મજાતંત્ર:કશું ન કરો તો પણ તમે દેશભક્ત

Magazine5/16/2026, 8:26:20 PM
મજાતંત્ર:કશું ન કરો તો પણ તમે દેશભક્ત
ચેતન પગી આપણે જેને તિરસ્કારથી જોતા હતા એ બેરોજગાર લોકો કેટલા ઉત્તમ દેશભક્ત છે! શમાં (જીવતા) રહેવા માટે માત્ર ટેક્સ ચૂકવવો, આધાર કાર્ડ અપડેટ કરાવવું કે મતદારયાદીમાં નામ કપાઈ ન જાય એનું ધ્યાન રાખવું પૂરતું નથી. તમારે દેશભક્ત હોવાના પુરાવા પણ સમયાંતરે આપતા રહેવા પડે છે. બેન્ક દ્વારા કરવામાં આવતી કેવાયસી (નૉ યૉર કસ્ટમર) પ્રોસેસની સારી વાત એ છે કે એ વરસમાં એકવાર કરવી પડે છે. પણ સરકાર રોજ અધિકારીઓને જુદા પ્રકારના કેવાયસીની ટકોર કરતી રહે છે - નૉ યૉર સિટિઝન. એટલે આપણે દેશભક્તિનો પુરાવો રોજ આપવો પડે છે. મોટા નેતાઓ એમના કદથી પણ મોટું સરકારી, ખાનગી, અત્યંત ખાનગી પ્રચારતંત્ર રાખે છે. આ પ્રચારતંત્ર નેતાજી કેટલા દેશભક્ત છે એના પુરાવા વગર માગે આપતા રહે છે. પણ આપણે રહ્યાં નાગરિક. એટલે આપણે દેશભક્તિનો પુરાવો જાતે સબમિટ કરવો પડે છે. પણ બીજી એક સારીવાત એ છે કે હવે દેશભક્ત બનવાની પ્રક્રિયા તદ્દન સરળ બની ગઈ છે. તમારે ઝાઝી માથાકૂટમાં પડવાની જરૂર નથી. અગાઉના નેતાઓ નબળા હતા. એટલે દેશભક્ત હોવાનું સાબિત કરવા માટે લોકોને અંગ્રેજોની લાઠીઓ ખાવી પડતી, ભૂખ્યા-તરસ્યા રહીને ઉપવાસ કરવા પડતા અને મહિનાઓ સુધી જેલમાં સબડવું પડતું હતું અને હવે આપણે ઘણી પ્રગતિ કરી છે. સોશિયલ મીડિયાના પ્રોફાઇલમાં ‘ભારત માતા કી જય’ લખી દો અને તિરંગો મૂકી દો એટલે તમે દેશભક્ત છો એની લોકોને ખબર જાય છે. પહેલાં લોકોને દેશહિતમાં સોના-ચાંદી દાન કરી દેવા પડતા હતા હવે દાગીના નહીં ખરીદીને પણ દેશભક્તિ દર્શાવી શકાય છે. શક્ય છે કે સરકારને કોઈ સલાહકારે એવી જાણકારી આપી છે કે વિકાસના પ્રતાપે લોકો પાસે એટલા પૈસા આવી ગયા છે કે હવે તેમણે શાકભાજીની જેમ સોનું-ચાંદી ખરીદવાનું શરૂ કરી દીધું છે. આ સલાહને માનીને સોનું માપમાં ખરીદવાનું સરકારે કહેવું પડ્યું છે. સારું છે આપણા પાચનતંત્રની મર્યાદા છે, નહીંતર આપણે તો ચાંદીની થાળીમાં સોનાની રોટલી ચાવી જતા. આવું સરકારના સલાહકારોનું માનવું છે. કલ્પના કરો. તમે બજારમાં નીકળ્યા છો અને સામે જ્વેલર્સની દુકાન આવે છે. આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ફ્રી ગિફ્ટનું પ્રોમિસ પણ અપાયેલું છે. આ બધાં આકર્ષણો જોતાં જ તમારા ગજવામાં ઠુંસાયેલી રૂપિયાની થપ્પીઓ બહાર નીકળવા માટે ઊછળકૂદ કરી રહી છે, પણ તમને દેશહિતમાં કરવામાં આવેલી પેલી હાકલ યાદ આવે છે. સાથે જ આપણા મહાન નેતાએ હાથ ઝુલાવતી હજારોની મેદની સમક્ષ કરેલા સંઘર્ષનું પણ સ્મરણ થાય છે. એ પછી તમે થપ્પીઓને હડસેલીને ખિસ્સામાં ઠૂંસી દો છો અને સોના-ચાંદીની દુકાનને ધરાર અવગણીને ભાવની રકઝક કરવા માટે શાકભાજીવાળાની લારીએ પહોંચો છો. આટલું અમથું બલિદાન તમારું દેશભક્ત હોવાપણું પુરવાર કરવા માટે પૂરતું છે. એક એવા નેતા હતા જેમની સમક્ષ દેશદાઝ પુરવાર કરવા માટે તમારે મોંઘા ભાવના સોનાના દાગીના ખરીદીને દાન કરવા પડતા હતા અને એક હાલના નેતા છે. તે સોનું નહીં ખરીદવાની સલાહ આપીને દેશભક્ત બનવાની તક આપે છે. દેશભક્તિના લેટેસ્ટ વર્ઝનનું સૌથી બેસ્ટ ફિચર આ જ તો છે. તમે સરકારી ઑફિસની પૂછપરછની બારીમાં જઈને પૂછો છો, ‘સર, દેશભક્ત બનવા માટે મારે શું કરવું પડશે?’ સામેથી જવાબ મળે છે, ‘કશું જ નહીં. કંઈ ન કરો અને ઘરે બેસી રહો.’ કેટલી અદભુત વ્યવસ્થા! આ વ્યવસ્થા અમલી બન્યા પછી ખ્યાલ આવે છે કે જેને આપણે નવરી બજાર, નકામા, આળસુ, ખાઉધરા જેવા વિશેષણોથી નવાજીને તિરસ્કારની દૃષ્ટિએ જોતા હતા એ બેરોજગાર લોકો કેટલા ઉત્તમ દેશભક્ત છે. બેરોજગારો કશું જ કરતા નથી. એ માત્ર ઘરે, પાનના ગલ્લે કે ચાની કીટલીએ બેસી રહે છે. એ નથી પેટ્રોલ બાળતા, નથી સોનું-ચાંદી ખરીદતા કે નથી ફોરેન ટૂર કરતા. તેઓ દેશની સાથે પર્યાવરણની પણ કેટલી મોટી સેવા કરે છે! ખરેખર તો વૉટ્સએપમાંથી નિરંતર જ્ઞાન પ્રાપ્ત કરતા અંકલોએ બાળકોને નવા આશીર્વાદ આપવા જોઈએ: ‘બેટા ભણીગણીને મોટો બેરોજગાર બનજે અને દેશની સેવા કરજે.’ }
Read Original Article →