેગમાંથી નવું (તે દિવસનું ) છાપું કાઢ્યું. એર હોસ્ટેસે છેલ્લા પાને નજર કરી અને આશ્ચર્યથી તેની આંખો ચમકી ગઈ. છેલ્લા પાને ઇંગ્લેન્ડના કપ્તાન ટોની ગ્રેગ ટેસ્ટ સિરીઝ હારીને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઘૂંટણિયે પડ્યા હોય તેવો ફોટો હતો. એર હોસ્ટેસે વેસ્ટ ઇન્ડિઝના કપ્તાન સામે જોયું. કપ્તાને માત્ર માર્મિક સ્મિત ફરકાવ્યું. સંયમિત વર્તનથી એર હોસ્ટેસને માત્ર માર્મિક સ્મિત દ્વારા પ્રત્યુત્તર આપનાર વેસ્ટ ઇન્ડિઝના આ મહાન કપ્તાન હતા ક્રિકેટ લિજેન્ડ સર ક્લાઇવ લોઈડ.
Read Original Article →