રણમાં ખીલ્યું ગુલાબ:ફૂલોએ થાય વિહવળ એવો પ્રયાસ ના કર, ઝાકળ ભરેલ રસ્તે કોઇ પ્રવાસ ના કર

Magazine5/17/2026, 12:35:00 AM
રણમાં ખીલ્યું ગુલાબ:ફૂલોએ થાય વિહવળ એવો પ્રયાસ ના કર, ઝાકળ ભરેલ રસ્તે કોઇ પ્રવાસ ના કર
ચતુરભાઇ, કોઇ બે ભાઇઓ તમને મળવા માટે આવ્યા છે. અંદર મોકલું?’ નાની બહેને પૂછ્યું, પછી જવાબની રાહ જોયા વિના બે આગંતુકોને ચતુરના અંગત બેઠકખંડ માં મોકલી આપ્યા. ચતુરનું નામ તો ચંદ્રેશ હતું. એની ચતુરાઇ જોઇને લોકોએ ચંદ્રેશ ચતુર, પછી ચંદુ ચતુરની બહુમતી છે એટલે નામમાંથી ‘ચંદુ’ પણ ખરી ગયું. ચતુરની વિશેષતા એ હતી કે તમે એને કોઇ પણ કામ જણાવો એટલે એ એનું પ્લાનિંગ કરી આપે. માસ્ટર ઇન પ્લાનિંગ. તમારે બેન્ક સાથે છેતરપિંડી કરવી છે? કોઇને બાટલામાં ઉતારવો છે? કોઇના રૂપિયા ઉછીના લીધા પછી પાછા નથી આપવા? કોઇ મુરતિયાને છોકરી ન મળતી હોય તો એને સારામાં સારી કન્યા સાથે પરણાવી દેવો છે? કોઇનું મકાન પડાવી લેવું છે? કોઇ માલદારને બ્લેકમેઇલિંગમાં ફસાવીને ખંખેરી લેવો છે? આવા એક નહીં પણ એક હજાક કામ માટે લખો યા મળો ભાઇ ચતુરને! અલબત્ત, ચતુર પૈસા લીધા વગર મફતમાં કોઇનું પણ કામ ન કરે. એ પોતાની ફીને સુપારીને બદલે રિટેનર ફી તરીકે ઓળખાવતો હતો. બે જણા અંદર આવ્યા. ચતુર સોફા પર પગ લાંબા કરીને બેઠો હતો. બેમાંથી એકે એના પગના અંગૂઠાને સ્પર્શ કર્યો, એ જોઇને બીજાએ પણ અનુસરણ કર્યું. ચતુરે ઇશારો કર્યો, બંને સામેની ખુરશીઓમાં ગોઠવાયા. ચતુરે આંખથી પૂછ્યું, ‘કેમ આવવું થયું?’ બે પુરુષોમાંથી એક જ જરાક પીઠ અને મોટો લાગતો હતો એણે શરૂ કર્યું, ‘મારું નામ ભૂપત. આ મારો નાનો ભાઇ જોબન છે. હું પરણેલો છું. જોબન બાકી છે.’ ‘તો મારે એના માટે કન્યા શોધી આપવાની છે?’ ચતુરના બોલવામાં પ્રશ્ન વધુ હતો કે કટાક્ષ એ ભૂપતને સમજાયું નહીં. ‘ના, ચતુરભાઇ! કન્યા તો જોબને જાતે જ શોધી લીધી છે, તમારે તો બસ એ કન્યાને ભગાડી જવામાં મદદ કરવાની છે. અમને બહારથી તમારા વિશે બહુ સારા રિપોર્ટ્સ જાણવા મળ્યા છે કે એક વાર જો ચતુરભાઇ કોઇ કામ હાથમાં લઇ લે તો પછી ઇશ્વર પણ એમાં મીનમેખ ન કરી શકે. એટલે અમે તમારી પાસે આવ્યા છીએ.’ આટલું બોલતામાં તો ભૂપત હાંફી ગયો, કપાળે પરસેવો ફૂટી નીકળ્યો. ‘મારી ફીનું શું? એ વિશે પણ બહારથી જાણવા મળ્યું કે નહીં?’ ચતુરે પૂછ્યું. ‘જાણવા મળ્યુંને, ભાઇ, તમને પૂરી ફી મળી જશે. અમારે તો લગનનો, જાન જોડવાનો, જમણવારનો બધોય ખર્ચ બચવાનો છે. એટલા રૂપિયા તમને આપી દઇશું. પણ કામમાં કોઇ અડચણ ન આવવી જોઇએ એ તમારું કામ!’ ભૂપતે પણ ચતુરને બાંધી લીધો. ચતુરે સોફા પર હાથ પછાડીને કહ્યું, ‘એમાં તમારે કહેવું નહીં પડે. મેં સાંભળ્યું છે કે ચેસનો ચેમ્પિયન ખેલાડી પહેલી ચાલથી લઇને ચૌદમી ચાલ સુધીનું વિચારીને બેઠો હોય છે, તો તમે સાંભળી લો કે આ ચતુરભાઇ કોઇ પણ કામ હાથમાં લે છે એની ચા‌ળીસ, ચારસો કે ચાર હજાર ચાલ વિચારીને કામની શરૂઆત કરે છે. મને બસ, તમે છોકરીનું શહેર, ગામ, શેરી, ઘર, કુટુંબના સભ્યો, પાડોશીઓ, ઘરમાં હથિયાર વાપરી શકે એવા કોણ-કોણ છે, નજીકનું પોલીસ સ્ટેશન ક્યાં છે, આ બધી ઝીણી ઝીણી બાતમી આપી દો; પછી હું મારું પરફેક્ટ પ્લાનિંગ શરૂ કરું.’ ભૂપતે બધી જ માહિતી આપી દીધી. કન્યાનું નામ જયશ્રી. પચાસ કિ. મી. દૂર આવેલા નાનકડા ગામમાં એનાં માતા-પિતાનું ઘર. છોકરી કોલેજમાં ભણવા માટે આવતી એમાં જોબનની સાથે નજરું મળી ગઇ હતી. હવે કોલેજ પૂરી થઇ ગઇ હતી. ચાર ખુંખાર ભાઇઓ, ચાર જાસૂસ જેવી ભાભીઓ. બે ગાડાં, પાંચ ભેંસો, ત્રણ મોટરબાઇક, ચાર ધારિયાં, બે કડિયાળી ડાંગ અને મરદ મૂછાળો બડકમદાર બાપ. ગામની સિત્તેર ટકા વસ્તી એક જ જ્ઞાતિની. બધાના દિમાગ ચાલે એ પહેલાં હાથ-પગ ચાલે. એ ગામમાંથી બહાર નીકળવાના ચાર દિશાના ચાર મારગ. જે મારગ છોકરીને લઇને ભાગવાનો હતો એ રસ્તે આઠ કિ. મી.ના અંતર પર એક પેટ્રોલ પંપ આવે. રસ્તો લગભગ રાતના આઠ વાગ્યા પછી નિર્જન. ચતુરભાઇ ભૂપત-જોબનને સાથે લઇને એક વાર આખો રસ્તો જોઇ આવ્યા. જયશ્રીના બાપના ઘરની રેકી પણ કરી આવ્યા. પછી ફુલ પ્રૂફ પ્લાન બનાવીને તૈયાર કર્યો. જયશ્રીની પાસે સ્માર્ટફોન હતો. જોબન જયશ્રીને પલ-પલ કી ખબરેં મોકલી રહ્યો હતો. ચતુરભાઇએ તૈયાર કરેલા પ્લાન પણ મિનિટ-ટુ-મિનિટની વિગત સાથે જોબને જયશ્રીને મોકલી આપ્યો. રાત્રે આઠ વાગે જયશ્રીએ ઘરના સભ્યોની નજર ચુકાવીને પહેરેલા કપડે ઘરમાંથી નીકળી જવાનું હતું. એના ડહેલાની જમણી તરફ આવેલી અંધારી ગલીમાં કાળા રંગની જીપ સાથે ભૂપત, ચતુર અને જોબન તૈયાર રહેવાના હતા. ડ્રાઇવર પણ એવો પસંદ કર્યો હતો જે રીઢો ગુનેગાર હતો, જીપને ચિત્તાની ઝડપે ભગાવતો હતો. જયશ્રીનો જવાબ આવી ગયો, ‘બધું બરાબર છે. સારી વાત એ છે કે એ દિવસે મારી મા સામાજિક પ્રસંગે બહાર જવાની છે. એ ક્યારે પાછી આવશે એ નક્કી નથી પણ રાત્રે આઠ વાગે ઘરમાંથી નીકળવું એ મારા માટે સહેલું બની જશે. મારા બાપુ અને ભાઇઓ મારી નાની-નાની હરકત ઉપર નજર રાખે તેવા નથી. મારી મા જબરી છે. એ નહીં હોય એટલે આપણા પ્લાનમાં જરા પણ અડચણ ઊભી નહીં થાય. તમે લોકો સમય સાચવજો. મારાથી વધુ સમય અંધારી ગલીમાં ઊભા નહીં રહેવાય.’ જયશ્રીએ એક સેકન્ડ માટે પણ ઊભા રહેવું ન પડ્યું. નિર્ધારિત દિવસે અને નિર્ધારિત સમયે જયશ્રી એંઠવાડ ફેંકવાના બહાને ડહેલામાંથી બહાર નીકળી, અંધારી ગલીમાં કાળી જીપ તૈયાર જ ઊભી હતી. જયશ્રી બેસી ગઇ. હળવી ઘરઘરાટી સાથે એન્જિન ચાલું થયું. જીપ ગામને બાજુ પર રાખીને બહાર આવી ગઇ. જયશ્રીએ પાછળની દિશામાં જોયું, અંધારામાં એક બાઇક જીપનો પીછો કરી રહી હતી. એણે પૂછ્યું, ‘બાઇક પર કોણ હશે?’ ચતુરભાઇએ ધીમા અવાજમાં કહ્યું, ‘એ આપણો જ માણસ છે. ધારો કે જીપ બગડી, ડીઝલ ખૂટ્યું, ટાયરમાં પંક્ચર પડ્યું, તો શું થાય? તો અમે જીપમાં બેસી રહીએ અને તમને બંનેને બાઇક ઉપર રવાના કરી દઇએ. મારા પ્લાનમાં કંઇ કહેવું ન પડે.’ જીપ પૂરપાટ વેગે દોડી રહી હતી. રસ્તામાં એક સાંકડું નાળીયું આવ્યું. બરાબર એ જ સમયે સામેથી એક ટ્રેક્ટર પણ આવી રહ્યું હતું. બંને વાહનો નાળીયામાં અધવચ્ચે સામ-સામે ભેગાં થઇ ગયાં. કોઇ એક વાહન પાછું હટે તો જ રસ્તો ખૂલે. ડ્રાઇવરો જીદ પર અડી ગયા. ટ્રેક્ટરના પાછલા ખુલ્લા ભાગમાં પંદરેક પુરુષો અને એકાદ ડઝન સ્ત્રીઓ બેઠી હતી, સામાજિક પ્રસંગ પતાવીને બધાં પાછાં આવતાં હતાં. પુરુષો માથાના ફરેલા હતા. બળુકા શરીર અને બ્રેક વગરના દિમાગ. મારામારી કરવાના ઇરાદા સાથે સહુ જીપ તરફ આગળ વધ્યા. એમાં એક ભાનુબહેન નામની સ્ત્રીની નજર જયશ્રી ઉપર પડી. એ આંચકો ખાઇ ગઇ, ‘લે! આ તો મારી છોકરી! આવા કટાણે ઇ ક્યાં હાલી? કોની હારે?’ ગામડાના માણસો અભણ હોઇ શકે પણ ડોબા નથી હોતા. અડધી ક્ષણમાં બધું સમજી ગયા. જીપના બેઠેલા મુસાફરો પર તૂટી પડ્યા. ડ્રાઇવર, ભૂપત, જોબનને મારી-મારીને તોડી નાખ્યા. ચતુર પણ લગભગ ઝડપાઇ જ ગયો હતો પણ ભાનુબહેનની નજર એની ઉપર પડી એમાં બચી ગયો. ભાનુએ એને એક તરફ લઇ જઇને તતડાવ્યો, ‘વાલામૂવા! તેં હવે આ ધંધો શરૂ કર્યો? પારકાની છોકરીયુંને ભગાડી જવાનો? તારાં પરાક્રમોની વાતો મારા કાન સુધી આવી ગઇ છે. તને આખો મલક પ્લાનિંગનો પાવરધો માણસ કહે છે, ખરુંને? આજથી વીસ ‌વર્ષ પહેલાં જ્યારે મને મારા બાપાના ઘરમાંથી લઇ જવાની હતી, ત્યારે તારું પ્લાનિંગ ક્યાં ગયું હતું? હવેથી આ ધંધો બંધ કરી દેજે, નહીંતર લોકો તને મારી નાખશે. આજે તો હું તને જવા દઉં છું.’ અને ચતુરદાસ કૂદીને બાજુમાં ઊભેલી બાઇકની પાછળ સીટ પર ગોઠવાઇ ગયા. પળવારમાં ત્યાંથી ગાયબ થઇ ગયા. મનોમન જાતે જ પોતાની પીઠ થાબડ્યે જતા હતા, ‘સારું થયુંને કે જીપ ઉપરાંત બાઇક પણ તૈયાર રાખી હતી! અડચણ આવી નડશે એવું તો મેં પણ વિચાર્યું ન હતું, પણ બાઇકે મને બચાવી લીધો.’ (શીર્ષક પંક્તિ: ઉર્વીશ વસાવડા)
Read Original Article →