શબ્દ સકળ પૃથ્વીના:ક્લાસરૂમની આત્મકથા

Magazine4/19/2026, 1:00:00 AM
શબ્દ સકળ પૃથ્વીના:ક્લાસરૂમની આત્મકથા
અજયસિંહ ચૌહાણ બસ હવે દસ-પંદર દિવસ બાકી રહ્યા છે; શાળાઓમાં ઉનાળાની રજાઓ પડશે. ધિંગામસ્તી અને કલબલાટથી ગુંજતા વર્ગખંડો થોડાંક અઠવાડિયાં માટે શાંત થઈ જશે. નાનપણમાં નિબંધ લખવાનો થતો; એના વિષયો ખુરશી અને ટેબલની આત્મકથા આસપાસ ફર્યાં કરતાં. કોઈને એવો વિચાર કેમ નહીં આવ્યો હોય કે એમ પૂછીએ ‘એક વર્ગખંડની આત્મકથા’ લખો! વર્ગખંડ પોતે વાત કરતો હોય તો કેવી વાત કરે એનો અનુભવ કરવો હોય તો એક મજાનું પુસ્તક છે. ‘ક્લાસરૂમ કી આત્મકથા’ (2024). મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Power of Curiosity’નો એ હિન્દી અનુવાદ છે. એના અનુવાદક ભુવેન્દ્ર ત્યાગી ‘દૈનિક ભાસ્કર’ મુંબઈમાં કાર્યકારી સંપાદક છે. અનિતા કરવાલ, રજનીશ કુમાર અને રાશિ શર્માએ સાથે મળીને આ પુસ્તક લખ્યું છે. અનિતા કરવાલ 1988ની ગુજરાત બેચના ભારતીય વહીવટી સેવાનાં અધિકારી; જે 2022માં ભારત સરકારના શિક્ષણ વિભાગમાંથી સ્કૂલ શિક્ષણ વિભાગના સચિવ પદેથી નિવૃત થયાં. રજનીશ કુમાર ભારતીય રેલવેમાંથી શિક્ષણ વિભાગમાં પ્રતિનિયુક્તિ પર હતા. રાશિ શર્મા ભારતીય ટપાલ સેવાનાં અધિકારી. ત્રણેય લેખકોને જોડતી કડી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’. NEP-2020નો અંતિમ મુસદ્દો તૈયાર કરવાની જે ટીમ હતી; એમાં ત્રણે જણે સાથે કામ કર્યું. એમાં બાળકના ઉછેર, પ્રાથમિક શિક્ષણ વગેરેને લઈને વિચાર-વિમર્શ ચાલ્યો. એ દરમિયાન કોરોના મહામારી આવી. ભારત સહિત દુનિયાભરની શાળા-કોલેજો બંધ થઈ ગઈ. પરિસ્થિતિ ફરી સામાન્ય કરવી સરળ નહોતી. એમાંથી રજનીશ કુમારને વિચાર આવ્યો. ‘મેડમ એક પુસ્તક લખીએ, જેમાં વર્ગખંડમાં આનંદદાયક સ્થિતિ સર્જી; બાળકોની શીખવાની ક્ષમતા કેવી રીતે વધારી શકાય? એની વાત હોય.’ ત્રણે જણે ગૂગલ ડ્રાઈવની મદદથી લખવાનું શરૂ કર્યું. બધા જ લખતાં અને એકબીજાનાં કામને એડિટ પણ કરતાં. જેમ શિક્ષણશાસ્ત્રનાં બીજાં પુસ્તકોમાં હોય; એની થિયરીની ચર્ચા હોત તો આ પુસ્તક કંટાળાજનક બની જવાનો સંભવ હતો. પણ, અહીં આખી વાત સર્જનાત્મક રીતે કહેવાઈ છે. પુસ્તકની રચનારીતિ એવી છે કે ‘ફ્રંટલ’ નામનો ક્લાસરૂમ આત્મકથા કહીં રહ્યો છે. શાળામાં કુલ આઠ ક્લાસ રૂમ છે. બધા એક-બીજા સાથે વાતો કરતાં હોય છે. ક્લાસરૂમના નામ માનવ મસ્તિષ્કના જુદાં જુદાં ભાગો પરથી પાડવામાં આવ્યા છે. ‘અમિગ્ડલા’ (મગજનો આ ભાગ લાગણીઓ, યાદગીરી, લડવું જેવી બાબતો માટે જવાબદાર છે.), ‘ઑક્સિપિટલ’ (રંગ, શબ્દ, સંખ્યા, વસ્તુનું વિશ્લેષ્ણ કરે છે.), ‘ટેમ્પોરલ’ (ધ્વનિ અને ભાષાને સમજે છે તેમજ યાદ રાખે છે.), ‘પેરાઈટલ’ (સંવેદન, લખાણ અને શરીરની સ્થિતિને જાળવે છે.), ‘ફ્રંટલ’ (તાર્કિક વિચાર, સમસ્યા-સમાધાન, હાસ્ય સહિત તમામ અભિવ્યક્તિઓ માટે કારણભૂત.) ‘બ્રેનસ્ટેમ’ (શ્વાસ-ઉશ્વાસ, બ્લડપ્રેશર અને હૃદયની ગતિ જેવી ક્રિયાઓ નિયંત્રિત કરે છે.) ‘સેરિબેલમ’ (ઉચ્ચ પ્રકારની જાણકારી અને ભાવનાત્મક કામો આ મગજના આ હિસ્સામાંથી થાય છે. આ મગજનો માત્ર દસ ટકા ભાગ છે પણ પચાસ ટકા ન્યૂરોન્સ આમાં જ હોય છે.) ‘હિપ્પોકેમ્પસ’ (યાદગીરી બનાવવા આધાર આપે છે. ટેક્નિકલ કાર્યોમાં સહાય કરે છે. કોઈપણ વસ્તુ સાથે જોડાયેલ યાદગીરીની મજબૂત શૃંખલા ઊભી કરે છે.) ક્યૂબી આ આત્મકથાનું મુખ્યપાત્ર છે. ઉપરાંત એનાં સહઅધ્યાયી, શિક્ષકો, વાલીઓ; એમ બીજાં અનેક પાત્રો છે. વીસ વર્ષ પહેલાં કેવી રીતે શાળાના બાંધકામની શરૂઆત થઈ; ત્યાંથી ફ્રંટલ વાત શરૂ કરે છે. એપ્રિલ મહિનાના ધોમધખતા તાપમાં એક મહિલા જેને ‘સરપંચ મેડમ’ કહેવામાં આવતા એમને ખાતમૂર્હત કર્યું. ગ્રામપંચાયતના પુરૂષ સભ્યોની અનિચ્છા છતાં એમને શાળા કરવાનું નક્કી કર્યું. અંગત રસ લઈ, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નિર્માણ કરાવ્યું. આઠ વર્ગખંડો તૈયાર થયા. વાતની શરૂઆત થાય છે, ત્યારે વીસ વર્ષ પછીની ઉનાળાની રજાઓ બાદ શાળા ખૂલી છે. ભાતભાતના વાલીઓ બાળકોને મૂકવા આવે છે. કેટલાંક એવાં જેમના પગમાં પૈડાં હોય; આવ્યાં અન ગયાં. કેટલાંક બહારથી ગરમ, અંદરથી નરમ. કોઈક સતત ચિંતામાં હોય એવાં. કોઈક તો એવાં કે જાણેકે બાળક એમના માટે બોજ હોય અને એ પોતાની પીઠ પરથી ઉતારી શાળા પર લાદવા આવ્યાં હોય. એમાં એકદમ જુદા પડે છે ક્યૂબીના પિતા અને દાદી. ક્યૂબીને વર્ગખંડ પાસે લઈ જઈ પિતાએ કહ્યું ‘આ તારો ક્લાસ છે, ક્યૂબી! તને ગમ્યો?’ દાદીએ એના વાળમાં હાથ ફેરવતાં કહ્યું ‘ત્યાં પેલાં છોકરાંને જો તો ખરી. એમાંથી કેટલાંક તો જીવનભરના તારા મિત્રો બની જશે.’ ફ્રંટલને થાય છે કે આ બાળકનો ઉછેર કંઇક જુદી રીતે થયો છે. પછી તો ક્યૂબી કઈ રીતે બધા સાથે હળી મળી જાય છે એની વાત છે. આખા પુસ્તકની રચના એ રીતે છે કે પહેલા કોઈ પ્રસંગ મૂકવામાં આવે અને પછી આઠેય ક્લાસરૂમ એના વિશે અંદરો-અંદર વાતો કરે. એમાં પ્રાણીઓ, પ્રકૃતિ, ભાષા, ગણિત વગેરેને બાળકનું મન, મગજ કેવી રીતે ગ્રહણ કરે છે; એની વાતો થાય. આ બધામાં ફલિત એ થાય છે કે બાળકમાં જિજ્ઞાસા ઊભી પડે. મુખ્ય શક્તિ જિજ્ઞાસામાં છે. શિક્ષકો એમની ભણાવવાની રીતો સમજાતી જાય. એમાં બીજું મહત્ત્વનું પાત્ર છે, મુખ્ય અધ્યાપક. પુસ્તકના અંતે એમની બદલી બીજે થવાથી વર્ગખંડો દુ:ખી થઈ જાય છે. ફરી ઉનાળાની રજાઓ પડવાની છે. શાળામાં બીજા ચાર નવા વર્ગખંડો ઉમેરાય છે. એમનાં નામ પણ મગજના જ બીજા હિસ્સાઓ પરથી છે. જૂના આઠ અને નવા ચાર વર્ગખંડોમાં દોસ્તી થાય છે. બાળકોમાં સર્જનાત્મકતા વિકસિત કરવા માટે જિજ્ઞાસાનું પોષણ કરવું જોઈએ; તે આ પુસ્તકનું મુખ્ય આધાર બિંદુ છે. ભણાવવાની કોઈ એક રીત નથી હોતી. શિક્ષક જે રીતથી વર્ગને આનંદમય, આકર્ષક અને શીખવાલાયક બનાવે છે, એ રીત સાચી છે. પુસ્તક વાંચવાનું શરૂ કરીએ ત્યારે મગજનાં અટપટાં નામોને કારણે શરૂઆતમાં થોડી ધીરજ રાખવી પડે છે. નામોને સરળ કરી શકાયાં હોત તો વધુ રસપ્રદ બનત! શિક્ષકો અને વાલીઓએ ખાસ વાંચવા જેવું આ પુસ્તક છે.
Read Original Article →