ડૂબકી:કોઈ નજર રાખી રહ્યું છે
ઘણાં વર્ષો પહેલાં સાહિત્યકાર અને મિત્ર સનત ભટ્ટના નિમંત્રણથી અમે થોડા મિત્રો આદિવાસીઓનો ‘દશેરો’ માણવા છોટા ઉદેપુર ગયા હતા. દશેરાની સવારથી જ સેંકડો આદિવાસી યુવક-યુવતીઓ, કિશોર-કિશોરીઓ એમના વિસ્તારમાંથી છોટા ઉદેપુરમાં ઊતરી આવ્યાં હતાં. સાંજ પડી ત્યાં સુધીમાં છોટા ઉદેપુરની બજારનો ચોક અને રસ્તા એમનાં નૃત્યો, ગીતો અને પાવાવાદનથી ગૂંજી ઊઠ્યા હતા. ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. ભરચક ભીડમાં એક આદિવાસી છોકરો એને ગમી ગયેલી આદિવાસી છોકરીને કોઈની પરવા કર્યા વિના અપલક જોઈ રહ્યો હતો. છોકરી પણ એની સામે નજર માંડી આંખ ઢાળી દેતી હતી
એ ‘જોવું’ જુદું હતું. આજે કેટલીય અદૃશ્ય આંખો આપણા પર નજર રાખી રહી છે એ સ્થિતિ અલગ છે. કોઈ આપણને જુએ છે એવો અહેસાસ સતત મનમાં રહે છે. ઘરમાં, પારિવારિક મિલનમાં, રસ્તા પર, મોલમાં, ધર્મસ્થાનોમાં, અજાણ્યાઓની વચ્ચે, ઓનલાઇન કશુંક સર્ચ કરતા હોઈ કે કશુંક પોસ્ટ કરતા હોઈએ ત્યારે અચાનક લાગે છે કે કોઈ આપણામાંથી કશુંક શોધે છે, આપણને જજ કરે છે અને અભિપ્રાયો બાંધે છે.
જરૂરી નથી કે એવો અહેસાસ હંમેશાં આપણો વહેમ હોય. ટેક્નોલોજીએ દુનિયાને અદૃશ્ય આંખોની ભેટ ધરી તે પહેલાંના સમયથી અંગત પરિવાર, પાડોશીઓ, સમાજ અને સરકાર આપણા પર નજર રાખતા આવ્યાં છે. આજે એ અનુભવ વ્યાપક અને તીવ્ર બન્યો છે. સાવર્જનિક સ્થળોમાં મૂકેલા કેમેરા, ઓનલાઇન ટ્રેકિંગની સુવિધા, ચહેરાની ઓળખ કરતાં સોફ્ટવેર વગેરે અસંખ્ય આંખો આપણા પર મંડાઈ છે. આપણી જાણ બહાર આપણા ડેટા એકઠા કરવામાં આવે છે. એક વાર ઓનલાઇન ખરીદી કરવા સર્ચ કર્યું હોય તે સાથે જ આપણી સામે એવા જ પ્રકારની પ્રોડક્ટની જાહેરાતોનો ખડકલો થઈ જાય છે. લોકો જે કરે છે, જ્યાં જાય છે ત્યાં એમની ડિજિટલ નિશાનીઓ છોડતા જાય છે. આજના સમયમાં આપણા પર નજર રાખવામાં આવી રહી છે એ સ્થિતિ વરવી વાસ્તવિકતા બની ગઈ છે.
બ્રિટનના સુપ્રસિદ્ધ લેખક જ્યોર્જ ઓરવેલની પોલિટિકલ નવલકથા ‘નાઇન્ટીન એઇટી ફોર’ 1949માં પ્રકાશિત થઈ. એમાં એમણે નાગરિકોની દરેક હિલચાલ પર નજર રાખતા ‘બિગ બ્રધર’ની કલ્પના કરી છે. એ નવલકથાનું એક વાક્ય ‘બિગ બ્રધર ઇઝ વૉચિંગ યૂ’ આજની દુનિયાનું સત્ય બની ગયું છે. એમાં એમણે સર્વેલન્સ, પ્રોપેગન્ડા અને ભયના વાતાવરણમાં જીવતા સમાજનું ભયાવહ ચિત્ર આપ્યું છે. કોઈ જોતું હોય કે ન જોતું હોય, છતાં કોઈ આપણા પર નજર રાખી રહ્યું છે એ દહેશત લોકોના વાણી-વર્તન પર અસાધારણ અસર કરે છે એ વિચાર આજે સાચો સાબિત થઈ રહ્યો છે.
થોડાં વર્ષો પહેલાં લોકોની પ્રામાણિકતાનું સર્વેક્ષણ કરવા એક મોલમાં પેમેન્ટ કાઉન્ટરની પાછળ બે આંખોનો મોટો ફોટો મૂક્યો હતો. ત્યાર પછી વધારે પ્રામાણિકતાથી પેમન્ટ કરતા ગ્રાહકોની સંખ્યામાં સારો એવો વધારો થયો હતો. ફેન્ચે ફિલોસોફર મિશેલ ફૂકોએ ઘણાં વર્ષો પહેલાં કેદીઓ પર નજર રાખવા માટે અલગ પ્રકારની જેલનો કન્સેપ્ટ વિચાર્યો હતો. જેલની કોટડીઓ વર્તુળાકારમાં અને સેન્ટરમાં એક જ ગાર્ડ બધા કેદીઓને જોઈ શકે એવું વૉચટાવર એ પ્રકારની ડિઝાઈન એમણે બનાવી હતી. કેદીઓને ખબર ન પડે કે ચોક્કસ ક્ષણે ગાર્ડની નજર એના પર છે કે કેમ. તેમ છતાં ગાર્ડ જોઈ રહ્યો છે એટલી સભાનતા પણ એમને શિસ્તમાં રાખવા પર્યાપ્ત થાય એવો એમનો ખ્યાલ હતો. ફૂફો માનતો હતો કે આધુનિક સમયમાં કોઈ જોતું ન હોય છતાં કોઈ જોઈ રહ્યું છે એવો વહેમ પણ લોકોના માનસ પર અસર કરે છે.
આધુનિક ટેક્નોલોજીના ઉદય પહેલાંના સમયથી ઘણા દેશોમાં રાજસત્તા દ્વારા લોકો પર ચાંપતી નજર રાખવાની પદ્ધતિ અમલમાં હતી. અત્યારે પણ છે. સત્તાધારી પક્ષો એમના વિરોધી પક્ષના નેતાઓ પર તો નજર રાખે જ, પોતાના પક્ષના મહત્ત્વાકાંક્ષી લોકોની હરકતો પર પણ નજર રાખે છે. ઘણા દેશોમાં શંકાસ્પદ વલણ ધરાવતા લોકોની બધી મહિતી એકઠી કરવામાં આવે છે, જેથી શંકાના દાયરામાં આવેલા લોકો કોઈ કાવતરું કરે તે પહેલાં જ એમના પર પ્રહાર કરી શકાય. દેશની સુરક્ષા અને ગુનાની પ્રવૃત્તિ ડામવા માટે એ વ્યવસ્થા જરૂરી છે, છતાં એમાં લોકોના વ્યક્તિસ્વાતંત્ર્યના અધિકાર પર તરાપનો મુદ્દો પણ ઊભો થાય છે.
આપણને નાનપણથી કહેવામાં આવે છે કે ભગવાન બધું જુએ છે. એનાથી કશું છાનું નથી. આપણા મનમાં ચાલતા વિચારોની પણ એને ખબર પડી જાય છે. આ સમજથી આસ્તિક લોકોના મનમાં આશ્વાસનનો ભાવ રહે છે કે કોઈ પણ મુશ્કેલીમાં દૈવી શક્તિ ઉગારી લેશે. ધાર્મિક આસ્થા બળ આપે છે, પરંતુ પરમ શક્તિની નજર આપણા પર છે એવી સભાનતાથી ક્યારેક લોકોમાં બિનજરૂરી અપરાધભાવ પણ જાગે છે.
કુટુંબમાં આપણે એકબીજાને ધ્યાનથી જોતા રહીએ છીએ. સંતાનોમાં આવતો નાનામાં નાનો ફેરફાર માતાપિતાની નજરમાંથી છટકતો નથી. સંતાનો પણ વડીલોને જોઈ ઘણું શીખે છે. નજીકનાં સગાંસંબંધીઓ એકમેકના પરિવારે લીધેલા નિર્ણયોને રસપૂર્વક અને ક્યારેક ટીકાની નજરે તપાસે છે. પાડોશીઓની નજર બીજાના પહેરવેશ અને પ્રવૃત્તિઓ પર રહે છે. કોણ કોને મળવા આવ્યું, કોણ કેટલા વાગે ઘરમાંથી બહાર ગયું અને ક્યારે પાછું આવ્યું એવી બાબતો નોંધાતી રહે છે. ઘણી વાર એ પ્રકારનાં નિરીક્ષણોથી લોકોની, ખાસ કરીને યુવાપેઢીની, ચાલચલગત વિશે ગેરસમજ ફેલાય છે.
કોઈની નજર આપણા પર છે એ પ્રવર્તમાન વાસ્તવિકતાનાં સારાં અને નરસાં બંને પાસાં છે. એ વિશે વધારે પડતી સભાનતાથી બચી શકાય તો જીવનમાં શાંતિ અને સ્વાભાવિકતા પાછી મળે. સૌથી મહત્ત્વની બાબત છે આપણી જ આપણા પર નજર. આપણી ભીતર ધબકતા જણને પેલા આદિવાસી છોકરાની જેમ અપલક તાકતા રહેવું સ્વસ્થ જીવનની પહેલી શરત છે. }
Read Original Article →