દેશ-વિદેશ:ચીન જઈને ટ્રમ્પે શું મેળવી લીધું?

Magazine5/24/2026, 12:35:00 AM
દેશ-વિદેશ:ચીન જઈને ટ્રમ્પે શું મેળવી લીધું?
ડૉ. જય નારાયણ વ્યાસ તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ચીનની મુલાકાતે જઈ આવ્યા. સામાન્ય માણસના મનમાં એક પ્રશ્ન સતત ઘૂમરાતો હોય છે કે, આ પ્રકારની મુલાકાતોના શું લાભ? માત્ર બે દિવસ પૂરતી અમેરિકન ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથેની આ મુલાકાતથી કશું નીપજ્યું હોય તેવું તો દેખાતું નથી. આ પ્રક્રિયાને સમજવા માટે આપણે કૂટનીતિના વિવિધ તબક્કાઓ સમજવા પડશે. ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં આ વાત કરીએ તો કદાચ સરળતાથી સમજાશે. ભારત અને પાકિસ્તાનના તણાવપૂર્ણ મુદ્દાઓને હલ કરવા અને બંને પાડોશી દેશો વચ્ચે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ સંભવિત બને તે માટે પડદા પાછળ કૂટનીતિના વિવિધ દાવપેચ સતત ચાલ્યા કરતા હોય છે. આમાંનું મોટા ભાગનું કામ ગોપનીય હોય છે, એટલે ક્યાંક છૂટક-પૂટક મુદ્દાઓ બહાર આવે તે સિવાય જનસામાન્યની જાણમાં ખાસ કશું આવતું નથી. સામાન્ય રીતે બે દેશો વચ્ચેના સંબંધોમાંથી તણાવ દૂર થાય અને બંને શાંતિ તેમજ પ્રગતિનો રસ્તો અખત્યાર કરી શકે તે માટે ત્રણ પ્રકારની કૂટનીતિનો ઉપયોગ થાય છે. ટ્રેક-1, ટ્રેક-1.5 અને ટ્રેક-2—આ સંજ્ઞાઓ શું છે તે વિશે વિગતવાર જોઈએ. ટ્રેક-1 કૂટનીતિ સત્તાવાર અને સરકારી સ્તરની કૂટનીતિ છે. આમાં દેશના વડાપ્રધાન, વિદેશમંત્રી, વિદેશ સચિવ અને સંબંધિત સરકારોના અધિકૃત રાજદ્વારીઓ વચ્ચે સીધી વાતચીત થાય છે. આ વાતચીતો જાહેર અને અધિકૃત હોય છે. દા.ત. ડોનાલ્ડ ટ્રમ્પની પોતાના વિદેશસચિવ તેમજ અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ સાથે ચીનની મુલાકાત, જેમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ તેમજ ચીનની સરકારના ટોચના અધિકારીઓ સાથે સીધી વાતચીત થઈ. આ ટ્રેક-1 કૂટનીતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આના પરિણામે સંધિ, કરાર અથવા જાહેર નિવેદનો બહાર આવે છે. મોટા ભાગે બંને દેશના વડાઓ સંયુક્ત પત્રકાર પરિષદ કરે છે અને તેમની વાતચીત દરમિયાન સધાયેલી સમજૂતી બાબતે પ્રેસને માહિતી આપે છે. ભારત-પાકિસ્તાનની વાત કરીએ તો ૧૯૭૨નો શિમલા કરાર, 1999ની લાહોર સમિટ, 2001માં યોજાયેલી આગ્રા સમિટ અને 2004-08 વચ્ચેનો કમ્પોઝિટ ડાયલોગ આનાં ઉદાહરણ ગણી શકાય. આ ટ્રેક-1 કૂટનીતિ છે અને તેમાં મુખ્ય મુલાકાત પહેલાં બંને દેશોના ઉચ્ચ અધિકારી કે વિદેશમંત્રીના સ્તરે ગહન ચર્ચા-વિચારણા અને મંત્રણાઓ થાય છે, જેથી કેટલાંક સામાન્ય હિતના મુદ્દાઓ ઉપર અગાઉથી સહમતી સાધી શકાય. ટ્રેક-1.5 કૂટનીતિ: આ કૂટનીતિ ટ્રેક-1 અને ટ્રેક-2 વચ્ચેનું એક હાઇબ્રિડ (મિશ્ર) સ્વરૂપ છે. આ પ્રકારની ચર્ચાઓમાં હાલ હોદ્દા પર ચાલુ હોય તેવા અથવા ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ સાથે બિનસરકારી નિષ્ણાતો, વિદ્વાનો તેમજ બંને દેશના પ્રશ્નો વિશે ઊંડું ચિંતન અને સમજ ધરાવતા થિંક ટેન્કના લોકો પણ સામેલ હોય છે. ટ્રેક-1ની સરખામણીમાં આ વાતચીત અનૌપચારિક અને અર્ધસત્તાવાર હોય છે, જે ટ્રેક-1ની સત્તાવાર સરકારી વાતચીત માટે એકબીજામાં વિશ્વાસ ઊભો કરવા તેમજ નવા વિચારો અજમાવવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી અથડામણ/યુદ્ધ બાદ લંડન સ્થિત ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ’ દ્વારા ભારત-પાકિસ્તાનના સંદર્ભમાં ટ્રેક-1.5 આધારિત ચર્ચા-વિચારણાનું આયોજન પહેલાં લંડન અને ત્યાર બાદ મસ્કતમાં કરવામાં આવ્યું હતું. આ પ્રકારની ચર્ચાઓ બંને દેશોના સત્તાવાર અભિપ્રાય ઘડવામાં મદદરૂપ બને છે. 2025-26 દરમિયાન ભારત-પાકિસ્તાન સંબંધોને સુલઝાવવા માટે ખાસ કરીને લંડન, મસ્કત, થાઇલેન્ડ અને દોહામાં આવી ટ્રેક-1.5 બેઠકો યોજાઈ હતી. આ બધી વાતચીત અનૌપચારિક અને ગોપનીય હોય છે. બંને સરકારો વચ્ચેની સીધી વાતચીત જ્યારે અટકી ગઈ હોય ત્યારે તણાવ ઘટાડવા અને ભવિષ્યની સત્તાવાર વાટાઘાટો માટે સાનુકૂળ માહોલ તૈયાર કરવામાં ટ્રેક-1.5ની કૂટનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટ્રેક-2 કૂટનીતિ એ ત્રીજા પ્રકારની કૂટનીતિ છે. આ ડિપ્લોમસી એ સંપૂર્ણપણે અનૌપચારિક અને બિનસરકારી સ્તરની કૂટનીતિ છે. જેમાં વિદ્વાનો, ભૂતપૂર્વ રાજદ્વારીઓ, નિવૃત્ત સેના અધિકારીઓ, વરિષ્ઠ પત્રકારો અને સિવિલ સોસાયટીના અગ્રણી લોકો સામેલ હોય છે. આ પ્રકારની કૂટનીતિનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ પૂરીને વિશ્વાસનું નિર્માણ કરવાનો, સરહદી તણાવ ઘટાડવાનો અને બંને સરકારો વચ્ચેની સીધી વાતચીત (ટ્રેક-૧) માટે યોગ્ય પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રેક-2 ડિપ્લોમસીની સૌથી જૂની અને પ્રસિદ્ધ પ્રક્રિયા ‘નીમરાણા ડાયલોગ’ છે. આ વાર્તાલાપની શરૂઆત 1991માં રાજસ્થાનના ઐતિહાસિક નીમરાણા કિલ્લામાં થઈ હતી. આમાં બંને પક્ષના ભૂતપૂર્વ રાજદ્વારીઓ, સેના અધિકારીઓ, વિદ્વાનો અને વ્યૂહાત્મક નિષ્ણાતો ભારત-પાકિસ્તાન વચ્ચેના અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ જેવા કે કાશ્મીર, પરમાણુ નીતિ, સિયાચીન ગ્લેશિયર, આતંકવાદ અને પરસ્પર વિશ્વાસ વધારવાના ઉપાયો જેવા વિષયો પર ખૂલીને ચર્ચા કરે છે. આ પ્રક્રિયા આજે પણ વણથંભી ચાલુ છે. આ બધી પ્રક્રિયાઓ સામાન્ય રીતે કડક ગોપનીયતાના નિયમો હેઠળ ચાલે છે અને આગળ જતાં બંને દેશો વચ્ચે સત્તાવાર વાતચીત માટેનો પાયો તૈયાર કરે છે. આવા સંવાદો યુદ્ધ કે તણાવના કપરા સમયમાં પણ પડદા પાછળ ચાલુ રહે છે અને લાંબા ગાળાની શાંતિ સ્થાપવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. આમ, આપણને ભલે એવું દેખાય કે ટ્રેક-1 કૂટનીતિ અત્યારે શાંત પડી ગઈ છે, પણ પડદા પાછળ ટ્રેક-1.5 અને ટ્રેક-2 જેવા મંચ થકી ભારત-પાકિસ્તાન વચ્ચેના મતભેદો ઉકેલવા અને કાયમી ધોરણે શાંતિ સ્થાપવા માટે સતત કાર્ય ચાલતું રહે છે. આ બધી પ્રવૃત્તિઓ ગોપનીયતાના ચુસ્ત પડદા હેઠળ થતી હોવાથી મીડિયા કે જનસામાન્યની જાણમાં બહુ ઓછી આવે છે, પરંતુ ‘ઓપરેશન સિંદૂર’ કે ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે તેવો સરહદી સંઘર્ષ ચાલતો હોય ત્યારે પણ બંને દેશોને ફરી મંત્રણાના ટેબલ પર લાવવા માટે આ આડકતરા પ્રયાસો સતત જીવંત હોય છે. }
Read Original Article →